🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ઉંદર, ગરોળી તેમજ ભાષાની જયણા અને દૈનિક જીવનમાં ધ્યાનમાં રાખ​વાની બાબતો

આગળના ભાગમાં આપણે ઉધઈની, ધાન્યના કીડાની તેમજ ઈયળની જયણા કેવી રીતે પાળશો? એ વિશે જોયું હતું.

હ​વે આગળ,

Q - જયણા


ઉંદર ગરોળી વગેરેની જયણા

  • ઉંદરના દર પાસે ફટકડીનો ભુકો મુકી રાખવાથી ઉંદર તરત ભાગી જાય છે

  • ઉંદર ના દર પાસે ફુદીનાના પાન વેરવાથી ઉંદર આવતા નથી

  • ઉંદરને પીંજરામાં પકડી સુરક્ષિત સ્થાનમાં છોડી દેવાની રીત ઘણાં ઘરોમાં આજે પણ જોવા મળે છે. તેમાં પીંજરાનું સતત ધ્યાન રાખતા રહેવું. અંદર ઉંદર આવે પછી તરત તેને સુરક્ષિત સ્થાને છોડી દેવો. પીંજરમાં ઘણો વખત તે પૂરાઈ રહે તેમ ના થવું જોઈએ

  • ઉંદરના આવવા જવાના માર્ગ ઉપર કપૂરની ગોટી મુકી રાખવાથી ઉંદર આવતા નથી

  • ઘરમાં મોરનાં પીછાં ટીંગાડી રાખવાથી ગરોળી આવતી નથી. સાપ પણ મોરના પીંછાથી આવતા નથી

  • બારીની જાળી પર કેરોસીનનું પોતું ફેરવવાથી કરોળીયાનાં જાળાં થતાં નથી

  • ઘરમાં કાનખજૂરો દેખાય તો મુલાયમ પૂંજણીથી સૂપડીમાં લઈ દૂર મૂકી દેવો

  • ઘરમાં પક્ષીઓ માળા બાંધે તો ઇંડા, બચ્ચા વગેરેની અજાણતા પણ વિરાધનાનો સંભવ છે. ક્યારેક પંખામાં ઊડતા પંખીનો અકસ્માત થવાની પણ સંભાવના છે તેથી પક્ષીઓ માળા બાંધી શકે તેવું પોલાણ જ ઘરમાં ન રાખવું

  • ચોમાસામાં અળસીયા ખૂબ ઉત્પન્ન થઈ જાય છે તેથી હાલતા ચાલતા ખાસ ધ્યાન રાખવું. ઘણીવાર બાથરૂમ, સંડાસ કે પાણીની મોરીમાં પણ અળસીયા થવાની સંભાવના છે. બાથરૂમમાં અજવાળું ઓછું હોય અને બરાબર ઉપયોગ ન રાખો તો અળસીયાની વિરાધના થવાનો ખૂબ સંભવ છે

  • કપડાના કબાટમાં નીચે કાળી જીરી વેરી તેની ઉપર એક કપડું પાથરવું. પછી બધા કપડાં મૂકવા. તેમ કરવાથી કબાટમાં જીવાત થતી નથી

સર્વ સામાન્ય જયણા

  • કોઈ પણ જગ્યા વાપરતા પહેલા જયણાપૂર્વક ઝાડુ ફેરવી લો

  • જંતુનાશક દવા વાપરવી નહિ, તેનો વેપાર કરવો નહિ

  • બાથરૂમનો ઉપયોગ કરતાં પૂર્વ મૃદુતાથી ઝાડુ ફેરવી લો

  • પર્વતિથિઓ અને પર્યુષણ આદિ ૬ અઠ્ઠાઇઓમાં અનાજ દળાવવું નહિ

  • ટેબલ, પલંગ વગેરે કોઈ પણ સામાન જમીન પર ઘસીને ન ખેંચો, ઊંચકીને ફેરવો

  • કબાટ, બેગ, ડબ્બા, ડબ્બી વગેરે ચુસ્ત બંધ કરીને રાખો, અધખુલ્લા ન રાખો

  • ઘરના ઓરડાની દિવાલો, છત વગેરે પણ ૨-૩ દિવસે જયણાપૂર્વક સાફ કરો

  • શક્ય હોય ત્યાં સુધી ચોમાસામાં મુસાફરી ટાળો. પ્લાસ્ટીકનો ઉપયોગ શક્ય તેટલો ટાળો

  • પ્લાસ્ટીકની કોથળીઓ જ્યાં ત્યાં ફેંકવી નહિ. તે ફેંકેલી કોથળીઓ ગાય વગેરેના પેટમાં જાય તો તે મૃત્યુ પામે છે

  • કેળાની છાલ જેવી વસ્તુ રસ્તા પર છુટ્ટી ફેંકવી નહિ

  • શરીરમાં હાથ વગેરે ખૂલ્લા ભાગ ઉપર ક્યાંય ખંજવાળ આવે તો ખંજવાળતા પહેલા બારીકાઈથી ત્યાં જોઈ લો અથવા હાથે હાથરૂમાલ ત્યાં ફેરવી જુઓ. કોઈ ઝીણી જીવાત ત્યાં બેઠી હોય તો તેની રક્ષા થઈ શકે

  • કપડાં ધોવા નાંખતાં પહેલા આગળ પાછળ કરીને. ઊંધા ચત્તા કરીને તથા ખીસ્સા બહાર કાઢીને બરાબર જોઈ લો

  • કોઈ પણ નાના કે મોટા વાસણમાં પાણી, ખાદ્યપદાર્થ, અનાજ કે કોઈ પણ ચીજ ભરતા પહેલાં બરાબર જોઈ લો કે તેમાં ખૂણે ખાંચરે પણ કોઈ સૂક્ષ્મ જંતુ તો નથી ને

  • બારી બારણાં ખોલતા બંધ કરતાં પહેલાં જ સહેજ ખખડાવો જેથી ખાંચામાં ક્યાંય ગરોળી વિ. ભરાયેલી હોય તો તે ખસી જાય. બારી-બારણાં ખોલતાં બંધ કરતા પૂર્વે દષ્ટિથી બરાબર જોઈ લો

  • કોઈપણ ચીજ વસ્તુ મૂકતાં પહેલાં જમીન ઉપર દષ્ટિ બરાબર ફેરવી લો

  • છત તથા દિવાલનો ઉપરનો ભાગ સાફ કરવા માટે લાકડી સાથે બાંધેલી મુલાયમ સાવરણીનો ઉપયોગ કરવો

  • ખાસ કરીને ચોમાસામાં ટ્યુબલાઈટ તથા ઉપર નાના પતંગીયા જેવા ફુદા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન​ થઈ જાય છે. સવારે કચરામાં તે કુદાના કલેવરો ભેગા થાય છે. ટ્યુબલાઈટની પટ્ટી સાથે લીમડાના પાંદડાની નાની ડાળખી બાંધી દેવાથી આવા ફૂદા થતા નથી

  • સાંજે સૂર્યાસ્ત પછી કપડા સૂકવવાની દોરીથોડી હલાવો. જેથી માખીઓ તેની પર રાતવાસો ન કરે, રાતના સમયે દોરી પર આવીને કોઈ ગરોળી માખીઓનું ભક્ષણ ન કરી જાય તે માટે આમ કરવું જરૂરી છે

  • વધારાના ઘડા માટલાં ઘરમાં રાખેલા હોય તેને કપડાના ટુકડા બાંધીને મુકવા જોઈએ, નહીંતર તેમાં કરોળીયાનાં જાળાં થઈ જવાની શક્યતા છે

  • સ્મશાનમાં ચિતામાં બાળવા માટેના એક-એક લાકડાને વ્યવસ્થિત પૂંજી લેવા જોઈએ અને જમીન ઉપર ઠપકારીને પછી જ વાપરવા જોઈએ. જમીન ઉપર ઠપકારવાથી અંદર પોલાણમાં ભરાયેલી જીવાત બહાર નીકળી જાય છે

  • ગર્ભપાત કરાવવો નહિ, કોઈને તેની સલાહ આપવી નહિ, તેવા દવાખાના ચલાવવા નહિ

  • પહેરવાના કપડા ચાદર વગેરે પશુ પક્ષીની છાપવાળા ન વાપરવા

  • કપડા તથા પુસ્તકોમાં કંસારી વગેરે ઝીણી જીવાત થવાની સંભાવના છે. વ્યવસ્થિત દષ્ટિથી કપડા પુસ્તકો જોતા રહેવું. કંસારી વગેરે નજરે પડે તો મોરપીંછીથી સૂપડીમાં લઈ સુરક્ષિત સ્થાને મૂકી દેવાય

  • કપડા તથા પુસ્તકોના કબાટમાં ડામરની ગોળી, ઘોડાવજ કે તમાકુના પાન રાખી મૂકવાથી જીવાત થતી નથી

  • પુસ્તકો ખુલ્લા ન રાખવા. ખુલ્લા મૂકી રાખવાથી તેમાં કીડી વગેરે જીવાત ચડી જાય અને પછી પુસ્તક બંધ કરવાથી તે ચગદાઈ જાય

  • રસ્તામાં અનાજના સચિત્ત દાણાં પડેલા હોય તો તેના પર પગ મૂકીને ન ચાલવું

  • કૂતરા, બિલાડી, પોપટ વગેરે પ્રાણીઓ પાળવા નહિ. અસતિ પોષણનો મોટો દોષ છે

  • કોઈ પણ દવા, ટૂથપેસ્ટ કે અન્ય પ્રોટીન પાવડર જેવા ખાદ્યપદાર્થો વાપરતાં પહેલાં ખાત્રી કરી લો કે તેમાં કોઈ પ્રાણીજ તત્ત્વ તો નથી ને!

  • પોસ્ટલ સ્ટેમ્પ કે પુસ્તક વગેરેમાં માણસ, પશુના ફોટા હોય તે ફાડવા નહીં

  • પશુના આકારના કોઈ ખાદ્ય પદાર્થ ખાવા ખવરાવવા નહીં

  • ઊભું ટોયલેટ ખૂલ્લું ન રાખતા ઢાંકણ ઢાંકીને રાખવું જોઈએ

  • ન્હાવા-ધોવાનું પતી ગયા પછી બાથરૂમ કોરો થવો જોઈએ. બાલ્દી પણ અડધો કલાકમાં સૂકાઈ જાય તેવી રીતે છૂટી છૂટી મૂકવી જોઈએ

  • રાત્રે મોટું માટલું ખાલી કરી નાના માટલામાં પાણી ભરવું

  • નળની કોથળી બને તો રોજ ધોવી. રાત્રે કાઢીને શક્ય બને તો બીજી કોરી બાંધવી, નહીં તો સવારે એ જ બાંધવી. છેવટે બે-ચાર દિવસે તો કોથળી બદલવી જોઈએ

  • ધોવાના કપડા ખંખેરીને પલાળવા. ઊંધા ચત્તા કરીને જોઈ લેવા

  • ઘરઘંટી હોય તો બહુ જ સફાઈ કરવી. કપડાની કોથળી જુદા ડબ્બામાં મૂકવી. ડબ્બામાં પારાની પણ ટીકડી મૂકવી. ચક્કીમાં પણ સીમેન્ટ અને ડામરની ગોળી એક વાટકીમાં મૂકવી. ફરી જ્યારે વાપરીએ ત્યારે બરાબર જોઈ લેવી

  • ગ્રાઈન્ડરનો ઉપયોગ કરતા પૂર્વે ગ્રાઈન્ડરનાં આંકે આંકા બરાબર ચેક કરી લેવા જોઈએ. તેમાં ઝીણાં વંદા જેવા જીવો ભરાયેલા હોવાની સંભાવના છે

  • જ્યુસરનો ઉપયોગ કરતાં પૂર્વે પણ ઝીણી નજરથી સંપૂર્ણ જ્યુસર ચેક કરી લેવું જોઈએ

  • વોશિંગ મશીન વાપરવામાં જયણા દુષ્કર છે. વાપરવું જ પડે તો ગાળેલું પાણી તેમાં જાય તે રીતે કોથળી બાંધવી જોઈએ, અને કપડાં મશીનમાં નાંખતા પૂર્વે મશીનની અંદર બરાબર જોઈ લેવું અને જીવ-જંતુ દેખાય તો બહાર કાઢી લેવું

  • ગાડી-સ્કુટર ચાલુ કરતાં પહેલાં તેની નીચે ધ્યાનથી જોઈ લેવું. ઘણીવાર ગલુડિયાં, કૂતરા કે બિલાડીનાં બચ્ચા ગાડીની છાયામાં વિશ્રામ કરતાં હોય છે

  • મકાનની ગેલેરી બને ત્યાં સુધી ખુલ્લી ન રાખવી તેને જાળીથી પેક કરાવવી જેથી કબૂતરો વગેરે માળા ન બાંધે, ઇંડા ન મૂકે અને તેથી વિરાધના ન થાય

  • ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે ઘરના. બધા નળ, ઘરની બધી લાઈટો, પંખા વગેરે બરાબર ચેક કરી લેવા. ચાલુ રહી જાય તો નાહક વિરાધના થાય અને ક્યારેક મોટો અકસ્માત થઈ જાય. બારી-બારણાં પણ ચેક કરી લેવાં. કોઈ બારી ખુલ્લી રહી ગઈ હોય તો કબૂતર વગેરે પક્ષીઓ ઘરમાં પ્રવેશી માળો બાંધે, ઈંડા મૂકે

  • એ.સી.ના પોલાણમાં પક્ષી કે ગરોળી/ઉંદર જેવા જીવજંતુ ક્યારેક આશ્રય લેતા હોય છે. એ.સી. ચાલુ કરતા પહેલાં ત્યાં બરાબર ચેક કરી લેવું

  • બારી-બારણાં સહેજ​ ખખડાવીને પછી જ ખોલવા બંધ કરવા. સાંધાના ભાગમાં ગરોળી વગેરે બેઠેલી હોય તો અવાજથી તરત ખસી જાય

  • રાત્રીની મુસાફરી બને ત્યાં સુધી ટાળવી

  • વાહન તીવ્ર ઝડપથી હંકારવાની ટેવ બિલકુલ ના પાડવી

  • છરી, ચપ્પુ, કાતર વગેરે નાના બાળકોના હાથમાં આવે તે રીતે ન રાખવાં

  • ઈસ્ત્રીનો ઉપયોગ કરી લીધા પછી ગરમ હોય ત્યાં સુધી ઈસ્ત્રી વ્યવસ્થિત એવા સ્થાને મૂકવી કે કોઈ બાળક વગેરે દાઝી ન જાય અને કોઈ જીવ-જંતુ પણ નજીકમાં ન હોય

  • ગરમ તપેલા ડાયરેક્ટ જમીન પર ન મૂકવાં, સ્ટેન્ડ પર મૂકવાં

  • માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરતા પૂર્વે ઝીણવટથી અંદર ચેક કરી લેવું

  • મીનરલ વોટર પણ ગાળ્યા વાગર ન વાપરવું

ભાષાની જયણા

  • આપણી ભાષા પણ મૃદુ અને કોમળ હોવી જોઈ. કઠોર શબ્દનો પ્રયોગ ક્યારેય ન કરવો.

બોલતી વખતે નીચેની કાળજી ખાસ રાખો

  • ‘મરી જા’, ‘મારીશ’ જેવા શબ્દોનો ઉપયોગ ના કરવો

  • ‘શાક કાપવું’ તેમ ન બોલવું. ‘શાક સમારવું’ બોલી શકાય

  • ઘરમાં કીડીઓ, મચ્છર વગેરે ખૂબ થયા હોય ત્યારે

‘કીડી-મચ્છરનો ખૂબ ઉપદ્રવ છે’, ‘માખીનો ખૂબ ત્રાસ છે’ વગેરે શબ્દપ્રયોગ ન કરવા.

“માખી મચ્છર કીડી ખૂબ વધી ગયા છે.” તેમ કહી શકાય.

  • ત્રાસ અને ઉપદ્રવ શબ્દનો પ્રયોગ દિલમાં કઠોરતા કે ક્રૂરતાનો ભાવ પેદા કરે છે

‘દીવો સળગાવ’, ‘ગેસ સળગાવ’ જેવા શબ્દનો પ્રયોગ ન કરવો.

‘દીવો પ્રગટાવ’, ‘ગેસ ચાલુ કર’ જેવા શબ્દનો પ્રયોગ કરી શકાય

ખાસ સૂચના

  • ખાદ્ય પદાર્થોમાં પ્રાણીજ તત્ત્વો રહેલા હોય તો તેની જાણ થઈ શકે તે માટે સરકારી કાયદા અન્વયે શાકાહારી, માંસાહારી અને બન્નેના સંયુક્ત ખાદ્ય પદાર્થો બાબતે જે રંગ ચિહો નક્કી કરવામાં આવ્યા છે તે નીચે મુજબ છે.

ત્રણેયમાં નિશાની મૂકેલી હોય છે, તે નિશાનીનો રંગ નીચે મુજબ હોય છે.

Green શાકાહારી (100% Vegetarian)
Red માંસાહારી (100% Non-Vegetarian)
Brown (મિશ્ર Vegetarian & Non-Vegetarian)
  • શાકાહારી ખાદ્ય પદાર્થમાં અન્ય કોઈ માંસાહારી ઉત્પાદનની મેળવણી થઈ હોય તો તેનાં નામનું સ્પષ્ટીકરણ​ કરવું જરૂરી છે.
  • એલોપેથી દવાની સ્ટ્રીપ ઉપર લાલ કે બ્રાઉન કલરમાં ઉપરની નિશાની હોય, તે દવા ન લેવી



શેર કર​વા નીચે ક્લિક કરો