ભાગ ૬૪: સ્વાભિમાન કરવું કે નહીં?
આગળનાં ભાગોમાં આપણે અહંકાર વિશેના બાહુબલીજીનું, દશાર્ણભદ્રનું, શાલિભદ્રનું, રાવણ યુધ્ધ અભિમાન તેમજ રાજા શ્રેણિક શિકાર અભિમાનના દ્રષ્ટાંતો જોયા…
-
અને જાણ્યું કે અભિમાનનું કશું ઊપજતું નથી, ઉપજે છે તો પુણ્યનાં ઉદયનું…
૨૩A. સ્વાભિમાન
સ્વાભિમાન કરવું કે નહીં?
- સ્વાભિમાન ભુલવાનું છે, કેમકે ઉપરના ગુણસ્થાનકના પગથિયાં ચઢતાં અટકાવનાર સ્વાભિમાન છે અને સ્વાભિમાનનાં પોષણ જેવો ખતરનાક બીજો દોષ નથી.
- બધા દોષ આના પર નભે છે. સર્વ ગુણ વિનાશકો લોભ કહે છે. લોભ તો ઘણા, એમાં પણ સ્વાભિમાન-રક્ષા પોષણનો લોભ મોખરે રહે છે. આવો ખતરનાક ‘સ્વાભિમાન દોષનો અંત લાવનાર છે ગુરૂ માં સ્વાત્મમિલન
-
પોતાનું વ્યક્તિત્વ ને પોતાનું અહમ વોસિરાવી દીધું અને ગુરૂનું વ્યક્તિત્વ જ પોતાનું ગણી લઇ એમની જ ઇચ્છા અભિપ્રાય વગેરેને પોતાના તરીકે ગણી લીધા,
- પછી ત્યાં “મને એમ લાગે છે” વગેરે સ્વાભિમાન શાનું ઊભું જ થવા પામે? એ નહીં, એટલે વડિલ તરફ સર્વેસર્વા આશ્રિતતા - આધિનતા -સમર્પિતતા સહેજે આવે.
શાસ્ત્રમાંથી જાણવા મળે છે કે,
સિદ્ધગિરિ પર પુંડરિકસ્વામી સાથે પાંચ કરોડ મુનિ, દ્રાવિડ-વારિખિલ્લ સાથે ૧૦ કરોડ મુનિ, પાંડવો સાથે ૨૦ કરોડ મુનિ, શામ્બ-પ્રધુમ્ન સાથે સાડા આઠ કરોડ મુનિ મોક્ષે પધાર્યા.
તો અહીં સવાલ એ થાય છે કે બધા એક સાથે કઇ રીતે મોક્ષે પધાર્યા?
- બધામાં દરેકના કર્મ અને દરેકના મોહસંસ્કાર તો જુદા-જુદા સમયના હોય અને દરેક જુદા-જુદા સમયે પાકે, આવા ભિન્ન-ભિન્ન સ્વરૂપનાં કર્મ અને સંસ્કારોનો હિસાબ એક સાથે કેવી રીતે પાકી ગયો કે બધા એક સાથે મોક્ષે ગયા?
આનો ઉત્તર એ છે કે
બધાએ એક સમર્થને(નેતાને) માથે કરી લીધેલા. તે એવા માથે કર્યા કે અમારે અમારા હિસાબ-ગણતરી-દૃષ્ટિબિંદુ કાંઇ જ નહીં, અમારે તો નેતાની જે ગણતરી-હિસાબ-દૃષ્ટિબિંદુ એ જ અમારી.
- નેતા બધું વોસિરાવવાનું કહે છે ને? આત્મા પર લાગેલા બધા જ વળગાડની મમતા ફગાવી દે છે ને? તો અમારે પણ એ જ કરવાનું. દૃષ્ટિબિંદુ સ્થિર શુદ્ધ રાખ્યું. શુદ્ધ આત્મભાવની દૃષ્ટિએ જોવાનું રાખ્યું…
- નેતાને સર્વેસર્વા આશ્રિત-અર્પિત રહેવામાં મહાન આનંદ માન્યો, જેમ કે દુનિયામાં સુશીલ સ્ત્રીઓ પણ એ જ રીતે પતિને પરાધીન રહેવામાં, સમર્પિત રહેવામાં પૂર્ણ આનંદ માને છે. એમાં પછી પોતાની વૈયક્તિક બધીય મનોવૃત્તિઓ હૃદયના કેન્દ્રમાં રહેલ આરાધ્ય પતિદેવમાં જઈ મળે છે.
જેમ કે બધી નદીઓ સમુદ્રમાં જઈ ભળે છે પછી પોતાનું વ્યક્તિત્વ છોડી દે છે અને સમુદ્રના અભિન્ન અંશરૂપે બની જાય છે, સમુદ્રની ગંભીરતા, પ્રશાંતતા વગેરે ગુણોને અપનાવી લે છે.
- આ રીતે જ જે મહાપુરુષની સાથે લાખો કરોડોની સંખ્યામાં મુનિઓએ અણસણ સાધ્યા ને એક સાથે મોક્ષે ગયા, ત્યાં પણ એ મુનિઓએ નેતા મહામુનિમાં સ્વાત્મવિલોપન કર્યું, એમને સર્વેસર્વા સમર્પિત થઇ ગયા, એમને નેતા તરીકે માથે ધરવામાં અહોભાગ્ય માન્યું, સમર્થ ગુરુની તાબેદારી એમને ખુબ ગમી.
-
તેથી એ ગુરુની કઠોર સાધનાઓને પોતાની કરવા માંડી અને પછી એમના સમસ્ત ગુણો પોતાના જીવનમાં ઉતારવાનો ભગીરથ પુરૂષાર્થ કર્યો, શાલિભદ્ર અને ધન્નાજી મહામુનિઓએ શું કરેલું? આ જ, ગુરુ મહાવીર ભગવાનની કઠોર તપ-કાયોત્સર્ગની સાધના ને પોતાની કરતા ગયા અને થોડા વખતમાં કાયાને હાડપિંજર જેવી બનાવી દીધેલી!
- દેવાધિદેવ અને ગુરૂમાં ભળી જવા માટે આપણા હિસાબ-લેખાં પડતાં મૂકવાનાં, આપણી સગવડો જતી કરવાની, આપણી અપેક્ષાઓ રવાના કરવાની, આપણા સ્વભાવ બદલી નાખવાના, આપણી રુચિઓ અને ઇચ્છાઓને નામશેષ કરવાની, આપણા મત અને માન્યતાઓ ને અભિપ્રાયો વિસરી જવાના, અને દેવાધિદેવ અને ગુરુનું બધું અપનાવી લેવાનું એટલે કે આપણું પોતાનું તરીકે કરી લેવાનું.
તો પછી આપણે એ કેમ કરી શકતા નથી? અહીં આપણને આપણો “અહમ્” નડે છે અને આપણે એમ કહીએ છીએ કે,
- મને આમ લાગે છે,
- મને આ અનુકુળ છે.
- મને આમ ન ફાવે વગેરે વગેરે અહમ ના કારણે ઉભું થાય છે.
નરકની ભયંકર પ્રતિકૂળતાઓ ભૂલી મામુલી-મામુલી અનુકૂળતામાં લપેટાઈ જવાય છે. એ નથી જોવાતું કે મને કેવો ધન્ય માનવભવ મળ્યો અને દેવતત્વ તથા ગુરૂતત્વ જૈન ધર્મમાં મળ્યું.
વધુ આપણે આવતા ભાગમાં જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶