ભાગ ૩૬: દેવપાલને નગરીનો રાજા બનાવાશે… એ વાત સાંભળી દેવપાલને આનંદ ન થયો ઉલ્ટાનું દુ:ખ થયું
ગઇ કાલના ભાગમાં આપણે ભકિતના અગત્યના અંગો વિશે જોયું…
આ ભાગમાં આપણે શાસ્ત્રોમાં મળતા શ્રેષ્ઠ ભકિત કરનારાઓના ઉદાહરણ જોઇએ…
૧૬A. ભક્તિ કેવી?
- આપણે હ્રદયમાં વેપારી, ગ્રાહકો વગેરે ઘણું બધુ ધારીએ છીએ, યાદ રાખીએ છીએ પણ પ્રભુને? ફક્ત દેરાસરમાં હોઇએ ત્યાં સુધીજ ને? તે પણ જો નિસીહીનું કર્તવ્ય બરોબર પાળીએ તો. દેરાસરમાંથી બહાર નીકળ્યા એટલે પ્રભુ પણ આપણા હ્રદયમાંથી બહાર નીકળ્યા, એવું જીવન બની ગયું છે.
- ભગવાન ભલે ૧૪ રાજલોક દૂર હોય, પણ ભક્તિથી ભક્ત તેમને હ્રદયમાં વસાવી શકે છે. એટલે તો પ્રાર્થીએ છીએ,
“શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો”
- આપણે જાણીએ છીએ કે સીમંધર સ્વામી કદી ભરતક્ષેત્રમાં આવે નહીં, આવી શકે નહીં પણ આપણો ઉપયોગ જ્યારે ભગવન્મય બન્યો ત્યારે આપણે સ્વયં ભગવાન બની ગયા આને જ હ્રદયમાં ભગવાન આવી ગયા કહેવાય.
- આમ, ભગવાનની ભક્તિ જેના હ્રદયમાં નથી, તેના માટે ભગવાન દૂર છે. ભક્તિ છે તેના માટે હાજરાહજૂર છે.
- ગોશાળાની પાસે જ ભગવાન હતા છતાં ભાવથી દૂર જ હતા. સુલસા દૂર હતી છતાં પણ ભક્તિથી તેના માટે ભગવાન નજીક હતા.
દેવપાલની ભક્તિ
- દેવપાલ એક ક્ષત્રિય જાતિનો રજપૂત પણ કર્મસંયોગે એક શ્રાવક શેઠને ત્યાં ઢોર ચરાવવા લઇ જવાની નોકરી કરતો હતો.
- એકવાર ચોમાસાના દિવસોમાં એ જંગલમાં ઢોર લઇને ચરાવવા ગયેલો એણે ત્યાં જોયું કે પર્વત પરની એક ભેખડ તૂટીને પડેલી નીચે અને ત્યાં ડૂંગરાના પોલાણમાં ઋષભદેવ પ્રભુની પ્રતિમા હતી.
- પ્રભુની પ્રતિમા જોઇને એ રાજી થઇ ગયો, “અહો! મને ભગવાન મળ્યા!” પાસેની નદીમાં નાહી-ધોઈને ભીની માટી લઇ આવ્યા અને એનાથી નાનું દેવર બનાવ્યું પછી ડૂંગર પર ચડી, સાચવીને ભગવાનને નીચે લઇ આવી, અને એ પ્રતિમાજીને માટીના દેવળમાં પધરાવ્યા. પધરાવીને જંગલમાંથી ફૂલો લાવી પ્રભુને ચડાવ્યા.
- પ્રભુની આગળ હરખના આંસુ સાથે સ્તુતિ કરે છે:
“અહો! પ્રભુ! તું મને મળ્યો? મારા ભાગ્યની અવધિ નથી. ક્યાં હું હીન ભાગી? મારી પાસે નહીં ધન, એવો તો દરીદ્ર હું અને તું ત્રિભુવનનો રાજા! મને તું મળે કઇ રીતે? મારા તો ભાગ્ય ખુલી ગયા! હે પ્રભુ! હવે તારા દર્શન વગર મોં માં પાણીનું ટીપું પણ નહીં નાખું.”
- આમ પ્રભુ મળ્યાના હરખમાં નાચતો જાય અને ગાતો જાય.. પ્રભુના ગુણ ગાય!
હે નાથ! તું મારો તારણહાર, તુ મારો ઉદ્ધારકરનારો, તુ જગતદયાળુ, તું મળ્યો એટલે પરમનિધાન મળ્યું. મારે હવે શી દરિદ્રતા?
- જંગલમાં ૬ કલાક રહ્યો ત્યાં સુધી પ્રભુના ગુણગાન કરતો રહ્યો. પછી તો ઢોર લઇ ગયો પણ મનમાં પ્રભુ જ પ્રભુ છે. હવે રોજ સવારે ત્યાં આવે છે અને પ્રભુના દર્શન કરી, નાહી-ધોઇ, ફૂલથી પ્રભુને પૂજી, પ્રભુની સ્તુતિ-ભક્તિ-ગુણગાન કરતો રહે છે.
- એકવાર વરસાદની મોટી હેલી વરસી… પાણીના પૂર ખુબ ચઢી ગયા… દેવપાલ જંગલમાં જઇ શક્યો નહીં… ચારેકોર જળબંબાકાર… માથાભર પાણી એમાં ચાલવું શી રીતે? સવારની સાંજ પડી, સાંજની સવાર પડી.. વરસાદ મૂશળધાર ચાલુ… ધરે ભુખ્યો-તરસ્યો દેવપાલ બેઠો છે.. એના મનમાં જરાપણ ખેદ નથી કે મેં આવો નિયમ ક્યાં કર્યો?
- શેઠ કહે છે, “જમી લે”. દેવપાલ કહે છે, “ના, જંગલમાં મારા ભગવાનના દર્શન કર્યા વિના મારે જમવાનું નથી”.
-
૭ દિવસ લગાતાર વરસાદ.. છેક આઠમા દિવસે ઉઘાડ નિકળ્યો.
- તે પહોંચ્યો જંગલમાં અને પ્રભુના દર્શન કરતા રડી પડે છે,
“અરે પ્રભુ! તારા દર્શન વિના મારા ૭-૭ દિવસ વાંઝિયા ગયા. માફ કરજે પ્રભુ! મેં તારી ખબર ન લીધી. હું કેટલો કમનસીબ કે તું મને મળ્યા છતા તારા દર્શન વિના માત્ર એક દિવસ નહીં પણ મારા ૭-૭ દિવસ બરબાદ ગયા! પ્રભુ! આટલી મોટી મને સજા? નાથ જોઇએ તો મને ૭ નહીં, ૨૭ દિવસ ભુખ્યો રાખજે. પણ આવી દર્શન નહીં પામવાની સજા મને ના કરીશ. દયા રાખજે આ ગરીબ સેવક ઉપર!
-
આમાં ખુબી તો એ છે કે ૭ દિવસના ઉપવાસ થયા તેનું દુ:ખ નથી પણ દુ:ખ છે પ્રભુદર્શન ન મળ્યા એટલે દેવપાલને મન ધર્મ જ મુખ્ય છે.
-
હવે ત્યાં દેવી આવી અને દેવપાલને કહે છે,
“હે દેવપાલ! હું આ તારા ભગવાન ઋષભદેવની અધિષ્ઠાયિકા દેવી ચક્રેશ્વરી છું. શું તારી ભક્તિ! આ ભક્તિથી હું ખુબ પ્રસન્ન થઇ છું. ભક્તિના બદલામાં તું કાંઇ પણ માંગી લે.”
- દેવપાલ: તુ મને ભક્તિ આપ.
- દેવી: ભક્તિ તો તારી પાસે છે જ.
- દેવપાલ: ક્યાં છે મારી પાસે ભક્તિ? જો મારી પાસે હોત તો આ ૭ દિવસ પ્રભુભક્તિ વિના મારા વાંઝિયા કેમ જાત? માટે મને કાયમી ભક્તિ દઇ દે.
- દેવી: વરસાદના કારણે તું કાયાથી અહીં આવી ન શક્યો પણ સાતેય દિવસ તારા દિલમાં તો ભક્તિ જ હતી. માટે, ભક્તિના બદલામાં તારે જે જોઇએ તે માંગી લે. મારે તારા જેવા પ્રભુભક્તની સેવા કરવી જ જોઇએ.
- દેવપાલ: ભક્તિના બદલામાં જો હું માંગુ તો મારી મહાકિંમતી પ્રભુભક્તિને વેચી કહેવાય. આ ભક્તિના બદલામાં જો ઉંચી ભક્તિ આપી શકાતી હોય તો મને આપો.
અહીં દેવપાલને દુન્યવી વસ્તુની ઇચ્છા જ નથી. ભક્તિના બદલામાં પણ ઉંચી ભક્તિ જ જોઇએ છે.
-
દેવી: મારું આપ્યું તો તું નહીં લે. પણ તારી ઉત્કૃષ્ટ ભક્તિ હોવાથી આ જન્મમાં જ તને ફળશે અને ૭મે દિવસે તને આ નગરીનો રાજા બનાવશે.
-
આ સાંભળીને દેવપાલને આનંદ ન થયો ઉલ્ટાનું દુ:ખ થયું કે જો હું રાજા થઇશ તો હું ભક્તિ કેવી રીતે કરીશ?
મનુષ્યભવમાં ઊંચી કરણી જ કરવી જોઇએ. ઊંચા ભવમાં હલકી કરણી કરીએ એટલે કે સૂવર્ણપાત્રમાં દારૂ ભર્યા જેવું કહેવાય.
- દેવપાલના પ્રભુદર્શન અને ભક્તિ કેવા છે? એની સામે આપણા પ્રભુદર્શન કેવા? જો કોઇ દેવતા માંગવાનું કહે તો આપણો જવાબ કેવો હોય? દર્શન-ધર્મને એટલું બધું ઊંચું અને મહાકિંમતી માનીએ ખરા કે એની આગળ કરોડો અબજો રૂપિયા તુચ્છ લાગે?
ભાગ ૨૪ માં આપણે જોયું હતુ કે નંદકને જિનપૂજાનો અભિગ્રહ હતો તો પણ તેના મનમાં એમ થાય છે કે ભદ્ક મારી ગેરહાજરીમાં કમાઇ લે છે એટલે મારે જિનપૂજા મૂકી દેવી સારી. અહીં
આપણે એ વિચારવાનું છે કે આપણે ભક્તિ નંદક જેવી કરવી છે કે દેવપાલ જેવી?
હવે પછીના ભાગમાં આપણે શ્રેષ્ઠ ભકિત કરનારા અર્હન્નક શ્રાવક તેમજ રાવણ વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶