🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬૬: શાસ્ત્ર નહીં ભણેલો આ મુનિ ! માત્ર ક્ષમાના મહિમાથી કેવળજ્ઞાન પામી જાય અને હું એવો ને એવો કોરો ધાકોર?

આગળનાં ભાગમાં આપણે જોયું કે ભદ્રસેનમુનિ - આચાર્યને કહે છે કે,

ભગવાન, મારું કુટુંબ મોટું છે. તેઓને આ યુવાનો ખબર આપી દેશે તેથી તેઓ મને લેવા ચોક્કસ આવશે અને બળજબરીથી પણ અહીંથી લઈ જવા પ્રયત્ન કરશે. આપણો ગચ્છ તો વિશાળ છે. બધા સાથે તાત્કાલિક તો વિહાર થઈ શકે નહિ, પણ આપણે બે જણ છૂપી રીતે અહીંથી જતા રહેવું જોઈએ. બધા વિહાર કરીએ તો લોકો જાણી જાય અને આપણને અટકાવે માટે જલદી કરો.

તો ચાલો આ ભાગમાં જોઇએ કે આચાર્યશ્રી નૂતનદિક્ષીત મુનિની વાત માને છે કે નહીં

૨૩C. સ્વાભિમાન


ચંડરુદ્રાચાર્ય દ્રષ્ટાંત


આચાર્ય મહારાજ નૂતન દીક્ષિત મુનિને કહે છે,

તારી વાત બરાબર છે. તું એક વાર જઈને રસ્તો જોઈ આવ. અત્યારે સાંજ પડવા આવી છે. અંધારું થઈ જશે તો રસ્તામાં તકલીફ ઊભી થશે.

 • માટે ભદ્રસેન મુનિ થોડે સુધી જઈ રસ્તો જોઈ આવે છે અને આચાર્યશ્રીને લઈને તે ઉપાશ્રયથી નીકળી જાય છે.
 • ગુરુ મહારાજ વૃદ્ધ છે અને આંખે ઓછું દેખાય છે ને એમાંય વળી અંધારુ. એટલે આચાર્ય તો પગલે પગલે ઠોકરો ખાવા લાગ્યા અને તેમનું મગજ ફાટ્યું.

તેમની શાંતિની ઇમારત તૂટી પડી અને ભદ્રસેનમુનિ પર તૂટી પડ્યા.

અલ્યા, અક્કલના જામ​ !
રસ્તો-બસ્તો જોયો છે કે નહીં !
રસ્તો આમ જોવાય​ ? કેટલા બધા ખાડા છે.
પણ અહીં રસ્તો જોઇ આવ​વાથી ખાડા-ટેકરા થોડા દૂર થઇ જાય​ ?

 • આ તો ગુસ્સાવાળા આચાર્ય​, એણે ન​વા ચેલાને ધમકાવી નાંખ્યો પરંતુ ચેલો બહુ સારો હતો, તેણે ગુરૂદેવને કહ્યું,

આપની વાત સાચી છે, આપ મારા ખભે બિરાજો. આપને તકલીફ નહીં પડે.

 • એટલે ભદ્રસેન મુનિ તેમને ખભે બેસાડી ઉતાવળે ઉતાવળે વિહાર કરે છે. પણ રસ્તો ખાડાટેકરાવાળો હોઈ ખભે બેઠેલા મહારાજને આંચકા આવે છે અને નૂતન દીક્ષિતને બરાબર ચાલવા તાકીદ કરે છે.
 • પણ અંધારું વધતાં રસ્તાના ખાડા-ટેકરામાં પગ પડી જતાં ભદ્રસેન મુનિ કોક વાર સમતોલપણું ગુમાવે છે

 • એટલે ભદ્રસેનમુનિ ધીરેધીરે ચાલ​વા લાગ્યા, પણ રસ્તામાં ખાડા-ટેકરા તો હતા જ​, આથી આચાર્યને આંચકા તો આવતા જ હતા.

એટલે આચાર્યે ગુસ્સામાં કહ્યું,

ઓ બુદ્ધિના બળદિયા !
જરા સીધો તો ચાલ​ !
તારા ખાતર હું આ મોટી ઉંમરે પણ કેટલો હેરાન થાઉં છું?
જરા મારી ઉંમરનો તો ખ્યાલ કર​… અરરર​… મને તું કેટલા આંચકા આપે છે. સીધું ચાલતા પણ તું શીખ્યો નથી. સીધું ચાલતા પણ નહીં આવડે તો સંયમ જીવન જીવતાં શી રીતે આવડશે?
અરે… ફરી આંચકો ! આટલુ બધું કહું છું છતા તુ સાંભળતો નથી?
લે… લેતો જા. ફટાક​ ! અને આચાર્યે પોતાના હાથમાં રહેલો દાંડો ચેલાના માથા ઉપર ફટકારી દીધો.
ફરી આંચકો ! ફરી દાંડો ફટકાર્યો ! ફરી આંચકો, ફરી દાંડો !
આમ, આચાર્ય આડેધડ ઝુડ​વા જ માંડ્યુ.

દંડાના પ્રહારથી અને લોચ એ દિવસે કર્યો હોવાથી નૂતન મુનિના ટાલિયા માથા ઉપર લોહી આવવા માંડે છે.

 • પણ આ અવસ્થામાં પણ નૂતન દીક્ષિત ભદ્રસેન મુનિ સમતા રાખી વિચારે છે.
 • ધિક્કાર છે મારા આત્માને, મેં પૂજ્યશ્રીને પહેલા જ દિવસે, ગુરુદેવને અશાતા આપી. મારે ધીરે ધીરે સાવધ રહીને ચાલવું જોઈતું હતું.
 • આવા ગુણરત્નના સાગર જેવા ગુરુદેવને મેં રોષનું નિમિત્ત આપ્યું.
 • તેઓનો કોઈ દોષ નથી. ખરેખર હું દોષિત છું.
 • આ રીતે હૃદયની સરળતાથી ભદ્રિક એવા તે નૂતન મુનિ પોતાના દોષોને જોતાં શુભ ધ્યાને ચઢ્યા.
 • આમ​, સ્વાભિમાનના ભાગ ૬૪માં આપણે જોયું હતુ કે ગુરૂને (સમર્થને) માથે કરી લીધા અને તે એવા માથે કર્યા કે શિષ્યના કોઇ દ્રષ્ટિબિંદુ જ નહીં અને ગુરૂનું જે દ્રષ્ટિબિંદુ એ જ શિષ્યનું દ્રષ્ટિબિંદુ.


આમ​, ભદ્રસેનમુનિ સ્વાભિમાન​ ભૂલી ગયા અને ગુરૂ તરફ આશ્રિતતા - આધિનતા - સમર્પિતતા આવી ગઇ.


 • ભદ્રસેનમુનિના શુભ ધ્યાનથી આગળ ક્ષપક શ્રેણી પર પહોંચતાં તેઓ કેવળજ્ઞાન પામ્યા.
 • કેવળજ્ઞાની એવા ભદ્રસેન મુનિ જ્ઞાનના યોગે બધું જાણી શકે છે. હવે તે ગુરુ મહારાજ, જે ખભા ઉપર બેઠેલ છે તેમને જરાકે આંચકા ન પહોંચે તે રીતે સીધા રસ્તે લઈ જઈ શકે છે.

હવે આચાર્ય મહારાજ કહે છે કે,

 • હવે તું બરાબર ઠેકાણે આવ્યો. સંસારમાં એવો નિયમ છે કે ચમત્કાર વિના નમસ્કાર નહિ, દંડો પડ્યો એટલે હવે કેવો સીધો થઈ ગયો ! કેમ બરાબર છે ને ? હવે સીધો ચાલવા માંડ્યો ને? માર ખાઇને સીધો ચાલ્યો એના કરતા માર વિના જ સીધો ચાલ્યો હોત તો?

નૂતન દીક્ષિત કહે છે,

 • ભગવાન એ આપની કૃપાનું ફળ છે. રસ્તો બરાબર જાણી શકાય છે, એ આપશ્રીની અમી દ્રષ્ટિના યોગે જ્ઞાનથી જાણી શકાય છે.
 • આ સાંભળી આચાર્યશ્રી આશ્ચર્ય પામે છે અને વિચારે છે કે નૂતન દીક્ષિત કહે છે કે જ્ઞાનથી જાણી શકાય છે. તો તેને ક્યું જ્ઞાન હશે ?

 • હવે થોડું ર્થોડું અજવાળું થતાં ગુરુ મહારાજને શિષ્યના માથા પર લોહી નીકળેલ દેખાય છે

તેથી પૂછે છે,

તને આ મારા દંડાના પ્રહારથી લોહી?

 • આચાર્ય થોડા સ્તબ્ધ થઇ ગયા. નક્કી કંઇક રહસ્ય છે,

તેઓ ચોંક્યા અને પુછ્યું,

શું કોઇ દિવ્યજ્ઞાન થયું છે?

નૂતન દીક્ષિત કહે છે,

હા જી… ગુરૂદેવ​ ! આપની કૃપા !

આચાર્યે ખાત્રી કર​વા ફરી પુછ્યું,

કેવું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્રતિપાતી?

નૂતન દીક્ષિત કહે છે,

અપ્રતિપાતી.

આચાર્ય કુદકો લગાવી નીચે ઉતરી જાય છે…

 • અરરર​.. મેં કેવળજ્ઞાનીની આશાતના કરી?
 • કેવળજ્ઞાનીના ખભા ઉપર હું બેસી રહ્યો.
 • આમ​, આચાર્યનું મન બેચેન બન્યુ.
 • ગઇકાલનો દીક્ષિત આ મુનિ! શાસ્ત્ર નહીં ભણેલો આ મુનિ ! ક્ષમાનો કેવો ભંડાર​ ! માત્ર ક્ષમાના મહિમાથી એ કેવળજ્ઞાન પામી જાય અને હું એવો ને એવો કોરો ધાકોર?
 • આચાર્યપદ પર બિરાજમાન​ ! અનેક શિષ્યોનો ગુરૂ ! અનેક શાસ્ત્રોનો જાણકાર​ ! અનેક ભક્તોનો આરાધ્ય હું ! છતા સમતાથી લાખો જોજન દૂર !
 • અરેરે.. ક્યારે એવી મધુર પળો આવશે ત્યારે હું પણ સમતાના માનસરોવરમાં હંસ બનીશ​?

શું મારૂં જીવન ક્રોધના દાવાનળમાં જ શેકાતુ રહેશે?

 • કદી નંદન​વન નહીં બને? આવી ભાવનામાં આચાર્યના અધ્ય​વસાયો નિર્મળ થ​વા લાગ્યા અને વિચારો પણ વિલિન બન્યા નિર્વિચાર અવસ્થામાં પહોંચ્યા.

 • આમ​, એમનો આનંદ વધતો ચાલ્યો.. વધતો ચાલ્યો… અને એવો વધ્યો કે એની આગળ સ્વયંભૂરમણ સમુદ્ર પણ નાનો પડે.
 • બિચારા શબ્દોની શી તાકાત કે અસીમ આનંદને શબ્દોમાં વર્ણ​વી શકે, શબ્દો તો વામણા છે.
 • જ્યાંથી બધા સ્વરો પાછા પડે, જ્યાં તર્કના ધોડાઓ પહોંચી શકે નહીં, જ્યાં મતિની ગતિ થઇ શકે નહીં એવી અદભુત આત્મસાક્ષાત્કારની અવસ્થાને આચાર્ય પામ્યા.

 • આમ​, મોક્ષ મંદિરના સોપાન ઉપર આરોહણ કરી રહ્યો હતો. અચાનક જ અંદર વિસ્ફોટ થયો.
 • આમ​, અનાવરણ થયું એટલે કે અંદર રહેલાનો ઉઘાડ થયો.
 • પરમતત્વ તો અંદર જ છે. માત્ર પડદો હટાવો. એ પડદો છે ઘાતી કર્મનો ! એ પડદો હટી ગયો અને આચાર્ય કેવળજ્ઞાની બની ગયા.

આમ​, ગુરૂ અને શિષ્ય બંન્ને તરી ગયા.

હ​વે પછીના ભાગમાં આપણે સ્વદોષદર્શન તેમજ પરગુણદર્શન વિશે જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો