ભાગ ૩: પ્રદેશી રાજા અને શ્રી કેશી ગણધર મહારાજા વચ્ચે થયેલો આત્મા વિશેનો સંવાદ
આગળનાં ભાગમાં આપણે જોયું કે સર્વજ્ઞ શ્રી મહાવીર સ્વામી ભગવાને ઇન્દ્રભૂતિ-વિપ્ર(ગૌતમ સ્વામી) નો આત્મા અંગેનો સંશય કઇ રીતે દુર કર્યો. આ ભાગમાં આપણે પ્રદેશી રાજા અને શ્રી કેશી ગણધર મહારાજા વચ્ચે થયેલો આત્મા વિશેનો સંવાદ જોઇશું.
-
”આત્મા નથી” એ માન્યતાને અનુસારે પ્રદેશી રાજાએ શ્રી કેશી ગણધર મહારાજાને પૂછેલા પ્રશ્નો:
- પ્રદેશી રાજા: ગુનેગાર એવા ચોરને લોઢાની કોઠીમાં પૂરી, ઢાંકણું મજબુત રીતે બંધ કરી કે જેમાં હવા પણ ન જઇ શકે અને તે ગુનેગાર જ્યારે અંદર મરણ પામ્યો ત્યારે ફક્ત શબ જ અંદર હતું. કોઠીની અંદર અને બહાર તપાસ કરવા છતા, કોઇ સ્થળે છીદ્ર જણાયું નહીં કે જેમાંથી આત્મા બહાર નીકળી જાય.
-
શ્રી કેશી ગણધર મહારાજા: જ્યાં કોઇપણ જાતનું છીદ્ર નથી એવા ભોંયરામાં શંખ સાથે એક માણસ જાય અને તે ભોંયરાનું દ્રાર બંધ કરી દેવામાં આવે અને અંદર રહેલ માણસ શંખ ને વગાડે તો બહારના ને સંભળાય? અવાજ છીદ્ર વિના પણ ભોંયરામાંથી બહાર આવી શકે છે તો પછી આત્મા તો અરૂપી છે તો વિના છીદ્રે બહાર નીકળે તો એમાં નવાઇ શું?
- પ્રદેશી રાજા: એક ચોરનું જીવતા તેનું વજન કર્યું અને તત્કાલ મૃત્યુ પામતા તેનું વજન કર્યું છતા વજનમાં ફરક પડ્યો નહીં, જીવતા જીવ હોય તો વજન વધવું જોઇએ અન મૃત્યુ પામતાં જીવ નીકળી જતા વજન ઘટવું જોઇએ. એટલે કે આત્મા નથી જ.
-
શ્રી કેશી ગણધર મહારાજા: હે રાજન, ચામડાની ધમણ હોય, તેમાં હવા ભરીને વજન કરવામાં આવે અને હવા કાઢીને વજન કરવામાં આવે છતા, બંને નું વજન એકસરખું થાય છે. જરા પણ ફરક પડતો નથી તે જ રીતે આત્મા સાથે અને આત્મા વગર શરીરનું વજન સમાન જ રહે છે.
- પ્રદેશી રાજા: જીવને જોવા માટે મેં એક ચોરના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યાં તો પણ શરીરના કોઇ પણ ભાગમાંથી જીવ જોવામાં આવ્યો નહીં તો જીવ છે એ કેવી રીતે મનાય?
-
શ્રી કેશી ગણધર મહારાજા: હે રાજન, જેમ અરણિના લાકડામાં અગ્નિ છે, એના ગમે તેટલા ઝીણાં ઝીણાં ટુકડા કરવામાં આવે તો પણ અગ્નિ દેખાશે જ નહીં તેમ શરીરના ગમે તેટલા ટુકડે ટુકડા કરવામાં આવે તો પણ જીવ દેખાશે જ નહીં.
- પ્રદેશી રાજા: મારા દાદા આ નગરીના રાજા હતા અને ઘણા અધાર્મિક હતા અને પ્રજાની બરાબર સારસંભાળ પણ ન કરતા એટલે ધર્મ પ્રમાણે મરીને એ નર્કમાં જ ગયા હોવા જોઇએ. તો હું એમનો વહાલો પૌત્ર છું અને મારા ઉપર ઘણું હેત હતું તો જો એ નર્ક માં ગયા હોય તો મને અહીં આવીને એટલું તો જણાવે જ કે “તુ કોઇ પણ પ્રકારનો અધર્મ કરીશ નહીં કારણ કે તેના ફળ રૂપે નરકમાં જવું પડે છે અને ભયંકર દુ:ખો ભોગવવા પડે છે” પણ તે હજી સુધી મને કોઇ વાર કહેવા આવ્યા નથી માટે જીવ અને શરીર એક જ છે અને પરલોક નથી એવી મારી માન્યતા છે.
-
શ્રી કેશી ગણધર મહારાજા: હે રાજન્! તારે સૂર્યકાંતા નામે રાણી છે. એ રૂડી-રૂપાળી રાણી સાથે કોઇ રૂડો રૂપાળો પુરુષ માનવીય કામસુખનો અનુભવ કરતો હોય તો એ કામુક પુરુષને તું શું દંડ કરે?
- પ્રદેશી રાજા: હે ભંતે! હું એ પુરુષનો હાથ કાપી નાખું, પગ છેદી નાખું અને તેને શૂળીએ ચડાવી દઉં, અથવા એક જ ઘાએ તેનો જાન લઉં.” શ્રી કેશી ગણધર મહારાજા: હે રાજન એ કામુક પુરુષ તને એમ કહે કે “હે સ્વામી ઘડીક થોભી જાઓ, હું મારા કુટુંબીઓ તથા મિત્રોને એમ કહી આવું કે કામવૃત્તિને વશ થઈ હું સૂર્યકાંતાના સંગમાં પડ્યો, તેથી મરણની શિક્ષા પામ્યો છું. માટે તમે ભૂલેચૂકે પાપાચરણમાં ન પડશો. તો એ પુરુષનું એવું કાકલુદી ભરેલું વચન સાંભળીને તું એને સજા કરતો થોડી વાર થોભી જાય ખરો?”
-
પ્રદેશી રાજા: “હે ભંતે! એમ તો ન બને જરાયે ઢીલ કર્યા વિના હું તેને શૂળીએ ચડાવી દઉં” શ્રી કેશી ગણધર મહારાજા: “હે રાજન! તારા દાદાની હાલત પણ આવી જ છે. તે પરતંત્રપણે નરકનાં દુઃખ ભોગવી રહ્યો છે, એટલે તને કહેવા શી રીતે આવી શકે”
- પ્રદેશી રાજા: “ મારી દાદી ઘણી ધાર્મિક હતી, સંયમ તથા તપ વડે પોતાના આત્માને ભાવિત કરતી હતી તેથી એ સ્વર્ગમાં ગયેલી હોવી જોઈએ. તેણે સ્વર્ગમાંથી આવીને મને એમ કહેવું જોઈતું હતું કે - હે પૌત્ર! તું પણ મારા જેવો ધાર્મિક થજે , જેથી તને સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થશે. પણ તે હજી સુધી મને એવું કહેવા આવ્યા નથી, એટલે સ્વર્ગની વાત મારા માન્યામાં આવતી નથી. તેથી જીવ અને શરીર જુદાં નહીં પણ એક જ છે, એવી મારી માન્યતા છે.”
-
શ્રી કેશી ગણધર મહારાજા: તું દેરાસર જવા માટે પગલાં ઉપાડે, ત્યાં પાયખાનામાં(ટોઇલેટ) બેઠેલો કોઈ પુરુષ તને એમ કહે કે તમે અહીં પાયખાનામાં આવો અને બેસો તો શું તું એ વાતને સાંભળે ખરો?
- પ્રદેશી રાજા: પાયખાનું ઘણું ગંદુ હોય છે, એવી ગંદી જગામાં કેવી રીતે જઈ શકું?
- શ્રી કેશી ગણધર મહારાજા: હે રાજન! દેવ થયેલી તારી દાદી સ્વર્ગનાં મોજશોખ તરફની અભિરુચિ ના કારણે અહીં તને કહેવા ન આવે કે પોતે સ્વર્ગ માં છે બીજું મનુષ્યલોકની દુર્ગધ ઘણી હોય છે તે ઉપર ચારસો પાંચસો યોજન સુધી દુર્ગંધ ફેલાય છે તેને દેવ સહી શકતા નથી.
આમ, પ્રદેશી રાજા પણ આત્મા છે તેમ માનવા લાગ્યા.
હવે પછીનાં ભાગમાં આપણે જૈનદર્શન પ્રમાણે આત્માનું સ્વરૂપ વિશે જાણીશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶