ભાગ ૧૫: માતા પિતા ધર્મ પ્રત્યે કેમ બાળકોને જ્ઞાન નથી આપતા?
આગળનાં ભાગમાં આપણે જોયું કે “જો મા-બાપ બાળકનું કલ્યાણ ઇચ્છતા હોય તો કઇ કઇ બાબતનું ધ્યાન રાખવું?”, તે વિશે વધુ માહિતી અહીં જોઇએ:
મા-બાપ એ જ બાળકના પહેલા શિક્ષક છે તેમને પાયાનું જ્ઞાન આપવું એ માં-બાપની પહેલી જવાબદારી છે.
બાળકોને નાનપણથી જ દયા, દાનનાં સંસ્કારો પાડવા.
- જરૂરિયાતમંદોને દાન આપવું, સાધર્મિક સેવા કરવી, ગૌશાળામાં ફાળો લખાવો વગેરે કાર્યો બાળકના હાથે જ કરાવવા.
- બાળકને નાનપણથી જ સમજ આપવી કે ભૌતિક ચીજો જે છે તે કાયમી ટકવાની નથી તો તે દેતા શીખવી એટલે કે બીજાને વહેંચતા શીખવી….
- કોઇકવાર બાળકો ને ઉલ્ટા સંસ્કાર પણ આપવામાં આવે છે જેમ કે, બાળક સ્કુલમાં જતો હોય ત્યારે તેને જે ડબ્બો આપવામાં આવે તે તેને એકલાએ વાપરવું, કોઇ સાથે શેર ન કરવું કે કોઇને આપવું નહીં. આવા કુસંસ્કારને લીધે તેનામાં સ્વાર્થનું પોષણ થશે તેની જગ્યાએ સકારાત્મક દયા-દાનના સંસ્કારો પડે તે ધ્યાન રાખવું જોઇએ.
ધાર્મિક શિક્ષણનો અનાદર ન કરો
- વ્યવહારિક શિક્ષણ માટે માતા-પિતાનાં જોરદાર પ્રયાસો અને તેનો આદર કરવામાં આવે છે જ્યારે ધાર્મિક શિક્ષણ માટે પ્રયાસો પણ કરવામાં આવતા નથી અને અનાદર કરવામાં આવે છે.
- વળી, શાળાઓમાં અન્ય ધર્મ વિશે ઘણું બધુ કહેવાય છે તેમજ ઇંગ્લિશ મીડીયમની સ્કુલમાં તો ખ્રિસ્તી ધર્મના સંસ્કાર સિંચન પણ કરવામાં આવે છે.
- તથા, આજ કાલના માતા પિતા બાળકોને અન્ય ઇતર પ્રવૃતિઓમાં (ક્રિકેટ, કરાટે, ટેનિસ ) ખુબ જ દિલચસ્પીથી ક્લાસ કરાવે છે, તેડવા-મૂકવા જવા, તેના માટે સાધન-ઉપકરણો લેવા વગેરે ખર્ચ કરે છે પણ તે જ માતા પિતા ધાર્મિક શિક્ષણ મફત અપાતું હોવા છતાં, બાળકને પાઠશાળામાં ભણવા માટે મોકલતાં નથી અને પાઠશાળાની ઉપેક્ષા કરવામાં આવે છે…
- તો પછી યુવા અવસ્થામાં તેમની પાસેથી ધર્મ સંસ્કારોની અને ધર્મ વ્યવહારની અપેક્ષા જ કઇ રીતે કરી શકાય?
તેથી દરેક માતા-પિતા એ પોતે:
- નિત્ય જિનપૂજા કરવી,
- ગુરૂવંદન કરવું,
- અભક્ષ્ય અને રાત્રિભોજન ત્યાગ કરાવા,
- પોતાના માતા-પિતા ને નિત્ય વંદન કરવા
આ બધું જો માતા-પિતા પોતે કરશે તો બાળક એ જોઇને તેની મેળે જ બધુ શીખશે અને કરશે.
બાળકને નિત્ય:
- જિનપૂજા કરાવવી,
- ગુરૂવંદન કરાવવું,
- માતા-પિતા ને નિત્ય વંદન કરાવવું,
- પાઠશાળામાં ફરજિયાત મોકલવા,
- અભક્ષ્ય અને રાત્રિભોજન ત્યાગ કરાવવા
બાળકને કઠોર શબ્દોની બદલે મિઠાશવાળા શબ્દોથી સમજાવવા જોઇએ
- બાળકને શિખામણ અને ઠપકાં બાબતમાં એમ કહી શકાય, કે મિઠાઇમાં ખાંડનું જે સ્થાન છે તેવું સ્થાન શિખામણ અને ઠપકા બાબતમાં હોવું જોઇએ. વધુ પડતી ખાંડ મોઢું ભાંગી નાખે છે અને ઓછી ખાંડ મિઠાઇ બેસ્વાદ બનાવે છે.
- શિખામણ બાબતે એમ કહી શકાય કે જેટલા ઓછા શબ્દો તેટલી તેની અસર વધુ..
- ઠપકા બાબતમાં ભુલ જો સામાન્ય હોય તો મુશળધાર ન વરસવું.
- અવસરે બોલેલા ત્રણ શબ્દો પણ પૂરતા છે, અનઅવસરે બોલેલા ૩૦૦ શબ્દો પણ નકામાં છે..
- પણ જો કાયમી કુસંસ્કાર પડવાના હોય જેમ કે જુઠું બોલે, ચોરી કરે તો કડક થવાનું અને બાળકની મનોદશા પણ એવી થાય કે હું બીજું બધું કરીશ તો ચાલશે પણ જુઠ અને ચોરી નહીં ચાલે.
- બાળકની નાની-નાની ભુલોને ભુલી જવી અને તેની ભુલોને કઠોર શબ્દોની બદલે મિઠાશવાળા શબ્દોથી સમજાવવું.
- અત્રે કહેલી નાની-નાની વાતો બાળકનાં ચારિત્ર ઘડતરનો પાયો છે..
બાળકો પર વધારે પડતો કંટ્રોલ ન કરવો
- જો વધુ કંટ્રોલ કરવામાં આવશે તો દબાયેલી સ્પ્રિંગ ઉછળે એવું થશે એટલે બાળકો કાબુમાં નહીં રહે અને જે કહેવામાં આવશે તેનાથી ઉલ્ટું કરશે અથવા નકારાત્મક વલણ અપનાવશે.
બાળકના બીજા શિક્ષક એ પાઠશાળાના શિક્ષકો છે, તેમની પણ અમૂક જવાબદારી છે, તે વિશે આપણે હવે પછીના ભાગમાં જોઇશું.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶