🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦: જૈન ધર્મ કસોટીની એરણ પર​

આગળનાં ભાગમાં આપણે ઉત્તમ ધર્મનાં લક્ષણો વિષે જોયું… અને જાણ્યું કે કોઇ પણ ધર્મની પરીક્ષા કષ​, છેદ અને તાપથી થઇ શકે છે.

તો ચાલો આ ભાગમાં આપણે કષ​, છેદ અને તાપ વિષે વિસ્તારથી જોઇએ.

કષ - કષ એટલે જે ધર્મમાં યોગ્ય વિધિ-નિષેધ કહ્યા હોય.

  • મોક્ષ મેળવવા માટે અમુક વસ્તુ જેવી કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તત્ત્વની શ્રદ્ધા આદિ ધર્મોનું સેવન કરવું જોઈએ એવું કહ્યું હોય, તે વિધિ વાક્ય કહેવાય છે

  • અને જે વાક્યોમાં મોક્ષ મેળવવા માટે કોઈ અધર્મ આદિ અમુક વસ્તુ ન કરવી જોઈએ એવો નિષેધ કર્યો હોય એટલે કે હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ, ક્રોધ, માન, માયા, લોભ, તત્ત્વની અશ્રદ્ધા આદિનો ત્યાગ કરવો જોઈએ એવું કહ્યું હોય, તેને નિષેધ વાક્ય​ કહેવાય છે..

  • ❗જેમાં અર્થ - કામની વાત મુખ્યરૂપે આવતી હોય અને મોક્ષની વાત આનુષંગિક રીતે જ આવતી હોય તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુધ્ધ ગણાય નહિ

  • ✅ જ્યારે જૈન ધર્મમાં અર્થ અને કામનું વર્ણન આત્મા માટે ત્યજ​વા યોગ્ય છે અને જયાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જ સદગતિ અને સત્સામગ્રી માટે પુણ્યબંધ આદિની વાતો આનુષંગિક રીતે જ કર​વામાં આવી છે અને મોક્ષની પ્રાપ્તિ માટે સહાયક સામગ્રી તરીકે જ વર્ણ​વી છે. મુખ્ય ઉદેશ તરીકે નહિ. ટુંકમાં મોક્ષ પ્રાપ્તિનાં એક માત્ર ઉદેશથી જે ઉપદેશ કહેવાયા હોય તે જ શાસ્ત્ર કષશુધ્ધ બને છે.

છેદ - વિધિ અને નિષેધનું યથાર્થ પ્રતિપાદન કર્યા પછી જેમાં તેને અનુરૂપ આચાર માર્ગને બતાવ​વામાં આવે તે છેદશુધ્ધ શાસ્ત્ર છે.

  • ❗દરેક જીવની હિંસા ન કરવી એ રીતે હિંસાનો નિષેધ કર્યા પછી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે યજ્ઞનું હિંસાત્મક(પશુને મારીને યજ્ઞ કર​વો) વિધાન કરવામાં આવે તો તે છેદશુદ્ધ ધર્મ રહેતો નથી.

  • ❗સંસારી માટે જે શાસ્ત્રમાં જયણા પૂર્વકના જીવન વ્યવહારની વાતો જોવા ના મળતી હોય અને સંસાર ત્યાગી માટે પણ હિંસાજનક સ્નાનાદિનું વિધાન હોય​, અન્નપાક ની ક્રિયાનો બાધ ન હોય, આશ્રમ આદિ પરિગ્રહ રાખવાનું પણ કથન હોય તો તે છેદશુદ્ધ શાસ્ત્ર કહી શકાય નહિ.

  • ✅ જ્યારે જૈન ધર્મ પ્રમાણે ગૃહસ્થ જયણા પૂર્વક જીવન જીવતા હોય અને સાધુ- સાધ્વી જીવનના નિર્વાહ માટે નિર્દોષ આહાર વસ્ત્રો ગ્રહણ કરે અને સંપૂર્ણ અહિંસક જીવન જીવે તો છેદશુદ્ધ કહી શકાય​.

તાપ​ - વિધિ-નિષેધ અને આચાર-અનુષ્ઠાન સંગત બની શકે એવા તત્ત્વ અને સિદ્ધાન્ત માન્ય હોવા જોઈએ.

  • ❗એટલે કે તત્ત્વ માન્યું કે એક, શુદ્ધ, બુદ્ધ, (આત્મા) એ જ તત્વ છે હવે જો એમ જ હોય તે વિધિ-નિષેધ કેમ ઘટે? નિષેધ એ છે કે કોઈ પણ જીવને માર​વો નહિ. જો આત્મા એક જ હોય, બીજો કોઈ આત્મા જ હોય નહિ તો પછી હિંસા કોની? કોણ કોને મારે?

  • ❗એવી જ રીતે બીજા કોઈ એ તત્વ માન્યું કે આત્મા ક્ષણિક છે અર્થાત ક્ષણમાં નાશ પામે છે. બીજી ક્ષણે બીજો આત્મા પેદા થઈ એ પણ ક્ષણમાં નાશ પામે છે. તો પછી હિંસા કે તપ-ધ્યાન કરનાર આત્મા તો ક્ષણમાં નાશ પામ્યો. જેમાં મૂળ વિધિ-નિષેધ સંગત થતા નથી.

  • ❗જો આત્મા ને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનીએ તો મનુષ્યભ​વ આદિ પર્યાયો, આત્મા સાથે થતો કર્મ નો બંધ​, કર્મ ને કારણે થતા જુદા-જુદા પરિણામો આ બધું કઇ રીતે ઘટી શકે અને મોક્ષસ્વરૂપ મલિન બની જાય​.

  • ✅ જે શાસ્ત્રના વચનને સર્વનય ને આધારે કરાતા વિચારરૂપી અગ્નિ દ્વારા ખૂબ તપાવ​વામાં આવે અને છતાં પણ જો તેનું તાત્પર્ય અસંગત ન બને તો તે શાસ્ત્રને તાપ​-પરીક્ષામાં સફળ માન​વું. જૈનધર્મ કહે છે: “આત્મા અનંતા છે, વળી એ નિત્યાનિત્ય છે, તેથી વિધિ-નિષેધ અને આચાર તત્ત્વ-સિદ્ધાંતની સાથે સંગત બની શકે છે. આત્મા અનંત છે તેથી એકને બીજાની હિંસાને પ્રસંગ હોઈ શકે છે. તેમ નિત્યાનિત્ય છે, એટલે જીવ દ્રવ્ય તરીકે નિત્ય, અને અવસ્થા (પર્યાય) તરીકે અનિત્ય છે એટલે કે અવસ્થા બદલાય છે, તેથી ફળ ભોગવવા માટે બીજી અવસ્થા આવી શકે છે.

  • ✅ અનેકાંતને માન્યા વિના આત્મા વગેરે પદાર્થોનું આવું વાસ્ત​વિક પરિપૂર્ણ સ્વરૂપ બતાવી શકાતું નથી.

આમ જૈન ધર્મ ત્રણે કષ, છેદ અને તાપની પરીક્ષામાં પાસ થવાથી સો ટચના સોના જેવો શુદ્ધ છે.

હ​વે પછીના ભાગમાં આપણે જોઇશું કે જૈન ધર્મ કઇ રીતે શ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ છે?




શેર કર​વા નીચે ક્લિક કરો