🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૭: પ્રદક્ષિણા શા માટે?

આગળનાં ભાગમાં આપણે જિનશાસનના ઇતિહાસમાં નોંધાયેલી તિલક માટેનીે કુરબાની વિશે જોયું.

 • તિલક કર્યા બાદ દેરાસરના મુખ્ય દ્રાર પાસે ઉભા રહી પ્રભુજીનું મુખ જોઇને અંજલિબદ્ધ મસ્તક નમાવી નમો જિણાણં કહેવું. અંજલિબદ્ધ વિશે આપણે ભાગ ૯ માં વિસ્તારથી જોયું, અંજલિબદ્ધ પ્રણામ કર્યા બાદ:

પ્રદક્ષિણા:

 • પ્રદક્ષિણા માં પ્ર એટલે પ્રકર્ષતાથી એટલે કે સારી રીતે દક્ષિણા.
 • જમણી તરફ કરવું તે પ્રદક્ષિણા.
 • દક્ષિણ એટલે જમણું અને જમણું એટલે મુખ્ય. અને ડાબુ એટલે ગૌણ.

પ્રદક્ષિણા શા માટે?

 • આપણો આત્મા સંસારની ચાર ગતિમાં ૮૪ લાખ યોનિમાં અનંતકાળથી અનંત જન્મમરણ કરતો ભટકી રહ્યો છે, તે ભવભ્રમણ નો અંત જ્ઞાન ‌- દર્શન - ચારિત્ર - આ રત્નત્રયી ગુણની પ્રાપ્તિથી થશે.
 • એ રત્નત્રયીની પ્રાપ્તિ માટે જીવહિંસા ન થાય તે રીતે જમીન પર નીચી નજર રાખીને ત્રણ પ્રદક્ષિણા દેવાની છે.

 • પ્રદક્ષિણા દેતા સમવસરણમાં બિરાજમાન ભાવ અરિહંતની ભાવના ભાવવી. મુખ્ય મૂળનાયક ભગવાન તથા ભમતિમાં ૩ ગોખલામાં રહેલી ૩ પ્રભુમૂર્તિઓને જોઇ નમન કરતા જવું અને સમવસરણમાં ચતુર્મુખ બિરાજમાન ભગવંતની ભાવના કરવી એમ સમવસરણ જેવી આ રચના છે અને એમાં આપણે હાજર છીએ અને સાક્ષાત પરમાત્માનાં - ભાવતીર્થંકર પ્રભુના દર્શન કરીએ છીએ.

 • આજ સુધી આપણે સંસારના પદાર્થોને જ મુખ્ય રાખ્યા છે. માણસ ૨૪ કલાક દુન્યવી ચીજોને પ્રદક્ષિણા કરતો ફરે છે. તેના કેન્દ્રમાં ક્યારેક ધન તો ક્યારેક શરીર તો ક્યારેક સ્ત્રી હોય છે. આમ, પૌદગલિક પદાર્થો પાછળ જ પ્રદક્ષિણા હોય છે. પણ અહીં પરમાત્માને કેન્દ્રમાં રાખી પ્રદક્ષિણા દઇએ છીએ એટલે કે જીવનમાં મુખ્ય સંસારના પદાર્થો નહીં પરંતુ પરમાત્માની આજ્ઞાને સ્થાપી રહ્યો છું. અને એટલે જ પ્રદક્ષિણાની શરૂઆત આપણે પરમાત્માના જમણા હાથથી કરીએ છીએ. એટલે પ્રદક્ષિણા ફરતી વખતે પરમાત્મા આપણા જમણા હાથે રહે છે. ૩ વાર પરમાત્માની ચારે તરફ ફરીએ છીએ તો ચારે તરફ પરમાત્મા આપણા જમણા હાથ તરફ જ રહે છે. એટલે મારા જીવનમાં પરમાત્માની આજ્ઞા જ મુખ્ય. બાકીના બધા જ પદાર્થો ગૌણ.

 • પરમાત્માને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા ફરતા એક પ્રકારનું મેગ્નેટીક સર્કલ રચાય છે. એ સર્કલ ભીતરની કર્મવર્ગણાઓને છિન્નભિન્ન કરી નાંખે છે. લખલૂટ કર્મો પ્રભુને પ્રદક્ષિણા કરતા નિર્જરી જાય છે.

 • પ્રદક્ષિણા એક અત્યંત આવશ્યક અને તાંત્રિક વિધિ છે. ઘણા માણસો આ મહિમાને સમજતા નથી અને માત્ર દર્શન કરીને રવાના થઇ જાય છે.

 • આજ સુધી આપણે અવળી ચાલે ચાલ્યા… હવે મારે અવળી ચાલે ચાલવું નથી, સીધી ચાલે ચાલવું છે કેમ કે પ્રદક્ષિણા સીધે હાથથી જ દેવાય છે.

પ્રદક્ષિણા જમણા હાથે જ કેમ?

 • લગ્ન વખતે દેવાતા ફેરા પણ જમણા હાથથી જ દેવાય છે.
 • લગ્ન વખતે હસ્તમેળાપ પણ જમણા હાથે..
 • રૂપિયાની લેવડ-દેવડ પણ જમણા હાથથી..
 • સલામ પણ જમણા હાથે ભરાય છે.
 • ભોજન ની ક્રિયા પણ જમણા હાથથી..
 • લખવાની પદ્ધતિ પણ જમણા હાથે હોય છે..
 • પૂજા પણ જમણા હાથે જ કરવાની હોય છે..

ટુંકમાં જમણો હાથ મુખ્ય, પવિત્ર, સીધો, એથી પરમાત્માને જમણે હાથે રાખીને પ્રદક્ષિણા દેવાય છે.

હ​વે પછીનાં ભાગમાં આપણે પ્રદક્ષિણા દેતી વખતે શું બોલ​વાનું હોય છે? એ વિશે જોઇશું
શેર કર​વા નીચે ક્લિક કરો