ઉધઈ, ધાન્યના કીડા અને ઈયળની જયણા કેવી રીતે પાળશો?
આગળના ભાગમાં આપણે માખી, માંકડ અને વાંદાની જયણા કેવી રીતે પાળશો? એ વિશે જોયું હતું.
હવે આગળ
P - જયણા
ઉધઈની જયણા
- ઉધઈ એક સૂક્ષ્મ જીવાત છે. તે અવાવરૂ જમીનમાં, દિવાલો પર, ફર્નિચરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઈ થયા પછી તેની ઉત્પત્તિ ખૂબ વધી જાય છે અને તેનું ક્ષેત્ર ખૂબ વિસ્તાર પામે છે, ઉધઈ ફર્નિચર તથા કાગળોને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય છે અને મકાનને જર્જરિત બનાવી દે છે.
- ઉધઈ થયા પહેલા કે થયા પછી, પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઉધઈ તથા અન્ય જીવાતો એક સાથે નાશ પામી જાય છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક ઉપાય છે. સેંકડો હજારો નિર્દોષ જીવોને દવા છાંટીને એક સાથે મોતને ઘાટ ઉતારી દેવા તે ભયંકર ક્રૂરતા છે.
- ઉધઈ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં આજુબાજુ લીટી જેવી નિશાની થઈ જાય છે તેનાથી ઉધઈનો ખ્યાલ આવી જાય છે. - પ્લાયવુડમાં ઉધઈ જવાની શક્યતા વધુ છે, સાગના લાકડામાં ઉધઈ જલ્દી થતી નથી.
ઉધઈની રક્ષા માટેની સાવધાનીઓ:
-
કબાટમાં ભરેલા પુસ્તકો થોડા થોડા સમયે બહાર કાઢી બરાબર જોતા રહેવું. પુસ્તકો તથા કબાટની જયણાપૂર્વક સાફસૂફી કરવી
-
પુસ્તકોનાં કબાટમાં ઘોડાવજ કે ડામરની ગોળી જેવા પદાર્થો રાખી મૂકવાથી ઉધઈ વગેરે જીવાતની ઉત્પત્તિ થતી નથી
-
કપડાના કબાટમાં પણ ડામરની ગોળી જેવી ચીજ રાખી મૂકવાથી કપડામાં જીવાત પડતી નથી
-
નવું મકાન બનાવતી વખતે સ્લેબ ઉપર લાદી જડતા પહેલા ડામરના રસનું પતલું પડ પાથરી દેવાથી મકાનમાં ઉધઈ થતી નથી
-
પુસ્તક, ફર્નીચર કે દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો તે જીવોને ખૂબ જયણાપૂર્વક ત્યાંથી લઈ દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવી. જે જગ્યા પર ઉધઈ થઈ હતી તે જગ્યા સંપૂર્ણ જીવાત-રહિત થઈ ગઈ છે તેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ તે જગ્યા પર કેરોસીન નીતરતું પોતું ફેરવી દેવું. તો ફરીથી ઉધઈ આવશે નહિ
-
ગેરુ કે ચૂનાથી મકાન ધોળવાથી ઉધઈ થતી નથી
-
ગોબરનાં લિંપણવાળી દિવાલમાં ઉધઈ થતી નથી
-
કબાટમાં મીઠું ભભરાવવાથી ઉધઈ થતી અટકે છે
ધાન્યના કીડાની જયણા
- ઘઉં-ચોખા વગેરે ધાન્ય કઠોળમાં ઈયળ-ધનેડા વગેરે જાતજાતના કીડા થઈ જાય છે.
- અનાજ સડી જાય તો તેમાં પુષ્કળ જીવાત પડી જાય છે. કઠોળમાં પોલાણ કરીને તેમાં જીવાત ભરાઈ જાય છે. ચોમાસાની ઋતુમાં આખા કઠોળમાં પુષ્કળ જીવાત થવાની સંભાવના રહે છે.
- અનાજ એક વાર વીણી લીધા બાદ ફરી થોડા દિવસોમાં તેમાં જીવોત્પત્તિ સંભવિત છે. ભેજનાં વાતાવરણમાં જીવોત્પત્તિની સંભાવના વધારે છે.
- વીણ્યા વગર ધાન્યને દળી નાંખવામાં આવે તો કિલ્લોલ કરતા અનેક નિર્દોષ જીવો અનાજની સાથે દળાઈ જાય છે.
- અનાજ વીણવાનું કાર્ય નોકર-નોકરાણીને ભરોસે છોડવાથી ઘણી બેદરકારી થવાની સંભાવના છે.
- અનાજના લોટમાં પણ અમુક સમય પછી જીવાતો પડવાની સંભાવના છે. બહારના તૈયાર લોટમાં તો પુષ્કળ જીવાતો દળાયેલી હોવાની સંભાવના છે.
ધાન્યની જીવાતોની રક્ષા કાજે આટલી કાળજી જરૂરી છે:
-
અનાજ કાળજીપૂર્વક સાફ કરીને પછી ભરો
-
સાફ કરેલા ઘઉં-ચોખા વગેરેને દીવેલથી મોઈને ભરો
-
ધાન્યની સાથે પારાની થેપલીઓ મૂકી રાખવાથી જીવાત થતી નથી
-
અનાજને દળવા આપતા પહેલા ફરી એકવાર વીણી લો
-
ચોમાસાની ઋતુમાં મગ સિવાયના આખા કઠોળનો ત્યાગ કરો
-
તૈયાર લોટનો ઉપયોગ બીલકુલ ન કરો.
-
લોટમાં પણ કાળમર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય તેની કાળજી રાખો
-
અનાજ ભરવા માટે ચુસ્ત બંધ થાય તેવા સાધન રાખો
-
બહારનો રવો-મેંદો બીલકુલ વાપરવો નહિ
-
હોટલનાં અનાજ લોટમાં જયણા બીલકુલ સચવાતી નથી માટે હોટલમાં જમવું નહિ
ઈયળની જયણા
- આ જીવસૃષ્ટિ કેટલી વિશાળ છે. જાત-જાતના પદાર્થોમાં જાત-જાતના વિકલેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે.
- લીલા શાકભાજીમાં લીલા રંગની ઇયળો છૂપાયેલી હોય છે. વનસ્પતિનો રંગ અને ઇયળનો રંગ સમાન હોવાથી તેને ઓળખવી મુશ્કેલ બને છે. કાળજીપૂર્વક જોવામાં આવે તો જ તે નજરે પડે છે.
- કાચા શાક આખાને આખા જોયા વગર ખાઈ જવાથી ઇયળો જડબામાં ચવાઈ જાય છે. બેદરકારીપૂર્વક શાક સમારવામાં આવે તો ઇયળ કપાઈ જાય છે.
- શાક સુધાર્યા વગર આખા શાકને રાંધવામાં આવે તો અંદર ઇયળ હોય તો બફાઈ જાય છે.
- પાપડી-વટાણા-ભીંડા-શીંગો-સીમલા મરચા કારેલા વગેરેમાં ઇયળની સંભાવના વધારે છે.
ઈયળની રક્ષા માટે નીચેના ઉપાયો ધ્યાનમાં રાખો
-
જેમાં ઈયળોની સંભાવના વધારે હોય તેવા શાકભાજી ખાવાનો આગ્રહ છોડો
-
કોબીજ-ફલાવરમાં બેઇન્દ્રિય જીવો અત્યંત સુક્ષ્મ હોય છે અને પોલાણ-ખાંચામાં ભરાયેલા હોય છે. તેથી, કોબીજ-ફલાવરનો ઉપયોગ કરવો નહિ ક્યારેક નાના સાપ પણ તેમાં ભરાયેલા હોય છે
-
બીજા શાકને પાણીમાં પલાળ્યા પછી સુધારવા, પણ, ભાજીપાલાને જયણાપૂર્વક ચૂંટ્યા બાદ ચાળણીમાં ચાળ્યા પછી જ વાપરવા
-
કોઈ શાકભાજી સમાર્યા વગર આખા ન રાંધવા
-
ભીંડા આડા ન સુધારવા, ઊભા સુધારતી વખતે પણ ખૂબ જયણા રાખો
-
શાક સમારતી વખતે વાતચીત કે અન્ય પ્રવૃત્તિ કરવી નહિ. શાક બરાબર ધ્યાનથી જોવું. ઇયળ નીકળે તેને નાના વાસણમાં એકત્ર કરી જયણા પૂર્વક સલામત સ્થળે મૂકી દેવી. ઇયળવાળા ફોતરાં પણ યતનાથી સલામત સ્થળે છોડવા
-
શાક સમારવાનું કાર્ય નોકરોના ભરોસે ન છોડો
-
મેથીની ભાજીમાં ખૂબ સૂક્ષ્મ કેસરી રંગની ઇયળો હોય છે. ચારણીમાં ચાળવાથી તેની જયણા થઈ શકે
-
આંખની કચાશવાળાએ શાક સમારવું નહિ
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶