ભાગ ૧: અભક્ષ્ય ત્યાગ શા માટે?
અભક્ષ્યનો ત્યાગ શા માટે?
- અભક્ષ્ય પદાર્થો ખાધા વિના જીવી શકાય છે.
- અભક્ષ્ય પદાર્થો હિંસામય છે, જેમાં ઘણા ત્રસજીવોની હિંસા થતી હોય છે.
- શરીર અને મનને બગાડીને આત્માને બગાડનાર હોય અને વિકારો ઉત્પન્ન કરે છે
- ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ, વીતરાગ એવા તારક તીર્થંકર ભગંવંતોએ અભક્ષ્ય ત્યાગવાનું કહ્યું છે. આથી, અભક્ષ્ય પદાર્થોનો જીવનભર માટે ત્યાગ જ કરવો જોઇએ.
અભક્ષ્ય પદાર્થો કેટલા છે અભક્ષ્ય પદાર્થો કુલ ૨૨ છે.
અભક્ષ્ય પદાર્થો કયા ક્યા? ૧ મદિરા-દારૂ:
- કોઇ પણ જાતનો દારૂ અભક્ષ્ય છે.
- જો આપણે દારૂ બનાવવાની પદ્ધતિ જાણીશું તો કદાચ કદી અડીએ પણ નહીં, જો આપણે બજારમાં દ્રાક્ષ, ગોળ, વગેરે લેવા જઇએ અને તે આપણને સડેલું આપે તો આપણે લેશું? નહીં જ લઇએ ને? પરંતુ દારૂ બનાવવા માટે તો દારૂ-મહુડાં, દ્રાક્ષ, ગોળ, લોટ, વગેરેને ખૂબ સડાવીને બનાવવામાં આવે છે. તેમાં સેંકડો કીડાંઓ પેદા થાય છે, કીડાઓને છૂંદીને તેનો રસ નીચોવાય છે, તેમાંથી આલ્કોહોલ તૈયાર થાય છે.
ધર્મની દ્રષ્ટિએ જોઇએ તો,
- દારૂમાં સતત બે ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને નાશ થતો જ રહે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો,
- આપણા પેટની અંદરની ચામડી ખૂબ જ મૂલાયમ અને પાતળી હોય છે, તેમાં થોડું પણ વધુ તીખું જાય તો આપણે જલન અનુભવીએ છીએ.
- પરંતુ દારૂ તો એવો જલન પદાર્થ છે કે જે ચામડાનાં જુતા પર પણ જો નાંખવામાં આવે તો તે કોહવાઇને બગડી જાય છે.
- જો આવો પદાર્થ પેટમાં નાંખવામાં આવે તો કેટલું નુકશાન થાય?
આરોગ્યની દ્રષ્ટિએ જોઇએ તો,
- દારૂ પીવાથી હોજરીમાં ચાંદા પડે છે,
- નર્વસ સિસ્ટમ ઉપર ભયંકર અસર પડે છે,
- શરાબને કારણે બી.પી., હાર્ટ-અટેક, એનીમીયા વગેરે રોગો ઉત્પન્ન થાય છે.
- બ્લડમાં રેડ અને વ્હાઇટ સેલ ઘટી જવાથી ભારે રોગોની સંભાવના રહે છે.
- હોજરીમાં સ્ટેમીના ખલાસ થવાથી પાચનતંત્ર સદાને માટે ખલાસ થઇ જાય છે.
- લીવર, પેટ, આંતરડા, અન્નનળી વગેરેના કેન્સર થાય છે.
- આંખની રેટીના, જીવ-કોશીકાઓ મૃત્યુ પામતા દર્દી આંધળો બને છે. અને આવા તો ઘણા રોગો થાય છે.
સામાજીક દ્રષ્ટિએ જોઇએ તો,
- માણસનું વર્તન બદલી જાય છે.
- લોકો સાથે તોછડાઇથી બોલી વ્યવહાર બગાડે છે.
- દારૂ પીને ઝઘડો કરવો, મારવું, વગેરે બનાવો તો આપણે જોતા જ હોઇએ છીએ.
તેથી જ સર્વજ્ઞ ભગવંતો એ દારૂને અભક્ષ્ય ગણ્યો છે અને પીવાની ના પાડી છે.
નોંધ: સ્પીરીટ, તાડી અને નીરોમાં પણ મદિરા જેવું તત્વ હોવાથી તે પણ અભક્ષ્ય છે.
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶