🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૦: લોકો શેઠ બન​વા માટે કેટલી ભાગ​-દોડ કરે છે. જ્યારે પૂરણચંદ શેઠ સર્વસ્વ દાન કરી અને ગરીબ બન્યા!!

આગળનાં ભાગમાં આપણે પ્રભુદર્શન અને દર્શનાચાર વિશે જોયું…

આ ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે જોઇએ…

5A. મન અને દર્શન(ધાર્મિક ક્રિયા)


  • પ્રભુ દર્શન કે અન્ય ધાર્મિક ક્રિયામાં એકાગ્રતા અને આનંદ અતિ જરૂરી છે. વ્યવહારમાં પણ આપણે ગાડી ચલાવતાં હોઇએ અને વચ્ચે ૨૦-૨૫ સેકંડ જો નિંદર આવી જાય અથ​વા તો કોઇ અન્ય વિચારમાં મશગુલ થઇ જઇએ તો તે ચાલે?
  • ગાડી ચલાવતાં ફકત થોડી સેકંડની નિંદર પણ જો અકસ્માત સર્જી શકે તો દર્શન કે અન્ય ધાર્મિક વિધીમાં પણ જો આપણું ચિત તેમા ન રહે અને અન્યત્ર ચાલ્યું જાય તો તે ધાર્મિક વિધીનું ફળ આત્માનાં ભાવોનું અકસ્માત જેવું ન ગણાય​?

મનને એકાગ્ર રાખ​વા શું કર​વું?

  • કોઇ પણ ક્રિયા કરતા પહેલા મનમાથી અન્ય વિચારો કાઢીને મનને હળ​વું કર​વું.
  • જો વિચારો પાપના હોય તો એમ વિચાર​વું કે આ માન​વભવ પાપ વિચારો માટે નથી મળ્યો અને શુભ વિચારો કર​વા.
  • તેમ છતા દર્શન અથ​વા ધાર્મિક ક્રિયા કરતી વખતે જો કોઇ અન્ય વિચાર આવે તો ૧૨ ન​વકાર ગણવાનું કે બીજું કોઇ પ્રાયશ્ચિત લેવું. જેનાથી એકાગ્રતા આવે છે.
  • ક્રિયાનું સ્થાન એવું પસંદ કર​વું કે જ્યા ક્રિયાની એકાગ્રતા ને બાધ ન કરે.
  • ક્રિયા કરતી વેળાએ દ્રષ્ટિ બીજે ક્યાંય ફેર​વ​વી નહીં જેમ કે દેરાસર મા “નિસીહિ” બોલ્યા બાદ ફક્ત નીચી દ્રષ્ટિ રાખીને જ ચાલ​વું જેથી અન્ય સંકલ્પ-વિકલ્પ નું સ્થાન ન રહે.
  • શુન્ય મગજ થી થતી ક્રિયા સંમૂર્છિમ ક્રિયા છે એ સમય બરબાદ કરી અને નિષ્ફળ દ્ર​વ્ય ક્રિયા કરાવે છે. જેથી મનનો ઉપયોગ જાગૃત​ રાખ​વો.

  • શુભ વિચારો જેવા કે

“અહો ! હુ કેવો ભાગ્યશાળી કે મને આ પાપથી ભરેલા કાળમાં દુર્લભ એવી આ પુણ્ય ક્રિયા મળી..”
“ક્યાં મારા આત્માની અધમતા અને કેવો ઉતમ આ યોગ​”
“વિચાર શકિતથી ક્રિયાને અનુરૂપ ચિત્ર મનમાં ઉભું કર​વું”

  • આપણે જ્યારે દર્શન અથ​વા કોઇપણ ધાર્મિક વિધી કરતા હોઇએ અને તે વિધી ચાલું હોય અને પૂરી પણ થઇ જાય તો પણ આપણું મન તેમાં ન હોવાથી આપણને તે દર્શન અથ​વા વિધીની કંઇ જ ખબર હોતી નથી અને તે દર્શન અથ​વા વિધી કરી બહાર પણ નીકળી જઇએ છીએ તો વખતે મન ધંધાના અથ​વા કોઇ પણ વિચારોમાં પરોવાયેલું હોય અને તે અંગેના વિચારો ચાલુ રહેતા હોય છે.

મનમાં સામાન્ય પણે ક્યાં વિચારો આવતા હોય છે?

  • જો આપણે ધંધો કરતા હોય તો ધંધાને લગતા જેવા કે કોઇની પાસેથી માલ લેવાનો હોય, ઉઘરાણી બાકી હોય તો તે લેવાની હોય વગેરે વગેરે..
  • જો શેર બજારનું કામ કરતા હોઇએ તો પ્રભુનાં દર્શન કરતા કરતા આજે તો બજાર ૧૦૦૦ પોંઇટ તૂટી ગયું છે… વગેરે

સંસારની ક્રિયાનો અધિકભાર ન લઇએ ત્યારે સંસારમાં વલોપાત, ચિંતા અને વિકલ્પના ભારને નીચે ઉતારતા આવડે તો ધર્મક્રિયામાં પ્રમાદ ઉભો ન રહી શકે. જૈન શાસનમાં અર્થકામ એ મહાપ્રમાદ છે. પૈસા એ માટીની ચીજ, માટીમાં મળી જ​વાની. વિષયો પણ માટીના અને તેમાં જ મળી જ​વાના. તો શું આત્મા એવો રંક છે કે માટીની ચીજ ખાતર આત્માને વેંચે?

  • તો આ બધા વિચારો કઇ રીતે ઓછા થાય તેના માટે આપણે એક દ્રષ્ટાંત જોઇએ..

લોકો શેઠ બન​વા માટે કેટલી ભાગ​-દોડ કરે છે. જ્યારે પૂરણચંદ(પૂનમચંદ) શેઠ સર્વસ્વ દાન કરી અને ગરીબ બન્યા!!


પુણિયો કેમ ગરીબ થયો?

  • આપણે સૌ પુણિયા શ્રાવક વિશે તો સાંભળ્યું જ હશે, તે પહેલા શ્રીમંત પૂરણચંદ શેઠ હતા. એમના ઘરમાં લક્ષ્મીનો સાક્ષાત વાસ હતો, દુનિયાભરના બધા સુખ એના પગમાં હતા.
  • તેમણે જાતે શ્રીમંતાઇ ફગાવી ગરીબી અપનાવેલી. એક વખત ગુરૂ પાસેથી ધર્મ સ્થિરતાના મહા ઊંચા લાભ સાંભળી,
  • પૂરણચંદ શેઠ​: ભગવંત​, મારે દેવ​-દર્શન​-પૂજા-સામાયિક-પ્રતિક્રમણ વગેરેમાં ચિત્ત સ્થિર રહેતું નથી, તો સ્થિરતા કેવી રીતે લાવ​વી?
  • ગુરૂ: ધન સર્વ અનર્થોની ખાણ છે એ માટે ધનના વિષયમાં કંઇક તો મર્યાદા રાખ​વી જ જોઇએ. બહાર મોટો પથારો (ખુબ જ મોટા વેપારી હતા) હોવાથી મન એની સાથે બંધાયેલું છે એટલે વિચારો કરે છે. પ્રભુએ તો શુદ્ધ ધર્મની આરાધના માટે સંયમ બતાવ્યો છે. એ ન બને તો ઉચ્ચ શ્રાવક ધર્મ પાડ​વાનું કહ્યું છે, એ પણ ન બને તો યથાશક્તિ ત્યાગ સાથે અથ​વા તો ત્યાગના પ્રબળ રાગ સાથે શક્ય ધર્મ સાધના કર​વાનું કીધું છે. પરંતુ તેમાં જેટલા પથારા હોય તો મનને સતાવ્યા કર​વાના.
  • પૂરણચંદ શેઠ​: પ્રભુ મને માર્ગ મળી ગયો.
  • પૂરણચંદ શેઠે ઘરે જઇને શ્રાવિકાને કહ્યું કે તારણહાર મહાન ધર્મસંપતિ જોઇએ છે કે ભ​વમાં ભમાવનારી અર્થ સંપતિ?
  • શ્રાવિકા: અનંત ઉપકારી દેવ​-ગુરૂ મળ્યા પછી જો આપણે ધર્મ નહીં કરીએ તો જીવન તો જોતજોતામાં પૂરું થઇ જશે અને અર્થ સંપતિના ઢગલાં અહીં જીવોના સંહાર કરતા પડ્યા રહેશે માટે સાચી ધર્મ સંપતિ જ જોઇએ.
  • પછી તો પુરણચંદશેઠે પોતાના પાસે રહેલી અપાર સંપતિનું સાતેય ક્ષેત્રોમાં દાન કરી દીધું, વાડી, બંગલો, દુકાન બધુ કાઢી નાખ્યું અને ભાડુતી મામૂલી ઘરમાં માત્ર ૨ આનાની મુડી રાખી ને રહ્યાં રોટલો ખાવા એ ૨ આનાનુ રૂ લાવી એની પૂણીઓ વણી લઇ વેપારી ને આપી ને ૪ આના લેવાના. આમ​, ૨ આનાના નફા ઉપર ભોજન​, વસ્ત્ર​, ભાડું વગેરે નભાવ​વાનું. એ પૂરણચંદ શેઠ મટી “પુણિયા શ્રાવક​” તરીકે પ્રસિદ્ધ પામ્યા.
    કેવો ધર્મ રંગ​?
    કેવો ત્યાગ​?
    આને નજર સામે રાખીને આપણે અંશે અંશે તો ત્યાગ કરી શકીએ ને?
  • તેવામાં એક વખત રાજગૃહિ નગરીમાં શ્રી વીરપ્રભુ પધાર્યા અને પુણિયો શ્રાવક પ્રભુની દેશના સાંભળવા ગયો, દેશનામાં સાધર્મિક ભક્તિ એ શ્રાવકનું રોજીંદું કર્ત​વ્ય છે એ વાત આવી અને તેના મનમાં થયું કે સાધર્મિક ભક્તિનું કર્ત​વ્ય હું બજાવી શકતો નથી અને ધર્મ માટે વધારે પાપ કર​વાનો પથારો કર​વો નથી.
  • તેથી તેના મુખ ઉપર દુ:ખ દેખાય છે. ત્યારે તેની પત્નિએ તેને પુછ્યું કે આજે કેમ ચિંતામાં દેખાવ છો? તો તેના જ​વાબમાં પુણિયાએ કહ્યું કે હું એટલું કમાઉ છું આપણા બે ના જીવનનિર્વાહ થાય અને પ્રભુએ આજે સાધર્મિક ભક્તિનું કર્ત​વ્ય શ્રાવકે બજાવ​વાનું હોય છે એવું દેશનામાં કહ્યું તો એ કર્ત​વ્ય આપણે બજાવી શક્તા નથી અને વધુ ધંધો કર​વાની મારી ઇચ્છા નથી, તો આ કર્ત​વ્ય કેવી રીતે બજાવ​વું તેની મને ચિંતા છે.
  • પત્નિ: એમાં શું, એક દિવસ તમે ઉપ​વાસ કરજો અને એક દિવસ હું ઉપ​વાસ કરીશ એટલે ધંધો પણ વધારે નહીં કર​વો પડે અને સાધર્મિક ભક્તિ પણ થઇ જશે.
  • પુણિયો શ્રાવક આ સાંભળીને ખુશ થઇ ગયો અને એ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરી.

અહીં તેની પત્નિને એવો વિચાર ન આવ્યો કે તમે વધુ કમાવ તો આપણે સાધર્મિક ભક્તિ કરીએ.

આમ આપણે પણ ૨૪ કલાક જો ચિતમા-મનમા ધંધો બેઠો હોય તો પુણિયા શ્રાવકની જેમ તો કદાચ ન બને પરંતુ અંશે અંશે તો ત્યાગ કરી શકીએ ને?

હ​વે પછીના ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે વધુ તેમજ સમતા વિશે શ્રીપાળ રાજાના ઉદાહરણ સાથે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો