ભાગ ૫૯: શું આપ શાલિભદ્રના વૈભવ વિશે જાણો છો?
આપણે ગઇ કાલનાં ભાગમાં જોયું કે રત્નકંબલ લેવાની રાજાએ ના પાડી…
૨૨F. અહંકાર
- રાજાએ આટલી કિંમતી શાલો ખરીદવાની ના પાડી તો લોકો પાસે તો આ ખરીદવાની સંપતિ તો ન જ હોય…
- તેમ તેમાનો એક વેપારી બોલ્યો..
- તેથી આ નગરમાંથી કોઇ આ શાલ ખરીદી નહીં શકે એમ માની પાછા ફરવાનું નક્કી કર્યું…
- આ શબ્દ નીચેના માળની ગોખે બેઠેલાં ભદ્રા શેઠાણીને કાને પડયા અને વેપારીઓને પુછે છે -
- શું વેચવા આવ્યા છો? ત્યારે વેપારી કહે છે રત્નકંબલો વેચવા આવ્યા છીએ…
હવે આપણે આગળ જોઇએ…
- શેઠાણી પુછે છે કેટલી રત્નકંબલો છે? ત્યારે વેપારી કહે છે ૧૬.
શેઠાણી કહે છે,
મારે ૧૬ ન કામ આવે ૩૨ જોઈએ. છોકરાની ૩૨ વહુઓમાંથી ૧૬ કોને આપું અને કોને ન આપું?
એક વેપારી બોલ્યો
માતાજી ! એક કંબલ તો રાજા જેવા રાજા પણ ખરીદી શકતા નથી
અને આપ બત્રીસની વાત કરો છો !!!
આ ૨૦૦-૫૦૦ ની કંબલ નથી…
એક કંબલની કિંમત સાંભળી છે? સવા લાખ સોનામહોર છે…
ભદ્રમાતાએ (શેઠાણીએ) દાસીને બોલાવી અને કહ્યું
વેપારી પાસેથી ૧૬ કંબલો લઇ લે અને ખજાનચીને તેના પૈસા ચૂકવવાનું કહી દે….
- વેપારીઓ આભા બન્યા. થોડીજ વારમાં વેપારીઓના હાથમાં ૧૬ કંબલની કિંમત ખજાનચીએ આપી.
અને તે શું સમૃદ્ધિ!
શું ઉદારતા!
બોલતા માથું ધૂણાવતા પ્રશંસા કરતા રસ્તે પડયા. દાસીએ સવારે શાલિભદ્રની સ્ત્રીઓને સ્નાન કરતી વખતે એકેક કંબલના બે બે ટુકડા કરી એકેક સ્ત્રીને આપ્યા…. અને કહ્યું કે માતાએ સવાલાખ સેનામહોરે આ રત્નકંબલ આપને પહેરવા માટે ખરીદી છે.
અહિં આપણે ભદ્રામાતા કેવી છે એ પણ વિચારીએ….
ભદ્રામાતા શા માટે વેપારી પાસેથી કંબલ ખરીદે છે?
વેપારીઓના ઉદાસીન ચહેરાઓ જોઇ ભદ્રામાતાએ વિચાર્યું કે મારા નગરમાંથી જો વેપારીઓ પાછા જાય તો નગરની આબરૂ જાય.
અહીં ભદ્રામાતાને જેમ ઘરની આબરૂની ચિંતા હતી તેમ નગરની આબરૂની પણ ચિંતા હતી.
આપણે પણ આપણા ઘર પ્રત્યે, નગર પ્રત્યે, દેશ પ્રત્યે આપણું શું કર્તવ્ય છે તે વિચારવું જોઇએ.
સ્ત્રીઓએ માતાના માન ખાતર કંબલ પહેરી ખરી પણ દાસીને કહ્યું કે
આ તો બહુ કરડે છે.
- દાસીએ આ વાત ભદ્રામાતાને કહી ભદ્રામાતાએ વિચાર્યું કે દેવદુષ્યની પહેરનાર (દેવલોકમાંથી આવતા વસ્ત્રો પહેરનાર) પુત્રવધુઓને રત્નકંબલ કેમ ગમે ?
દાસી, તું પુત્રવધુઓને કહે કે
કરડે તો કાઢી નાંખજો. મન બગાડીને કે કચવાઈને માતાને ખરાબ લાગશે માટે ન પહેરશો.”
-
દાસીના સંદેશા પછી પુત્રવધુઓએ પગ લુંછી કંબલોે કાઢી નાખી અને નિર્માલ્યના કુવામાં નાંખી દીધી.
-
ચેલણા રાણી ગોખે બેઠી હતી તેણે રત્નકંબલો વેચી પાછા ફરતા વેપારીઓને દીઠા અને દાસીદ્વારા પુછાવ્યું કે કંબલો કયાં ગઈ?”
વેપારીઓએ કહ્યું
ભદ્રાશેઠાણીએ સોળે-સોળ કંબલો લઈ લીધી.
- ચેલણા ને રાજાની કૃપણતા અને અરસિકતા ઉપર માઠું લાગ્યું. તેણે હઠ લીધી કે મારે રત્નકંબલ જોઈએ.
- રાજાએ આ વાત અભયકુમારને કરી.
- અભયકુમારે એક મંત્રીને ભદ્રા શેઠાણીને ત્યાં મોકલ્યો અને રત્નકંબલની માગણી કરી.
ભદ્રામાતાએ બહુ સંકોચાતાં કહ્યું
રત્નકંબલો તો આજે જ પુત્રવધુઓએ નિર્માલ્ય કરી કુવામાં ફેંકી દીધી છે અને આવી નિર્માલ્ય વસ્તુ રાજાને કેમ ધરાય ?
- મંત્રી દ્વારા અભયકુમારે આ વાત સાંભળી રાજાને કહી. રાજા,રાણી અને અભયકુમાર સૌ આશ્ચર્ય પામ્યાં. આવો પૂણ્યશાળી નાગરિક આપણા નગરમાં વસે છે કે જેની સ્ત્રી સવા લાખનું વસ્ત્ર આજે પહેરી કાલે ફેંકી દે છે.
અહિં આપણે રાજા કેવો છે એ પણ વિચારીએ….
પોતાની પ્રજામાં શાલિભદ્ર નામે વ્યકિત રત્ન-કંબલના પગ-લૂછણિયા કરી ફેંકી દે છતાં રાજાને ઇર્ષ્યા નથી આવી એવા પુણ્યશાળીનું નામ સાંભળી આનંદિત થયા છે…
રાજાએ એક રત્નકંબલ પણ પટરાણી માટે ખરીદી નહોતી…
તે રાજા ન્યાયપ્રિય હતા….
પ્રજાના પૈસા ભોગ ભોગવવા ન વેડફાય….
જે શ્રેણિક મહારાજા પ્રભુની સન્મુખ રોજ સોનાના જ્વલાનો સાથિયો કરતા હતા છતાં રાણી માટે રત્નકંબલ ખરીદવા તૈયાર ન હતા…
શ્રેણિકે અતિ ઉત્સુકતાથી કહ્યું.
અભય ! બોલાવ તે શાલિભદ્રને. મારે તે પુણ્યશાળીના દર્શન કરવાં છે.
- અભયકુમાર શાલિભદ્રના આવાસે પહોંચ્યો. શાલિભદ્રની ઋધ્ધિ દેખી તેનું મસ્તક ધૂણી ઉઠયું.
ભદ્રામાતાને કહ્યું કે
માતા ! તમારા પુત્રને રાજા નિરખવા માગે છે.
હવે પછીના ભાગમાં આપણે જોઇએ કે રાજાને શાલિભદ્ર મળે છે કે કેમ?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶