🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૭: શું આપ રાવણની પ્રભુભકિત વિશે જાણો છો?

ગઇ કાલના ભાગમાં આપણે દેવપાલની પ્રભુભકિત વિશે જોયું…

આ ભાગમાં આપણે શ્રેષ્ઠ ભકિત કરનારા અર્હન્નક શ્રાવક તેમજ રાવણ વિશે જોઇએ…

૧૬B. ભક્તિ કેવી?


અર્હન્નક શ્રાવકની ભકિત​

 • અર્હન્નક શ્રાવકના હૈયામાં ભક્તિ દ્રઢપણે હતી. ઈન્દ્રે એની દ્રઢતાના ગુણ ગાયા કે,

“મોટો દેવતા પણ એને ચલાયમાન કરવા સમર્થ નથી.”

 • એક દેવતા એની પરીક્ષા કરવા આવ્યો અને એ વખતે દરિયા વચ્ચે વહાણ લઈને જતા અર્હન્નકને અરિહંત અને જૈન ધર્મની શ્રદ્ધા મુકાવી દેવા માટે એના વહાણને દરિયામાં ડુબાડી દેવા ઊંચે આકાશમાં ઉછાળી નાખવા સુધીના ઉપદ્રવ કર્યા.
 • પરંતુ અર્હન્નક ડગ્યો નહિ એને મન ભક્તિ આગળ બીજું બધું તુચ્છ હતું.
 • દેવતા એની અડગતા જોઈ બધું સ્વસ્થ કરી દઈને ક્ષમા માગતાં કહે છે,

“માંગ​ માંગ​ તારી આવી અરિહંત ભક્તિના હિસાબે માંગે તે આપું.”

 • અર્હન્નક કહે છે,

“મારી પાસે ભક્તિ છે એ મારે શ્રેષ્ઠ કમાઈ છે. એનાથી વધીને જગતની કોઈ ચીજ નથી, તેથી એવું મારે કાંઈ જોઈતું નથી.”

 • દેવતા છેવટે પોતાના પ્રેમરૂપે રત્નની બે દિવ્ય કુંડલજોડી ભેટ આપી જાય છે. જેમાંની એક કુંડલજોડ એ પછીથી મલ્લીકુમારીને માટે એમના પિતાને અર્પણ કરે છે.

રાવણની ભકિત​

 • એક દિવસ રાવણ મંદોદરી વગેરે પોતાની ૧૬ હજાર રાણીઓની સાથે અષ્ટાપદ પર્વત પર ચઢ્યો.
 • ભરત ચક્રવર્તી દ્વારા સ્થાપિત કરાયેલા ૨૪ તીર્થકરોના જિન-બિંબોની સમક્ષ ભક્તિ કરવા માટે મંદોદરીએ પગમાં ઘુંઘરું બાંધ્યા અને રાવણ હાથમાં વીણા લઈ ગીત-સંગીતના સૂરમાં ઝૂમવા લાગ્યા.
 • પ્રભુભક્તિમાં રાવણ એટલો મગ્ન થઈ ગયો કે વીણા પર ફરતી આંગળીઓનો પણ ખ્યાલ ન રહ્યો. એકાએક વીણાનો તાર તૂટ્યો અને રાવણ ચોંકી ઉઠ્યો. જો સંગીત અટકી ગયું, તો મંદોદરીનું નૃત્ય બગડી જશે, એના ભાવ પડી જશે, રંગમાં ભંગ થઈ જશે.
 • એણે તે જ ક્ષણે પોતાની જાંઘ ચીરી નસ ખેંચી હતી. લધુલાધવી કળાના બળથી તે નસ વીણામાં જોડી દીધી. તાલ, સુર અને સંગીત યથાવત ચાલુ જ રહ્યા, આ બધું કાર્ય એટલું ઝડપથી થયું કે નૃત્ય કરતી મંદોદરીને ખ્યાલ પણ ન આવ્યો કે ક્યારે વીણાનો તાર તૂટ્યો અને ક્યારે જોડાયો?
 • આ ઉત્કૃષ્ટ ભક્તિના પ્રભાવથી રાવણે તે જ ક્ષણે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું અને બહાર ઊભા નાગરાજ ધરણેન્દ્રને પણ આશ્ચર્યમાં નાખી દીધા, પૂજામાં એની લીનતા એટલી બધી છે કે પાછળ ધરણેન્દ્ર પ્રભુદર્શને આવેલ છે તેનું પણ તેને ભાન નથી અને રાવણની અદભુત ભક્તિ જોઈ ચકિત થઈ જઈને, રાવણ બહાર આવતાં, કહે છે,

“તમારી ભક્તિ જોઈ હું પ્રસન્ન થયો છું.”

 • રાવણ​: “પ્રભુનો ભક્ત પોતાના પ્યારા પ્રભુની ભક્તિ થતી જોઇ અવશ્ય ખુશ થાય”
 • રાવણની કેવી નિષ્કામ​વૃતિ! જો તમે પ્રસન્ન થયા હો તો આટલું કામ કરી દેજો એવું કંઇ મનમાં આવતું નથી.

 • ધરણેન્દ્ર: આ ભક્તિના હિસાબે મને લાભ આપો કહો હું શું તમારું પ્રિય કરું?
 • રાવણ:

“જેમ તમે આપો એમાં તમારી શોભા વધે છે, તેમ હું પ્રભુભક્તિના બદલામાં કંઇ જ ન લઉં, કંઇ જ ન ચાહું, એમાં મારી શોભા છે.”

અહીં આપણે શું જોવાનું છે?

 • ધરણેન્દ્ર રાવણની સુંદર પ્રભુભક્તિ જુએ છે એ જોવાનું પોતે મહાન કિંમતી માને છે. વારેવારે એવી ભક્તિ જોવા ન મળે. તો એવું જોવાની એ પ્ર​વૃતિ પર પરોપકાર વાળી જોઇએ એટલે જ ધરણેન્દ્ર રાવણને ઇચ્છિત માંગ​વાનું કહે છે.
 • હ​વે જો આપણને કોઇ મહાન પ્રભુઆંગી, સંગીતમય પૂજા-ભાવના કે મહાન સંઘયાત્રા-ઉજમણા, દીક્ષા વગેરેનો ઉત્સ​વ જોવા મળે, તો એ જોવાની પ્ર​વૃતિ મળ્યા બદલ આપણે શો પરમાર્થ કરીએ છીએ? વિચાર તો એ કર​વો જોઇએ કે એ જોવાનું મળ્યાથી આપણને આત્મામાં કેવો મહાઆનંદ અને કેવી મહાન પૂણ્યકમાઇ મળે છે, ત્યારે એની પાછળ આપણે શી કદર કરીએ છીએ?

 • રાવણને દિગ્વિજય કરવો છે, પરંતુ એને મન એ દિગ્વિજય ભક્તિના હિસાબે જોઈતો નથી.
 • રાવણને ભક્તિના બદલામાં માગવા જેવી ચીજ જ નથી લાગતી. એટલી એ ભક્તિ આગળ તુચ્છ લાગે છે. ભક્તિ એને મન શ્રેષ્ઠ કમાઈ છે.
 • કાળ રૂપી ગંગાનું ઘણું પાણી વહી જશે અને ભવપરંપરાની છાંટ જોવા મળશે, ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં એક દિવસ એવો આવશે કે રાક્ષસકુળ શિરતાજ રાવણ તીર્થકર બનશે અને સીતાજી તેમની ગણધર બનશે.

હ​વે પછીના ભાગમાં આપણે શ્રેષ્ઠ ભકિત કરનારા સુદર્શન તેમજ આદ્રકુમાર વિશે જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો