🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬૩: રાવણ યુધ્ધ​ અભિમાન અને રાજા શ્રેણિક શિકાર અભિમાન

આગળનાં ભાગમાં આપણે જોયું કે શાલિભદ્રની એ સમૃધ્ધિ, એ વૈભ​વ ને જો શાલિભદ્ર છોડી અને સાચા સુખ તરફ જઇ શકે, તો આપણી પાસે તો કઇ સંપતિ, કઇ સમૃધ્ધિ અને ક્યો વૈભવ? છતાં આપણો અહંકાર તો જાણે શિખર પર જ નથી હોતો ?

આ ભાગમાં આપણે રાવણ યુધ્ધ​ અભિમાન અને રાજા શ્રેણિક શિકાર અભિમાનું દ્રષ્ટાંત જોઇએ…

૨૨J. અહંકાર​


રાવણ યુધ્ધ​ અભિમાન દ્રષ્ટાંત​​


  • રાવણે યુધ્ધ​ અભિમાનથી વાલી રાજા પર ચઢાઈ કરતાં યુદ્ધમાં છેવટે પોતાના છેલ્લા શસ્ત્ર ચંદ્રહાસ ખડગથી વાલીને મારવા દોડ્યો, પરંતુ વાલીએ તો એને આખો ને આખો ઊંચકી, બગલમાં દબાવી ફેરવ્યો, ત્યારે રાવણનું અભિમાન ગળી ગયું ને પગમાં પડ્યો.
  • પરંતુ અભિમાનનું મૂળ ઉખડ્યું ન હતું તેથી પાછો જ્યારે એકવાર રાવણ વિમાનમાં અષ્ટાપદજી તીર્થ ઉપરથી જતાં વિમાન ખચકાયું, ત્યારે એનું કારણ શોધવા એણે નીચે જોતાં વાલી મુનિને ધ્યાનમાં ઊભેલા દેખ્યા.
  • ખરેખર તો તીર્થના મહિમાથી વિમાન ખચકાયેલું, પરંતુ અભિમાનથી એણે માન્યું કે વિમાન વાલીમુનિએ ખચકાવ્યું.
  • તે શું હજી મારા પર વૈર રાખે છે? તો હું હવે એને બતાવી દઈશ. એમ કરી આખા અષ્ટાપદ પહાડ સાથે વાલીમુનિને દરિયામાં ફેંકી દેવા એ અભિમાનથી પહાડની તળેટી ખોદી પહાડની નીચે પેસીને એક હજાર દિવ્ય વિદ્યાઓનું સ્મરણ કરી પહાડ પોતાના માથા પર ઊંચક્યો. એથી પહાડ જરા ડોલાયમાન થયો. 
  • વાલી રાજાએ પહેલાં રાવણને જીતી લીધા પછી એના મિથ્યા અભિમાન પર વૈરાગ્ય પામી તરત સંસારત્યાગ કરવા પૂર્વક સાધુ દીક્ષા લીધી.
  • તે ઘોર તપ તપતાં-તપતાં અવધિજ્ઞાન પામી અષ્ટાપદ પહાડ પર ધ્યાનમાં ઊભા છે, એમને જરાય અભિમાન નથી.
  • પરંતુ પર્વત હચમચતાં અવધિજ્ઞાનથી જોઈ પરિસ્થિતિ પામી ગયા.

વાલીમુનિને એમ થયું કે,

મને પોતાને આ શરીર પર કોઈ સ્પૃહા નથી, રાગ નથી, તેમ રાવણ પર કોઈ દ્વેષ નથી. પરંતુ તીર્થનો નાશ થાય અને પર્વતમાં આશ્રિત અનેકાનેક જીવોનો સંહાર થાય એ મારાથી કેમ જોઈ રહેવાય? તેથી એ બચાવવા દ્રેષ વિના પણ રાવણને જરાક શિક્ષા કરું. એમ વિચારી એમણે પર્વત પર પગનો અંગૂઠો સહેજ દબાવ્યો. 

  • મહાત્મા વાલીમુનિને સંયમ અને તપના પ્રભાવે અનેક લબ્ધિઓ ઉત્પન થઈ ગઈ છે. એટલે લબ્ધિપ્રયોગે અંગૂઠાનો સહેજ દબાણથી પર્વત અને સાથે રાવણ પણ દબાયો.
  • ત્યાં રાવણ ચીસ પાડી ઊઠયો, લોહીની ઊલટી થઈ, તરત બહાર નીકળી ગયો.

રાવણ​ સમજી ગયો કે

આ હું મારા અપકૃત્યની મહાત્મા વાલીમુનિ પાસેથી શિક્ષા પામ્યો.

  • અભિમાન ઓસરી ગયું, ને  વાલીમુની પાસે ક્ષમા માંગે છે.

અને રાવણ કહે​ છે,

નાથ મેં આપને ઓળખ્યા નહિ, આપે તો તે વખતે છતી શક્તિએ મને અપરાધીને માફ કરી ઉદારતાથી જવા દીધો. હતો. પરંતુ મેં અભિમાનના અંધાપામાં ફરીવાર આપનો અપરાધ કર્યો તોય આપે મને પર્વત નીચે કચરી ન નાખતાં મારી ભૂલનું ભાન કરાવ્યું.

અહો પ્રભુ ! આપનો કેટલો બધો ઉપકાર ! નાથ ! હું પાપાત્મા છું, આપની ક્ષમા માગું છું. 

અહિ રાવણ ક્યારે ક્ષમા માંગે છે?

  • જાતના અભિમાન સામે કર્મનું અભિમાન ઝળકી ઉઠ્યું કર્મે એને થપાટ લગાવી હેઠો પાડ્યો.
  • મહાત્મા વાલીમુનિના તપોબળથી દબાયો અને અભિમાનનું પાણી ઊતરી ગયું.
  • ત્યારે જો કર્મનાં અભિમાન આગળ માણસનું અભિમાન ચાલતું નથી, એનું કાંઈ ઉપજતું નથી, તો પછી અભિમાન કર્યું શું કામનું ? 

ખરી વાત એ છે કે અભિમાનનું કશું ઊપજતું નથી.  

  • ઉપજે છે તે પુણ્યનાં ઉદયનું.

મૂર્ખ માણસ ભલે એમ માની લે છે,

આ હું રોફ બતાવું છું તેથી બધા મારાથી દબાયેલા રહે છે.

  • પરંતુ ખરી રીતે તો એનો પુણ્યનો ઉદય વર્તી રહ્યો છે ત્યાં સુધી જ બીજા એનાથી દબાય છે પણ પુણ્ય ખત્મ થતાં એના એ માણસો હવે એને દબાવે છે !
  • આમ , અહંત્વના તોરમાં માણસ બજારમાં ગમે તેવા સોદા કરે, પણ પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી જ કમાય, બાકી તો પુણ્યનો ઉદય પૂરો થઈ જતાં લેવાના ભારે દેવા કરી આવે ! તો કમાઈ કોણ આપતું, અભિમાન નહીં પણ પુણ્ય !

માનવજાત અહંકારથી દુ:ખી છે

  • અહંકારના લીધે સગા ભાઈ-ભાઈ વચ્ચે, કોમ-કોમ વચ્ચે, ને દેશ-દેશની વચ્ચે અશાંતિ છે, ખેંચતાણ છે.
  • દરેક એમ સમજે છે કે અમે સમજીએ છીએ, કરીએ છીએ તે બરાબર છે, પછી એ હઠાગ્રહમાંથી શું કામ પાછા ફરે? ત્યાં પછી ઝઘડા સિવાય બીજું શું જોવા મળે ?

મૈત્રી કરુણા આદિ ભાવથી યુક્ત હોય તે જિનવચનાનુસારી અનુષ્ઠાન ધર્મ કહેવાય. મૈત્રી કરુણાભાવ નષ્ટ થઈ જતાં, પછી ભલેને બીજો દેવદર્શન, તપ, ત્યાગ વગેરે દેખીતો ધર્મ ગમે તેટલો કરે, પરંતુ ધર્મનું સ્વરૂપ ક્યાં રહ્યું? 

કોણે આ કરુણાભાવ નષ્ટ કર્યો ?

  • અભિમાને !
  • સામાના દુ:ખમાં સહાનુભૂતિ રાખવાને બદલે ઊલટું જો આનંદ અનુભવવો છે, તો એ કરુણાભાવના સ્થાને ક્રુર​ભાવ ઊભો થયો.
  • અભિમાન એ માણસને અંધ બનાવીને કર્તવ્ય એવો શુભ ભાવ દેખવા દેતું નથી. 

રાજા શ્રેણિક શિકાર અભિમાન દ્રષ્ટાંત​


  • રાજા શ્રેણિકે ધર્મ પામ્યા પહેલાં ગર્ભિણી હરણીનો શિકાર કરી નાખેલો.
  • પછી પાસે જઈ જોતાં સારો શિકાર થયો માની એ ખુશ થાય છે.

રાજા શ્રેણિકને અભિમાન થાય છે કે,

કેવો સરસ શિકાર કરી શકું છું.

  • એવા અભિમાનના તોરમાં ધાર્યો શિકાર કર્યા પછી દુઃખ શાનો ધરે? મનને એમ ક્યાંથી થાય કે મેં શિકાર કરતાં તો કરી નાખ્યો, પરંતુ આ બિચારી હરણી અને એનો ગર્ભ બંને તરફડી તરફડીને મરી રહ્યા છે !
  • અરેરે, આને કેટલું બધું દુ:ખ ! આવી હમદર્દી શાની થાય ?

શ્રેણિકતો આનંદ આનંદ અનુભવે છે,

સુંદર શિકાર !

  • એમાં એણે પહેલી નરકનું ૮૪૦૦૦ વરસનું આયુષ્ય બાંધી કાઢયું, નિકાચિત કર્યું. એવું કે પછી ભલે ધર્મ પામ્યા, ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જ્યું, તીર્થકરનામકર્મ કમાયા,
    પરંતુ એ નરકાયુષ્ય સીલપેક રહ્યું ! અને મરીને નરકમાં ચાલી જવું પડ્યું. 

આમ, અભિમાન છોડીએ તો જ ખરી આંતરશક્તિઓ બહાર આવશે અને ભવ્ય ઉત્થાન થશે. 

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇએ કે સ્વાભિમાન કર​વું કે નહીં…




શેર કર​વા નીચે ક્લિક કરો