ભાગ ૨૫: વિધીની પક્કડથી જ ધર્મ ટકશે…
આગળનાં ભાગમાં આપણે ભક્તિના મહત્વના મુદ્દા શ્રદ્ધા વિશે જોયું… તેમજ નંદક નું જિનપૂજા અંગેનું ઉદાહરણ જોયું…
હવે આગળ,
ધર્મ કરવાની ઇચ્છા તો હોવી જ જોઇએ પરંતુ જો વગર ઇચ્છાએ ધર્મ કર્યો હોય તો વગર ઇચ્છાએ કરેલી ક્રિયા ફળે?
- જીવ નિગોદમાંથી નીકળી અને ઉંચી સ્થિતીએ આવે છે તે સકામનિર્જરાથી નહીં પણ અકામનિર્જરાથી જ આવે છે.
- અકામ એટલે ઇચ્છા વિના. જો ઇચ્છા વિના કરેલી ક્રિયા ન જ ફળતી હોત, તો અકામનિર્જરાથી જીવને ઉંચે આવવાનું પણ કયાંથી બનત? માટે વગર ઇચ્છાએ કરેલી ક્રિયા પણ ઓછાવતા પ્રમાણમાં અવશ્ય ફળે છે.
હવે આપણે ભકિતના મહત્વના મુદા વિધી વિશે જોઇએ
૨. વિધી
- બધી ધાર્મિક ક્રિયાઓ વિધીપૂર્વક જ કરવી જોઇએ.
- વિધીને જાણી લીધા પછી પણ તેના ઉપર વારંવાર ચિંતન-મનન કરવું જોઇએ અને સમજમાં કંઇ ખામી રહી નથી ગઇને તેની ખાત્રી કરી લેવી જોઇએ.
- જો એક ને બદલે બીજું સમજાયું હોય તો પણ જરૂર ખામી રહેવાની અને જે ફળ મળવું જોઇએ તે મળે નહીં.
- વિધીનું યથાર્થ અનુસરણ એ જ વિધીની શુદ્ધિ છે અને તે માટે પૂરેપૂરો આગ્રહ તથા કાળજી રાખવી જોઇએ.
- જો કોઇ એમ કહે કે ભાવ ઉત્તમ હોય પછી વિધીમાં થોડી ખામી રહી જાય તો પણ શું? પરંતુ ભાવની સાથે વિધી પણ બરાબર જોઇએ, જેમ કે કોઇ વ્યક્તિને સત્કારવાનો આપણો ભાવ પૂરેપૂરો હોય પણ તે આવે ત્યારે બે હાથ જોડીએ નહીં કે “આવો પધારો” એટલું પણ બોલીએ નહીં તો સત્કારની ક્રિયા થઇ ગણાય?
- આમ, ભાવની સાથે વિધી પણ ખુબ જ જરૂરી છે.
- તેટલું જ નહીં જ્યારે વિધી પ્રત્યે બહુમાન અને અવિધી પ્રત્યે નફરત પ્રગટે ત્યારે જ ક્રિયામાં વિધી-શુદ્ધિ આવે છે.
પણ પાછો પ્રશ્ન એ જ આવશે કે વિધી-વિધાનનું આટલું બધું મહત્વ કેમ?
- દર્શન, પૂજા, ગુરૂવંદન, સામાયિક, પ્રતિક્રમણ, જપ, તપ વગેરે ધર્મકાર્યમાં વિધી ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, વિધીની ઝીણવટ બતાવી છે આજે જીવન ધમાલિયું બની ગયું છે તો વિધીની પક્કડ ઓછી ના કરવી જોઇએ?
- આના જવાબમાં કહી શકાય કે, રસોઇમાં કે ખાવા-પીવામાં પહેરવા-ઓઢવામાં સહેજ પણ અવિધી હોય, જેમ કે રસોઇ માં મીઠું મરચું વધારે ઓછું પડી જાય તો એ ચાલે? સહેજ પણ અવિધી, ઓછું -વધતું હોય તો ના ચાલે તો ધર્મ અને ધર્મ ક્રિયાઓમાં કેમ ચાલે?
- જેમકે કોઇ રોગની સારવારમાં ડોક્ટરે દિવસમાં ત્રણ વાર કે ચાર વાર દવા લેવાની અને જેટલા દિવસ માટે લેવાની હોય તેમાં શું મનફાવે તેમ ફેરફાર કરીએ તો ચાલે? જે પ્રમાણે ડોક્ટરે દવા લેવાનું કહ્યું હોય તે પ્રમાણે જ લઇએ તો જ રોગ ઉપર અસર થાય.
- તે જ રીતે, ધર્મ અને ધર્મક્રિયાઓ અનંતા ભવના કર્મ મહારોગની દવા છે.
- તો દવાના નિષ્ણાત મહા ડોક્ટર શ્રી અરિહંત પરમાત્માએ જે વિધીથી એનું સેવન કરવાનું કહ્યું હોય તે વિધીથી જ કરવું જોઇએ.
જો કોઇ એમ કહે કે અવિધીથી કરવું તેના કરતા ન કરવું સારું?
- અવિધીએ કોઇ ધાર્મિકક્રિયા કરવા કરતાં ન કરવી સારી, તે વાક્ય ઉત્સૂત્ર છે કારણ કે ધાર્મિકક્રિયામાં જેમ કે જિનપૂજા ન કરવાથી આત્મા ભારેકર્મી થાય છે અને જિનપૂજા કરવાથી લધુકર્મી થાય છે.
- માટે ધર્મક્રિયા હંમેશા કરવી અને તેમાં પણ પોતાની સર્વશક્તિથી વિધી પ્રમાણે કરવાનો પ્રયત્ન કરવો.
- શાસ્ત્રમાં કહ્યું છે,
- વિધીયોગને ધન્ય છે.
- નિરંતર વિધીપક્ષના આરાધકને ધન્ય છે.
- વિધીનું બહુમાન કરનારાને ધન્ય છે,
- વિધીપક્ષને દૂષણ ન લગાડનારને ધન્ય છે.
કેટલાકનું મંતવ્ય એવું છે કે ખુબ વિધીની પક્ક્ડ રાખશું તો શું ધર્મ ટકશે?
- વિધીની પક્કડથી જ ધર્મ ટકશે. અવિધી ચલાવી લેવાથી અવિધી જ માર્ગ બની જશે.
- પછી કોઇને ખબર નહીં હોય કે આ અવિધી છે. લોકો અવિધીને વિધી માનતા થઇ જશે.
-
અને આ બધાનું પાપ અવિધી શરૂ કરી તેને અને વિધીની પક્ક્ડ રાખીએ તો ધર્મ ન ટકે આવી માન્યતાથી સાચી વિધીનું જ્ઞાન જેણે ન કરાવ્યું તેને લાગશે.
- મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે,
“પંચમ આરે જિમ વિષ મારે અવિધી દોષ તિમ લાગે;
ઇમ ઉપદેશપદાદિક દેખી, વિધી રસીયો જન જાગે રે”
એટલે કે, જેમ વિષ ચોથા આરામાં પણ મારે અને અત્યારે પણ મરણ લાવે તેમ અવિધી ચોથા આરામાં જો નુકશાન પહોંચાડતી હોય તો પાંચમાં આરામાં પણ અવિધી નુકશાન કરે જ. ઉપદેશ પદ વગેરેમાં આ બાબત જણાવી જ છે. વિધીનો રસીયો જે હશે તે જાગી જશે.
સ્નાત્ર ભણાવીએ તેમાં “કુસુમાંજલિ” આવે છે હવે આપણે કોઇને પુછીએ કે કુસુમાંજલિ એટલે શું?
- તો તરત કહેશે કે કેસરમાં ચોખા પલાળી તેમાં ફૂલની પાંદડીઓ નાંખી કુસુમાંજલિ બને
- પરંતુ ખરેખર તો કુસુમાંજલિ એટલે ફૂલોનો ખોબો ભરીને પ્રભુને ધરવાનો હોય છે એટલે આ વિધી છે
- પરંતુ કેસરમાં ચોખા પલાળવાની એ અવિધી છે
- પરંતુ અવિધીએ વિધીનું સ્વરૂપ લઇ લીધું છે પછી કોઇ કુસુમાંજલિ એટલે ફૂલોની અંજલિ એવું વિચારતુ જ નથી.
હવે પછીનાં ભાગમાં આપણે ભક્તિનાં ત્રીજા અગત્યનો મુદો પ્રભુદર્શન વિશે જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶