તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને સંમૂચ્છિમની જયણા કેવી રીતે પાળશો?
આગળના ભાગમાં આપણે પૃથ્વીકાય અને અપકાયની જયણા કેવી રીતે પાળશો? એ વિશે જોયું હતું.
હવે આગળ
M - જયણા
તેઉકાયની જયણા
- કોઈ પણ પ્રકારના અગ્નિમાં એકેન્દ્રિય જીવો રહેલા છે તેને અગ્નિકાય કહેવાય છે. વિદ્યુત પણ અગ્નિકાય છે. અગ્નિના એક તણખામાં અસંખ્ય અગ્નિકાય જીવો રહેલા છે
- વળી, અગ્નિ જલદ હોવાથી જ્યાં અગ્નિ હોય ત્યાં અન્ય સ્થાવરકાય અને ત્રસકાય જીવોની વિરાધના પણ સંભવિત છે
અગ્નિકાયની જયણા માટે નીચેના ઉપાયો ધ્યાનમાં રાખવા
-
લાઈટ પંખા વગેરેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. બીનજરૂરી લાઈટ પંખા ચાલુ ન રાખો
-
રાત્રે શક્ય તેટલા વહેલા સૂઇ જવાની ટેવ પાડો. આરોગ્ય માટે પણ તે હિતકર છે
-
ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. પરંપરાગત ઓછી વિરાધનાવાળા સાધનો અથવા પદ્ધતિથી જ બધી પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખો. આધુનિક જીવનશૈલીમાં વિજળીના સાધનોનો ખૂબ વપરાશ છે
-
મકાનમાં કચરો કાઢવા માટે વેક્યુમ ક્લીનર (ઇલેક્ટ્રીક સાવરણી)નો ઉપયોગ બીલકુલ ન કરો. તેમાં ત્રસ જીવોની પણ ખૂબ હિંસા છે
-
દરવાજો ખોલાવવા માટે બારણે ટકોરો પાડવાની પદ્ધતિ નિર્દોષ છે. તેમાં કોલબેલનો ઉપયોગ ટાળો
-
દિવાળી વગેરે તહેવારમાં કે અન્ય કોઈ પણ પ્રસંગે ફટાકડા ફોડવા નહિ. તેમાં અગ્નિકાય ઉપરાંત ત્રસ જીવોની પણ મોટી વિરાધના છે
-
બીનજરૂરી ગેસ બળતો ન રહે તેનું ધ્યાન રાખો
-
લાઈટથી જીવાત ઘણી થાય છે તેથી શક્ય તેટલો લાઈટનો ઉપયોગ ટાળો. સાંજે લાઈટ કરતાં પૂર્વે બારી-બારણાં બંધ કરો
વાયુકાયની જયણા
-
વાયુ પણ એકેન્દ્રિય જીવોનું શરીર છે. પંખો વગેરે સાધનોથી વાયુકાય જીવોની મોટી વિરાધના થાય છે. તેથી તે બાબતમાં શક્ય તેટલી જયણા પાળવી જોઈએ
-
અત્યંત અનિવાર્ય હોય તે સીવાય પંખો કે એ.સી. ચાલુ કરવા નહિ
-
જરૂર ન લાગતા તરત જ પંખો કે એ.સી.ની જયણા કરવી. બીનજરૂરી ચાલુ ન રાખવા
-
કપડા જોરથી ઝાટકવા નહિ
વનસ્પતિકાયની જયણા
- વનસ્પતિમાં પણ એકેન્દ્રિય જીવ છે. કંદમૂળમાં અનંત જીવો છે, તેથી તે સર્વથા અભક્ષ્ય છે અને તેનો સ્પર્શ પણ ન કરાય
-
અન્ય (પ્રત્યેક) વનસ્પતિ અનિવાર્યરૂપે ભોજનમાં વાપરવી પડે છે, પરંતુ તેમાં પણ શક્ય તેટલી જયણા પાળવી
-
રસ્તા ઉપર હાલતા ચાલતા કે બગીચામાં વૃક્ષનાં પાંદડાં, ફૂલ, ફળ તોડવા નહિ
-
ઘાસ ઉપર ચાલવું, બેસવું, સૂવું નહિ
-
એકથી વધુ શાક નહિ ખાવાનો નિયમ કરી શકાય
- જિનપૂજા સીવાય અન્ય કાર્યમાં ફૂલનો ઉપયોગ ન કરવો
સંમૂચ્છિમની જયણા
- માણસના મળ, મૂત્ર, થૂંક, પરસેવો, લોહી, માંસ, પરૂ વગેરે તમામ અશુચિ પદાર્થો શરીરથી છૂટા પડ્યા બાદ બે ઘડી (૪૮ મિનિટ) બાદ તેમાં અદ્રશ્ય કાયાવાળા પંચેન્દ્રિય સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થવાની સંભાવના છે
- આ જીવો અસંખ્ય એક સાથે ઉત્પન્ન થાય છે. આ જીવોનું આયુષ્ય બે ઘડીનું પણ પૂરું હોતું નથી
- એક વાર ઉત્પત્તિ ચાલુ થયા પછી લાંબા સમય સુધી ઉત્પત્તિ વિનાશ ચાલ્યા કરે છે
- શરીરમાંથી બહાર ફેંકાયેલી અશુચિ જો બે ઘડીની અંદર સૂકાઈ જાય તો સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થતા નથી એંઠાં વાસણમાં, એંઠાં દાણામાં, એંઠાં પાણીમાં અને એંઠવાડમાં પણ સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે
- સંમૂચ્છિમ જીવો આપણી બેદરકારી, ઉપેક્ષા કે શહેરોની ગટર વ્યવસ્થાને કારણે ઉત્પન્ન થાય છે
- સંમૂચ્છિમ ઉત્પન્ન ન થાય તે માટે શક્ય તેટલી વધુમાં વધુ જયણા રાખવી. બે ઘડી વીતી ગઈ હોય તેવા એંઠવાડ કે અશુચિ ફેંકવાના સ્થાનો સંમૂચ્છિમ જીવોથી યુક્ત હોય છે એમ સમજીને જયણાપૂર્વક વર્તવું
સંમૂચ્છિમની જયણા માટે નીચેની બાબતોની હંમેશા કાળજી રાખો
-
એંઠું મૂકો નહિ, થાળી ધોઈને પીવો, થાળી ધોઈને પી લીધા પછી ચોખા કપડાથી થાળી લૂછી નાખો
-
પાણી પીને ગ્લાસ હાથ રૂમાલથી લૂછીને મૂકો, એંઠો ગ્લાસ માટલામાં ન નાંખો. ડોયાની વ્યવસ્થા ઉત્તમ છે
-
શક્ય હોય ત્યાં પેશાબ-જાજરૂ ખુલ્લી જગ્યામાં જવાનું રાખો
-
શક્ય હોય ત્યાં પરાતમાં સ્નાન કરી સ્નાનનું પાણી ખુલ્લી નિર્જીવ જમીન પર ફેલાવી દો. પછી પરાત પણ આડી મૂકીને સૂકવી દો
-
સ્નાન કરવા કે હાથ-મોં ધોવા ઓછામાં ઓછું પાણી વાપરો
-
થૂંક્યા પછી થૂંક બળખા ઉપર રાખ કે રેતી ઢાંકી દો
-
નાકનું શ્લેષ્મ પણ બે ઘડીમાં સૂકાઈ જાય તે રીતે માટીમાં ભેળવી દો
-
બહારથી આવ્યા પછી પરસેવાથી ભીનાં થયેલા કપડાં દોરી પર પહોળા કરીને સૂકવી દો
-
પરસેવો લૂછવાના રૂમાલને ડૂચો કે ગડી વાળીને ન રાખો. ખુલ્લો પહોળો રાખવાથી પરસેવો સૂકાઈ જાય
-
એંઠાં વાસણો લાંબો સમય પડ્યા ન રહેવા દો. જમ્યા બાદ તરત બે ઘડીમાં વાસણો સાફ થઈ જાય તેવી ગોઠવણ કરો
-
થાળી લૂછેલા કપડાને ૪૮ મિનિટમાં સૂકાઈ જાય તે રીતે સૂકવી દો તથા તે કપડાને સૂર્યાસ્ત પહેલા ધોઈ નાંખવું
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶