🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

પૃથ્વીકાય અને અપકાયની જયણા કેવી રીતે પાળશો?

આગળના ભાગમાં આપણે નિગોદ અને ફુગની જયણા કેવી રીતે પાળશો? એ વિશે જોયું હતું.

હ​વે આગળ

L - જયણા


પૃથ્વીકાયની જયણા

  • માટી, પત્થર, ખનિજો, ધાતુઓ, રત્નો વગેરે પૃથ્વીકાયના શરીરો છે. ગમનાગમન, વાહનવ્યવહાર, અન્ય શસ્ત્ર​સંસ્કાર વગેરેથી પૃથ્વીકાય અચિત્ત બને છે. જીવનવ્યવહારમાં નિરર્થક સચિત્ત પૃથ્વીકાયની વિરાધના ન થાય તેની કાળજી રાખવી જોઈએ.

  • મીઠું, ખારો વગેરે સચિત્ત ક્ષાર છે. કુંભારની કે કંદોઈની ભઠ્ઠીમાં પકાવેલું મીઠું અચિત્ત થાય છે અને દીર્ઘકાળ સુધી તે અચિત્ત રહે છે. ઘરમાં તાવડી કે લોઢી પર વ્યવસ્થિત શેકેલું મીઠું અચિત્ત થાય છે પરંતુ તે લાંબો સમય અચિત્ત રહેતું નથી.

  • ચૂલા ઉપર ચડતા દાળ શાકમાં નાંખેલું મીઠું અચિત્ત થઈ જાય છે પરંતુ અથાણામાં, મસાલામાં, મુખવાસમાં કે ઔષધાદિમાં જો ચૂલા ઉપર સંસ્કાર ન થવાનો હોય તો અચિત્ત મીઠું જ વાપરવું.

  • કોઈ પણ ખાદ્ય પદાર્થમાં જમતી વખતે ઉપરથી સચિત્ત મીઠું ન નાંખવું.

અપકાયની જયણા

  • કાચા પાણીનાં પ્રત્યેક ટીપાંમાં અસંખ્ય અપકાય એકેન્દ્રિય જીવો રહેલા છે. પાણીનો બેફામ વપરાશ તો ન જ કરાય. પાણીનો નિરર્થક ઉપયોગ ન જ કરાય.
    • પાણીનાં એક બિંદુમાં અસંખ્ય જીવો હોય છે. તે બધા અત્યંત સૂક્ષ્મ શરીરવાળા હોવાથી એક બિંદુમાં સમાઈ જાય છે. પરંતુ, તે બધા જો કબૂતર જેવડું શરીર ધારણ કરે તો એક બિંદુમાં રહેલા પાણીના જીવો આખા જંબૂદ્વીપમાં પણ ન સમાય.
    • અળગણ પાણીનાં બિંદુમાં ઘણા ત્રસ​ જીવો પણ હોય છે.
    • પાણી ઢોળાયેલું રહેવાથી ગંદકી થાય અને મચ્છર વગેરે અનેક જીવો પેદા થાય.
    • પાણી એક જગ્યાએ વધારે પડ્યું રહે તો તેમાં લીલ સેવાળ બાઝી જાય.
    • એંઠું પાણી બે ઘડીથી વધારે રહે તો સંમૂર્છીમ​ જીવો ઉત્પન્ન થાય.
    • જમીન ઉપર પાણી ઢોળાવાથી કોઈ લપસી જાય કે પડી પણ જાય.
    • પાણી ખુલ્લું રાખવાથી ઊડતા જીવજંતુ તેમાં પડીને ડૂબી જાય.
    • સમુદ્રકિનારે ફરવા જનાર કિનારાના ઉછળતા મોજામાં શોખથી ઊભો રહે તો આખા સમુદ્રના પાણીના ઉપભોગની અનુમોદના લાગે.
    • સાબુ એ અપકાયના જીવો માટે શસ્ત્ર છે.

અપકાયની જયણા માટે નીચેની કાળજી ખાસ રાખો

  • પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, પાણી ઘીની જેમ વાપરો

  • નળ ખુલ્લો વહેતો ન રાખો

  • દાઢી કરવા, દાતણ કરવા, સ્નાન કરવા, હાથ મોં ધોવા, કપડા ધોવા, વાસણ માંજવા કે અન્ય કોઈ પણ કાર્ય માટે જરૂર પૂરતું પાણી એક ગ્લાસ ટબ કે બાલદીમાં લઈને જ તે કાર્ય પતાવો. આ બધી પ્રવૃત્તિ નળ ખુલ્લો રાખીને ન કરો

  • વારંવાર નહાવાની અને હાથ-મોં ધોવાની ટેવ છોડો

  • પાણી ન ઢોળાય તેની કાળજી રાખો

  • પાણીના વાસણો ખુલ્લા ન રાખો

  • પાણીનો નળ લીક ન થતો હોય તેનું ધ્યાન રાખો

  • ઘર બંધ કરીને બહાર જતા પૂર્વે ચકાસી લો કે કોઈ નળ ખુલ્લો તો રહી ગયો નથી ને!

  • ઠંડુ અને ગરમ પાણી ભેગું ન કરો

  • શક્ય બને તેટલો સાબુનો ઉપયોગ ટાળો

  • વરસાદમાં જાણી જોઈને પલળવું નહિ

  • પાણીના ફુગ્ગા ભરીને ફોડવા નહિ. હોળી રમવી નહિં

  • વરસાદમાં પાણી ભરાઈ ગયા હોય તેમાં ચાલવું અનિવાર્ય જ હોય તો પણ પગ ઘસડીને તો ન જ ચાલવું પણ દરેક ડગલે પગ ઊંચો કરી પછી મૂકવો

જલાશ્રિત ત્રસ સ્થાવર જીવોની જયણા

  • પાણી સ્વયં અપકાય જીવોનું શરીર છે. આ અપકાય જીવો એકેન્દ્રિય છે. તે ઉપરાંત અળગણ પાણીમાં હાલતા ચાલતા સૂક્ષ્મ ત્રસ જીવો પણ પુષ્કળ હોય છે, પૌરા વગેરે બેઇન્દ્રિયાદિ જીવો પાણીમાં હોય છે.
    • અળગણ પાણીના ઉપયોગથી કે બેદરકારીથી પાણીનો ઉપયોગ કરવાથી આ બધા ત્રસ જીવોની હિંસા થાય છે. હાલતા-ચાલતા ત્રસ જીવો આપણાં જડબાં વચ્ચે ચવાઈ જવાથી અધ્યવસાય કેટલા ક્રૂર બને? અપકાય જીવોની વિરાધના તો આપણે કરીએ જ છીએ પણ ત્રસકાય જીવોની હિંસાનું પાપ શા માટે બાંધવું?
    • ગીઝરમાં અળગણ પાણી જ સીધું ગરમ થઈ જવાથી હજારો લાખો ત્રસ જીવો બળીને ભડથું થઈ જાય છે. વોટર કુલર વગેરેમાં પણ પાણીના ત્રસ જીવોની પુષ્કળ વિરાધના છે. પાણીના વાસણો ખુલ્લા રાખવાથી પણ તેમાં ઘણાં ત્રસ જીવો પડીને મરી જાય છે. પાણી બંધીયાર રહેવાથી તેમાં દેડકા-માછલી જેવા પંચેન્દ્રિય જીવો પણ, ઉત્પન્ન થવાની સંભાવના છે.

જલાશ્રિત ત્રસ સ્થાવર જીવોની જયણા માટે નીચે મુજબની કાળજી ખાસ રાખો

  • દરેક કાર્યમાં પાણી ગાળીને જ વાપરો

  • પાણી ગાળ્યા પછી ગળણાંને સીધું સૂકવી ન દેવાય. પરંતુ, તે ગાળેલા પાણીને ખૂબ ધીમેથી ગળણાં પર રેડીને તે પાણી તે પાણીના મૂળ સ્થાનમાં વહાવી દેવું. ત્યાર પછી જ ગળણાંને સૂકવી શકાય

  • ઘરની બહાર જવાનું થાય ત્યારે ગાળેલા પાણીની વોટરબેગ સાથે રાખો, જેથી ગમે ત્યાં અળગણ પાણી વાપરવું ન પડે

  • ગીઝરનો ઉપયોગ બંધ કરો

  • સ્વિમિંગ પૂલ વગેરેમાં તરવાનો કે વોટરપાર્કમાં છબછબીયા કરવાનો શોખ છોડી દો

  • કપડાં ધોવા ધોબીને કે લોન્ડ્રીમાં ન આપો

  • શાવરબાથનો ઉપયોગ ન કરો

  • જાજરૂના ફલશમાં પણ પુષ્કળ અળગણ પાણી વહી જાય છે. તેનો યોગ્ય વિકલ્પ અપનાવો

  • પાણીનાં વાસણ ઢાંકીને જ રાખો

  • હોટલોમાં, બજારૂ વાનગીઓ, ઠંડા પીણાં વગેરેમાં અળગણ પાણી વપરાય છે. તેનો ત્યાગ કરો

  • વોટર કુલરનું પાણી ન પીઓ

  • બિસલેરી વગેરે મીનરલ વોટરનો ત્યાગ કરો

  • આગલા દિવસનું ગાળેલું પાણી પણ બીજા દિવસે અળગણ બને છે તેથી ગાળીને જ વાપરવું

  • નળવાળા માટલામાં નળનો ભાગ સતત ભીનો રહેવાથી તેમાં નિગોદ, લીલ થવાની સંભાવના છે. નળવાળા માટલાને સાંજે ખાલી કરીને નળમાંથી ચોખ્ખું કપડું આરપાર નાંખી નળનો અંદરનો ભાગ બરાબર સાફ કરવો જોઈએ. નળવાળા માટલાને બદલે નળ વગરના માટલા અને પાણી લેવા માટેના ડોયાની વ્યવસ્થા સર્વોત્તમ છે

  • એકના એક માટલામાં રોજ પાણી ભરવાથી તેમાં લીલ થઈ જવાની શક્યતા છે. તેથી પાણીના બે માટલા રાખવા જોઈએ અને તેનો વારા ફરતી ૧-૧ દિવસ ઉપયોગ કરવો જોઈએ. અથવા ૩-૪ દિવસ એક માટલાને વાપર્યા બાદ ૩-૪ દિવસ તેને કોરું રાખવું અને તે દરમ્યાન બીજા માટલાનો ઉપયોગ કરવો

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો