ભાગ ૬૫: આચાર્યએ વરરાજાની બોચી બરાબર પકડી કુંડીમાં રહેલી રાખ માથા ઉપર મૂકી અને ધડાધડ લોચ કરવા માંડયા.
ગયા ભાગમાં આપણે સ્વાભિમાન વિશે જોઇ રહ્યા હતા… તો ચાલો આપણે તેનું એક દ્રષ્ટાંત જોઇએ…
૨૩B. સ્વાભિમાન
ચંડરુદ્રાચાર્ય દ્રષ્ટાંત
ઉજ્જયિની નગરીમાં એક વાર સાધુસમુદાય સાથે પૂ. આચાર્ય શ્રી ચંડરુદ્રસૂરીજી પધાર્યા છે.
- એમનું નામ તો હતુ રુદ્રાચાર્ય. તેઓ ખુબ જ ગુસ્સાવાળા સ્વભાવના હતા તેથી તેમનું નામ ચંડરુદ્રાચાર્ય થઇ ગયુ હતુ.
- એમના કોઇ શિષ્ય કંઇક આડુ-અવડુ કરે તો એમનાથી જોવાતુ નહીં. બધાની વચ્ચે જ તેઓ તેમને ટોકતા.
- એમનો આશય સારો હતો, શિષ્યને સુધારવાનો હતો પરંતુ શિષ્યોને સુધારતા-સુધારતા જ તેઓ ગુસ્સાવાળા થઇ ગયા.
- પેલો “કૌશિક” જેમ “ચંડકૌશિક” બની ગયો તો અહીં આચાર્ય થઇને આટલો ગુસ્સો, પ્રશસ્ત કષાય તો જરૂરી હોય કે નહીં? પણ અહીં પ્રશસ્તના નામે અપ્રશસ્ત કષાયો થવા લાગ્યા. ખરેખર તો પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયની ભેદરેખા બહુજ સુક્ષ્મ હોય છે. સહેજ પણ ગાફેલ રહેવાથી એ ભેદરેખા ભૂંસાઇ જાય.
કર્મયોગે આચાર્યશ્રી શિષ્યોની સ્ખલના સહન કરી શકતા ન હતા આથી તેમને ઘણો સંતાપ થતો અને ક્રોધી થઈ જતા.
- આ ક્રોધ એ પોતાનો મહાન દોષ છે, તે એ બરાબર સમજતા અને અન્યોનું હિત કરવા જતાં પોતે પોતાનું ચૂકી જવાય છે તે પણ સમજતા.
- આવા દોષના પ્રસંગો વારંવાર ન બને તે માટે સમુદાયથી થોડે દૂર પોતાનો નિવાસ રાખતા.
- એ જ રીતે પોતાના સમુદાયથી થોડે દૂરના એકાંત ભાગમાં પોતાનાં જપ-તપ તથા ધ્યાન આદિ ધાર્મિક પ્રવૃત્તિમાં બેસતા.
-
આચાર્ય શિષ્યોથી અલગ રહેવાથી, શિષ્યોને પણ શાંતિ થાય અને આચાર્યને પણ શાંતિ થાય.
- આમ, આત્મા તો નિમિત્તવાસી છે, નિમિત્ત મળે તેવો બની જાય.
- આગ ક્યાં સુધી બળે? લાકડાં મળે ત્યાં સુધી. જો લાકડા મળવાનું બંધ થઇ જાય તો અગ્નિને બુઝાવું જ પડે.
- આવું આચાર્યને પણ થયું. એમને “લાકડાં” મળતા બંધ થયા એટલે શાંત થવું પડ્યું. જો કે આવી શાંતિ છેતરામણી થતી હોય છે. નિમિત્ત મળતા જ ભડકો થઇ જાય છે. ખરેખર શાંતિ તો જ કહેવાય કે નિમિત્ત મળવા છતાં, મગજ સ્વસ્થતા ન ગુમાવે.
એક દિવસે ગામના યુવકોની ટોળી મજાક-ઠેકડી કરતા ત્યાં આવી પહોંચ્યા.
- તેમાં એક યુવકના કપડા પરથી લાગતું હતુ કે તાજો જ પરણેલો છે. બીજા એના સાથીદારો હતા.
- આચાર્યને વંદન કરીને કહેવા લાગ્યા,
બાપજી! આ ભાઇને દિક્ષા લેવી છે. દિક્ષા લેવા માટે જ બની ઠનીને આપની પાસે આવ્યો છે.
- બીજા પણ બોલ્યા હા, હા મહારાજ આ દિક્ષાર્થી છે.
- મશ્કરા લોકોને શું જવાબ આપવો? મૌન એ જ તેમનો જવાબ હોય છે એમ વિચારી આચાર્ય મૌન રહ્યા. પણ તે યુવકો તો વધુ ને વધુ બોલવા લાગ્યા એટલે આચાર્યતો “ચંડરુદ્ર”!
આચાર્યએ કડકાઇથી કહ્યું,
બોલો કોને દિક્ષા લેવી છે? જેને લેવી હોય તે અહીં આવે.
પેલા યુવકોએ કહ્યું,
વરરાજા - ભદ્રસેનને દિક્ષા લેવી છે, આ ભદ્રસેન દીક્ષાનો ભાવિક છે તેનું માથું મુંડી નાખો.
આચાર્યે ભદ્રસેનને પૂછ્યું,
બોલ ભાઈ, તારી શી ઇચ્છા છે ?
ભદ્રસેને મજાકમાં કહ્યું,
હા, મહારાજ ! વાત સાચી છે. સંસારમાં કંઈ સાર નથી, મને દીક્ષા આપી દો તો મારું કલ્યાણ થશે. ને સૂખપૂર્વક રહેવાશે. આચાર્યશ્રી આ લોકોની ટીખળ સમજી ગયા, પણ હવે આ યુવકોને પાઠ શીખવવો જ જોઈએ…
એમ જાણી ભદ્રસેનને કહ્યું,
અલ્યા ભાઈ, તારે દીક્ષા લેવી જ છે ? બરાબર સમજીને કહે છે ને ? ફરી તો નહીં જાય ને ?
ભદ્રસેન હજુ પણ મજાકમાં કહે છે,
ના મહારાજ ! ફરે એ બીજા ! દીક્ષા લેવી છે, ચાલો આપો, હું તૈયાર છું.
આચાર્યએ તો વરરાજાની બોચી બરાબર પકડી કુંડીમાં રહેલી રાખ માથા ઉપર મૂકી અને ધડાધડ લોચ કરવા માંડયા.
- પેલા બીજા યુવકો બોલી ઉઠ્યા, અલ્યા ભાગ… ભાગ… મહારાજે તો લોચ કરવા માંડ્યો.
- બીજા યુવકો ભાગી ગયા પણ આ વરરાજા ભદ્રસેન ન ભાગ્યો.
- આચાર્યને પણ એમ હતુ કે એક-બે ચપટી વાળની ખેંચીશ એટલે ભાગશે અને ફરી કદી મશ્કરી કરવાનું નામ નહીં લે પણ આ ભદ્રસેન તો ગજબનો નિકળ્યો.
- એ તો શાંતિથી બેસી જ રહ્યો એના ચહેરા ઉપરથી લાગતું હતુ કે એના ભાવોમાં પરિવર્તન આવી ગયું હતુ.
ભદ્રસેનના હૃદયમાં નિર્મળ વિચારણા જાગે છે અને મનોમન કહે છે,
હવે હું ઘેર કેમ જાઉં? મેં મારી મેળે માંગીને વ્રત સ્વીકાર્યું છે. હવે ભાગું તો મારી ખાનદાની લાજે. મારું કુળ કલંકિત થાય, હવે તો વિધિપૂર્વક ગુરુમહારાજ પાસે વ્રત લઈ મારા આત્માનું કલ્યાણ સાધું! વગર પ્રયત્ન અનાયાસે આવો ઉત્તમ માર્ગ મને મળી ગયો. મારું તો શ્રેય થઈ ગયું.
આવી નિર્મળ વિચારણા કરી તે આચાર્યશ્રીને વિનંતી કરે છે કે,
ભગવન ! આપ કૃપા કરી મને સંસાર સાગરથી તાર્યો. આપ વિધિપૂર્વક વ્રત આપી મને કૃતાર્થ કરો. આપનો અનંત ઉપકાર મારા ઉપર છે.
ત્યાર બાદ આચાર્યશ્રી ચંડરુદ્રચાર્ય તેને વિધિપૂર્વક વ્રત ઉચરાવે છે અને ભદ્રસેન હવે ભદ્રસેનમુનિ બને છે.
નૂતન દીક્ષિત હવે વિચારે છે કે,
મારાં મા, બાપ, સાસુ, સસરા, પત્ની વગેરે ઉજજયિનીમાં છે તે બધાં અત્રે આવી મને દીક્ષામાંથી ખસેડી ઘરે લઈ જશે. પણ હવે કોઈ રીતે મારે આ માર્ગ છોડવો નથી.
એટલે ગુરુમહારાજને હાથ જોડી વિનંતી કરે છે.
ભગવાન, મારું કુટુંબ મોટું છે. તેઓને આ યુવાનો ખબર આપી દેશે તેથી તેઓ મને લેવા ચોક્કસ આવશે અને બળજબરીથી પણ અહીંથી લઈ જવા પ્રયત્ન કરશે. આપણો ગચ્છ તો વિશાળ છે. બધા સાથે તાત્કાલિક તો વિહાર થઈ શકે નહિ, પણ આપણે બે જણ છૂપી રીતે અહીંથી જતા રહેવું જોઈએ. બધા વિહાર કરીએ તો લોકો જાણી જાય અને આપણને અટકાવે માટે જલદી કરો.
આચાર્યશ્રી ચંડરુદ્રચાર્ય નૂતનદિક્ષીત મુનિની વાત માને છે કે નહીં તે આવતા ભાગમાં જોઇએ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶