ભાગ-૧: ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શક્ય બને છે.
વિજ્ઞાન મુજબ પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતા જીવો છે જેને જૈન ધર્મની પરિભાષામાં ત્રસ જીવો કહેવામાં આવે છે.
ઉકાળેલા પાણી વિશે આપણે બે રીતે જોઇએ.
- જૈન ધર્મની દ્રષ્ટિએ
- આરોગ્યની દ્રષ્ટિએ
જૈન ધર્મની દ્રષ્ટિએ
ઉકાળેલું પાણી એટલે શું?
- ત્રણ ઉકાળાથી (ફણફણતા ફદીયા વાળું) ગરમ કરાયેલ પાણી અચિત્ત બને છે તે પાણીને ઉકાળેલું પાણી કહે છે.
- જૈનોની દરેક તપશ્ચર્યામાં ઉકાળેલું પાણી જ પીવાનો નિયમ છે. જો કે સૂર્યાસ્ત પછી ઉકાળેલું પાણી પણ નથી પીવાતુ.
- આદર્શ તો એ છે કે પાણી પીવું જ ન પડે તો સારું પણ સદેહ અવસ્થામાં આ વાત અશક્ય જ છે.
- સાધનાનું જીવન ટકાવવા માટે પાણીનો ઉપયોગ અનિવાર્ય છે તો એ ઉપયોગ માં જેમ બને તેમ વધુ હિંસાનું નિવારણ કઇ રીતે કરવું?
- કાચા પાણીમાં અસંખ્ય જીવો ઉત્પન્ન થતા રહે છે તથા મરતા રહે છે, જ્યારે ઉકળી ગયેલા પાણીમાં એક વાર જીવ મરણ થઇ ગયા બાદ જીવન મરણની એકધારી પ્રક્રિયા અમુક કલાકો સુધી તેમાં બિલકુલ થતી નથી.
- જેમ કે એક મિનીટમાં ૧૨૦૦ જીવોનું જન્મ-મરણ કલ્પીએ તો ૧ કલાક સુધી ઘડામાં પડી રહેલા કાચા પાણીમાં: ૧૨૦૦ X ૬૦ = ૭૨૦૦૦
- જીવો નાં જન્મ મરણ થયા ગણાય, જ્યારે ઉકાળેલા પાણીમાં ઉકાળતી વખતે એક વખત ૧૨૦૦ જીવોનું મરણ થઇ ગયું ત્યાર બાદ તેનું જન્મ-મરણ બીલકુલ બંધ થઇ જાય છે.
- આમ કાચા પાણીમાં ૭૨૦૦૦ નુ મરણ જ્યારે ઉકાળેલા પાણીમાં ૧૨૦૦ નું મરણ!!
આ બેમાંથી એક વિકલ્પ જીવદયા પ્રેમીને પસંદ કરવાનું આવે તો શું કરે?
- વળી પાણી ઉકાળીને પીનાર વ્યક્તિ એ જીવોને મારવા માટેની હત્યાની બુદ્ધિથી ઉકાળતો જ નથી પરંતુ વધુ જીવોની હિંસા ને અટકાવવા માટે જ ઉકાળે છે. આમ, ઓછું નુકશાન અને વધુ લાભ અહીં કામ કરે છે.
- જે જીવો મરે છે, તેમની પણ આલોચના આપણે પ્રતિક્રમણ કરતા કાઉસગ્ગ દ્રારા લેવાની છે.
- ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શક્ય બને છે.
- ઉકાળેલું પાણી તદ્દન જીવરહિત હોય છે.તેથી કાચું પાણી વાપરવામાં અને ઉકાળેલું પાણી ત્રણ નવકાર ગણીને બેસીને વાપરવામાં જે મનના પરિણામો છે તેમાં જબરદસ્ત ફરક અનુભવાય છે.
ઉકાળેલા પાણી અંગે અમુક પ્રશ્નો
ઉકાળેલું પાણી ફ્રીઝમાં રખાય?
- ફ્રીઝમાં રાખવાથી એમાં રહેલ ભેજથી ઉકાળેલુ પાણી સચિત્ત બની જાય છે.
- તેમાં ફરીથી જીવોત્પતિ શરુ થઇ જાય છે, અને તે ઉકાળેલું રહેતુ નથી. તેથી તેને ફ્રીઝમાં ન જ રખાય.
તો શું ઉકાળેલા પાણીને પંખા નીચે ઠંડુ કરાય?
- ઉકાળેલુ પાણી પંખા નીચે ઠારવા છતા ઉકાળેલુ તો રહે છે પણ તેનું જે હાર્દ છે તે મરી જાય છે.
- ઉકાળેલા પાણીને ઠારવા માટે પંખાનો ઉપયોગ થાય તેથી વાયુકાયના જીવો મરી જાય છે.
- તે હિંસા થઇ, ઉકાળેલા પાણીનો આશય - હિંસામાંથી નિવૃતિ - મરી જાય છે, આમ હાર્દ મરી જતા જડધર્મ થયો.
- માટે ઉકાળેલા પાણીને પંખા નીચે ઠંડુ ન કરાય.
આગળના ભાગમાં આપણે જૈન ધર્મની દ્રષ્ટિએ ઉકાળેલા પાણીની જયણા વિશે જોઇશું.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶