ભાગ ૧૩: તિલક વિધિ
આગળનાં ભાગમાં આપણે જોયું કે, “દેરાસરની વ્યવસ્થા એ કોની જવાબદારી?”
નિસીહી ના કર્તવ્ય બાદ, પ્રથમ પગ ધોવા જોઇએ અને ત્યારબાદ તિલક. તે વિશે જોઇએ.
પગ ધોવાની વિધિ:
- ગાળેલ પાણી ભરેલ ડોલમાંથી ગ્લાસ વગેરે સાધનથી લઇને પગ ધોવા.
- જ્યાં નિગોદ ન હોય ને જ્યાંથી પાણી વહીને નિગોદ આદિમાં ન જાય એવી જગ્યામાં પગ ધોવા.
- પગ ધોયા પછી ડોલ ઢાંકી દેવી. ગ્લાસ પણ ઊંધો મૂકી દેવો.
- પગ ધોતી વખતે એક-બીજા પગના પંજાને અરસપરસ ક્યારેય ન ઘસવા કેમ કે તેમ કરવાથી પોતાનો અપયશ ફેલાય છે.
- થોડા જ પાણીમાં ખૂબ સાવધાની પૂર્વક ઉપયોગ કરવો.
તિલક
-
તિલક વિધિ:
- તિલક કરતા પૂર્વે ઉપરોક્ત મંત્ર ૭ વાર બોલી કેસર મિશ્રિત ચંદનને મંત્રિત કરવું.
- ભાઇઓએ દીપકની શિખા કે બદામ આકારનું બે ભ્રમરોના મધ્યભાગમાં જ્યાં આજ્ઞાચક્રનું સ્થાન આવેલું છે ત્યાંથી શરૂ કરી લલાટના મધ્યભાગથી કંઇક ઉપર સુધી ખેંચી જવું. તિલક કરવાની સળીને ચંદનમાં ડુબાવી દઇને કપાળ ઉપર સીધી લાઇનમાં ચોટાડી દેવાથી લગભગ આવો આકાર સરળતાથી બની જતો હોય છે.
- બહેનોએ આજ્ઞાચક્રની જગ્યા પર સિદ્ધશીલાના વર્તુળાકારને સુચવતું, સમર્પણ ભાવના પ્રતિક સમાન, સૌભાગ્ય સુચક ગોળ તિલક કરવુ.
- તિલક ચંદનથી જ કેમ? કંકુ, ગુલાલ આદિથી કેમ નહીં?
- આપણા શરીરમાં સૌથી વધુ સંવેદનશીલતા તિલકની ભીતરના સ્થાનમાં છે. એ સંવેદનશીલતાને વધુ ગહન કરવા માટે ચંદન એ જોરદાર પરિબળ છે. ચંદનથી સંવેદનશીલતા વધુ ગહન બને છે એથી શરીરની પ્રવાહિત શક્તિને એ ચંદન તિલક વાળો ભાગ સારી રીતે ખેંચી શકે છે. આ સંવેદનશીલતાને ગહન કરવાની - વધુ સમર્થ કરવાની તાકાત જેટલી ચંદનમાં છે એટલી બીજા પદાર્થમાં નથી. માટે તિલક ચંદનથી કરવાનું વિધાન બતાવ્યું છે. તિલકના સ્થાન ઉપર તિલક કરવા દ્રારા એ સંકલ્પ કરીએ છીએ કે આપણી સંવેદનશીલતામાં આજે જે સંસારના પદાર્થોનો સંબંધ છે એ છુટીને પરમાત્મ આજ્ઞાના તત્વ સાથે વધુ સંબંધ બંધાય.
- તિલક કરવા પાછળ શું રહસ્ય છે?
- આજ્ઞાચક્રના આ સ્થાન ઉપર તિલક કરવાથી એક વિશિષ્ટ જ્ઞાનશક્તિ જાગૃત થાય છે.
- તિલકનો આકાર શિખા આકારનો હોય છે એ દર્શાવે છે કે આ સિદ્ધશિલા તરફનું દિશા સૂચન છે. મારે પૂજાની આ ક્રિયા દ્રારા મોક્ષ તરફ જવાનું લક્ષ્ય બાંધવાનું છે. એ સિવાય બીજું આડુ-અવળું નહીં.
- એ માટેનું ખરું સાધન પરમાત્માની આજ્ઞા છે. હું આજે એ સંકલ્પ કરૂ છું કે મારી પૂજાની આ ક્રિયામાં અને સંસારના વ્યવહારમાં પરમાત્માની આજ્ઞાને જ મહત્વ આપીશ, શિરોધાર્ય સમજીશઅને આજ્ઞાને જ વફાદાર રહીશ. આમ, તિલક એ પરમાત્માની વફાદારીનું પ્રતિક છે.
આવતા ભાગમાં આજ્ઞાચક્ર વિશે વિસ્તૃત માહિતી જોઇએ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶