🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪: શું આત્મા નાનો હોય છે કે મોટો?

આગળનાં ભાગમાં આપણે પ્રદેશી રાજા અને શ્રી કેશી ગણધર મહારાજા વચ્ચે થયેલો આત્મા વિશેનો સંવાદ જોયો. આ ભાગમાં આપણે જૈનદર્શન પ્રમાણે આત્માનું સ્વરૂપ વિશે જાણીશું

  • આત્મા નાનો નથી તેમ મોટો નથી, પણ આત્મા જેટલા પ્રમાણનું શરીર ગ્રહણ કરે છે તેટલા પ્રમાણવાળો હોય છે. જેમ કે, આત્મા કીડી ના શરીરમાં કીડી જેવડો અને હાથી ના શરીરમાં હાથી જેવડો હોય છે.

  • આત્મા એક નથી પણ જેનો પાર ન પામી શકાય તેટલા અનન્તાનન્ત છે.

  • આત્મા જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી કર્મથી આવૃત છે. તે કર્મને લઈને તેની જ્ઞાનશક્તિ- દર્શનશક્તિ ચારિત્રશક્તિ-વીર્ય શક્તિ વગેરે દબાયેલ છે. કોઈ પૂછે કે આત્મા ને કર્મનો સંબંધ ક્યારથી થયો? તેના ઉત્તરમાં એમ જ કહી શકાય કે તે અનાદિ છે. કેટલાય પદાર્થો જ એવા હોય છે જેની શરુઆત હોતી જ નથી, પરંપરા ચાલ્યા જ કરતી હોય છે.

  • આત્માને સંસારમાં રહેવાના સુખ-દુઃખમય સ્થાનોમાં - નિગોદ જયાં અત્યંત દુઃખ હોય છે ત્યારબાદ ક્રમશઃ વિકાસ થતા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રિ-ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્ય ને દેવ, તેમાં તિર્યંચ સુધી આત્માને ઘટતું પણ વિશેષ દુઃખ હોય છે. મનુષ્યોમાં સુખદુઃખ સમાન રહે છે. જ્યારે દેવોમાં વિશેષ સુખ અને અલ્પ દુઃખ હોય છે. આ સર્વ છતાં તેમાં શાશ્વતસુખ મેળવવાનો અધિકાર કેવળ મનુષ્યને જ છે.

  • આત્માને સંકોચ વિકાસ સ્વયં નથી થતો અર્થાત્ આત્મા નાનો યા મોટો જે થાય છે તે કર્મને યોગે થાય છે. એટલે આત્મા જ્યારે મુક્ત થાય છે ત્યારે જે શરીરનો તે સદાને માટે ત્યાગ કરે છે તેમાંથી ૧/૩ ભાગ ન્યૂન થઈ ૨/૩ ભાગે ઘન થઈને સિદ્ધિમાં રહે છે. ૧/૩ ભાગ ઘટવાનું કારણ એ છે કે માનવ શરીરમાં ૧/૩ ભાગ પોલાણ ભાગ હોય છે. ત્યાં આત્મા હોતો નથી. કર્મ મુક્ત થયા બાદ તે ભાગ પૂરાઈ જાય છે.

  • આત્માના વિભાગ કરવામાં આવે અર્થાત આત્મામાંથી નાના નાના અણુઓ છૂટા પાડવામાં આવે તો તેવા અણુઓ અસંખ્યાતા નીકળે છે. જો કે તે અણુઓ છૂટા પડી શકતા નથી માટે તે દરેક ભાગને પ્રદેશ કહેવામાં આવે છે. (પદાર્થમાંથી છૂટા ન પડી શકે તેવો નાનામાં નાનો ભાગ તે પ્રદેશ કહેવાય છે ને છૂટો પડી શકે તે પરમાણુ કહેવાય છે.) તેથી આત્મા અસંખ્યાત પ્રદેશવાળો છે, તે સર્વ પ્રદેશોથી પરિપૂર્ણ એ જ આત્મા કહેવાય છે.

  • આત્મા એક પરિણામી પદાર્થ છે. તે કોઇ વખત સુખી તો કોઈ વખત દુઃખી હોય છે. કોઇ સમય જ્ઞાની તો કોઇ સમય અજ્ઞાની, કોઇ સમય પુરુષ, સ્ત્રી, યા નપુંસકરૂપે હોય છે એમ અનેકવિધ પરિણામને અનુભવે છે. મુક્તાત્માને તેવા પ્રકારના વિશ્વના વિવિધ પરિણામો હોતા નથી. એથી કોઇ એમ માનતું હોય કે એક વખતનો મૂર્ખ તે મૂર્ખ જ, દુઃખી તે દુઃખી જ, પુરુષ તે પુરુષ જ, સ્ત્રી તે સ્ત્રી જ ને પશુ તે પશુ જ રહે છે તે મિથ્યા છે, અસત્ય છે.

હ​વે પછીનાં ભાગમાં આપણે આત્માઓના સ્વભાવ વિશે જાણીશું




શેર કર​વા નીચે ક્લિક કરો