ભાગ ૩: જીવોને ઇશ્વરે ઉત્પન્ન કર્યા તો ઇશ્વરને કોણે ઉત્પન્ન કર્યા
આપણે આગળનાં ભાગમા જોયું કે જગત ઉત્પતિ છે જ નહીં તે હંમેશ હતું અને હંમેશ રહેશે. આ ભાગમાં આપણે જોઇશું કે શું આત્માઓને ઇશ્વરે ઉત્પન્ન કર્યા?
અજૈનો ના મતે:
- ઇશ્વરે આત્માઓને ઉત્પન્ન કર્યા કારણ કે અનંતકાળથી ઇશ્વર ”એકલા” પડી રહીને કંટાળી ગયેલા હોવાથી પોતાના આત્મામાંથી અનંત અંશો બહાર કાઢ્યા, સૃષ્ટિ ઉત્પન્ન કરીને તેમાં છૂટા મૂક્યા.
જૈનોના મતે:
- ઇશ્રવરને કંટાળો, ઉત્સુક્તા વગેરે હોઇ શકે ખરા?
- વળી જ્યારે જીવો ઉત્પન્ન કર્યા ત્યારે ઉત્પત્તિની ક્ષણે શુદ્ધ હતા કે અશુદ્ધ?
- જો શુદ્ધ હોય તો તે જ ક્ષણે મોક્ષ ભેગા કેમ ન થઇ ગયા? અને અશુદ્ધ ઉત્પન્ન કર્યા એટલે કે કર્મો ચોંટાડીને સંસારમાં મૂક્યા હોય જેમ કે, તિર્યંચ-મનુષ્ય, ગરીબ-તવંગર, રોગી-નિરોગી વગેરે. તો શું ઇશ્વર આવો પક્ષપાત કરે?
- જો જીવોને ઇશ્વરે ઉત્પન્ન કર્યા એમ માનીએ તો ઇશ્વરને કોણે ઉત્પન્ન કર્યા? શું બીજા ઇશ્વરે? તો બીજા ઇશ્વરને કોણે ઉત્પન્ન કર્યા? આમ વિચારતાં અનંતા ઇશ્વરો થાય તો પછી ઇશ્વરને જ અનાદિ માનવામાં આવે તો દરેક જીવને જ અનાદિ શા માટે ન માનવો? આમ, સાબિત થાય છે કે, જીવ અને જગત અનાદિ કાળથી છે જ.
અજૈનો ના મતે:
- જે જીવનાં જેવા કર્મો હોય તે પ્રમાણે ભગવાને વર્તવું પડે છે તેથી જ તો અમુક ગરીબ, રોગી, પશુ, નારકીના જીવો વગેરે હોય છે
જૈનોના મતે:
- ઇશ્વરને પણ જીવો ના કર્મોની સામે નજર રાખવી પડે તો પછી ઇશ્વરને “જગત્કર્તા” તરીકે વચ્ચે લાવ્યા વિના એ વાત શા માટે ન કરવી કે જીવના પોત-પોતાના કર્મો પ્રમાણે જ જીવ ગરીબ કે તવંગર બને છે, રોગી કે નિરોગી બને છે વગેરે.
- જો કર્મને બદલે ઇશ્વરને વચમાં લવાય અને તેનું કર્તૃત્વ જણાવાય તો દયાના સાગર એવા ઇશ્વર શા માટે કોઇ પણ આત્માને ગરીબ, રોગી કે નારકીના જીવ બનાવે? એટલે કે ઇશ્વર જગત્કર્તા નથી પરંતુ જગતનું વિનાશી સ્વરૂપ બતાવી અને જીવોને જે વિરક્ત બનાવે એ જ ઇશ્વર.
અજૈનો ના મતે:
- કર્મ તો જડ છે તો એ શી રીતે જીવને સુખ-દુ:ખ આપી શકે? સુખ-દુ:ખ આપનાર તો ઇશ્વર હોવા જ જોઇએ.
જૈનોના મતે:
- કર્મ જડ છે પણ જડમાં તો અખૂટ શક્તિ હોય છે.
- જેમ કે, મરચું જડ છે છતાં જીભ ઉપર મૂકતાં જ આંખમાં થી પાણી નીકળી જાય છે.
- આપણે આજે ટેલીફોન, કોમ્યુટર, ઇન્ટરનેટ, ઓટોમેટીક મશીનરીઓ વગેરે જડ છતા મગજ કામ ન કરે તેવા કાર્યો કેટલી બધી ઝડપથી કરે છે. તો પછી જડ એવા કાર્મણ સ્કંધો કામ કેમ ન કરે?
- વળી એ કાર્મણ સ્કંધોની પાછળ “આત્મા” - ચેતન તો જોડાયેલો જ છે. જેથી જડ-કર્મ આપણને સુખ-દુ:ખ ન આપી શકે?
ટુંકમાં જીવ, કર્મસંયોગ અને જગત અનાદિ છે. ઇશ્વર જગત્કર્તા નથી પરંતુ જગતનું વિનાશી સ્વરૂપ બતાવે છે અને જીવોને મોક્ષ માર્ગ વિરક્ત બતાવે છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶