🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬૮: દેરાસર​-ઉપાશ્રયમાં જઈને ય કે દાનતપ કરીએ પણ પરદોષ જોવાની આદત છુટતી જ નથી.

આગળનાં ભાગમાં આપણે જોયું કે અહંકારથી બે દોષની ઉત્પત્તિ થાય છે.
૧) પરદોષદર્શન અને
૨) સ્વગુણદર્શન​.

આ ભાગમાં આપણે પરદોષ વિશે વિગતથી જોઇએ…

પરદોષ


દેરાસર​-ઉપાશ્રયમાં જઈને ય કે દાનતપ કરીએ પણ પરદોષ જોવાની આદત છુટતી જ નથી.

  • દેરાસર જઇએ ત્યારે પણ આ કેમ વચ્ચે ઉભા છે?
  • પેલા કેમ રાગડા તાણીને ગાય છે?
  • ટ્રસ્ટીઓ કેમ અહીં ડોકાતા જ નથી?
  • અભિષેક આ રીતે કર​વો જોઇએ?
  • ભગવાનને પૂંઠ કરીને પાછા ન ચાલો.
  • પ્રભુને ફૂલ-પાંખડીઓ તોડીને ન ચડાવાય;

આમ બીજાના દોષ જ જોઇએ છીએ. પોતાનામાં કોઈ ત્રુટિ છે?
ના, જાણે કશી નથી.

બીજાને આવી શિખામણ આપવાથી અથ​વા મનમાં આમ વિચાર​વાથી કે

આ ભાઈએ આમ કરવું જોઈએ, ને આણે આમ… વળી આ ભાઈએ આમ કર્યું હોત તો ઠીક થાત….

  • આવું આવું વિચારનાર-બોલનારનું ધ્યાન માત્ર બીજાઓ ઉપર છે, હવે એ પોતાના આત્મા પર ધ્યાન ક્યારે લઈ જવાનો ?

  • પોતે દર્શન-પૂજા આદિ કરી રહ્યો હોય ત્યારે પણ બીજાઓની વાત-વસ્તુમાં મન ઘાલનારો પોતાના આત્મામાં મન ક્યાંથી પોર​વી શકે?

ધર્મક્રિયા વખતે પણ સ્વાત્મ​-વિચારનો અભ્યાસ નહીં રાખનારો સાંસારિક પ્ર​વૃતિ વખતે તો સ્વાત્માનો વિચાર ક્યાંથી કરશે?

અહીં એવું પણ બનશે કે કોઇ વ્યક્તિ પ્રથમ​વાર પૂજા કર​વા આવેલ હોય અને તેની ભૂલો પડતી હોય તો તે ભૂલો બધાની વચ્ચે તેમને બતાવવાથી કદાચ તે વ્યક્તિ ફરી પૂજા કર​વા ન પણ આવે અથ​વા બંધ થઇ જાય તો તે દોષ કોને લાગે?

ખરેખર તો ભૂલ કાઢ​વાની ભૂલ જ ન કર​વી જોઇએ.

જે વ્યક્તિની આપણે ભૂલ કાઢતા હોઇએ તે વ્યક્તિને:

  • આપણા પ્રત્યે આદર ધરાવે છે?
  • આપણા વચનની અપેક્ષા રાખે છે.
  • તેને હિતકર એટલે કે સારૂ લાગે છે.

જો તે હા માં હોય તો તેની ભૂલ કાઢી તેને બતાવ​વી અને તે પણ અવસરે બતાવ​વી. પ્રભુએ પણ ચંડકોશિયાને ફક્ત બે શબ્દો: “બુજઝ - બુજઝ” કહેવા માટે પહેલા પ્રભુએ ચંડકોશિયાનો ડંખ ખાધો પછી જ “બુજઝ - બુજઝ” કહ્યું.

આમ તો મોટે ભાગે ભૂલ બતાવ​વામાં અહંકાર કારણ હોય છે કે મને બધુ આવડે છે, હું વધુ સમજદાર છું, પોતાની જાતને સારી બતાવ​વાનો ભાવ હૈયામાં હોય છે.

જ્યારે જેની ભૂલ બતાવ​વામાં આવે છે અને બધાની વચ્ચે કંઇપણ કહેવામાં આવે એટલે તેનો અહંકાર ડિસ્ટર્બ થાય છે. મનમાં એમ થાય છે કે તું બીજાની પંચાત શા માટે કરે છે?

ભૂલને કેવી રીતે સુધારવી એ માટે આવશ્યક નિર્યુક્તિમાં એક​ દ્રષ્ટાંત છે:

એક ભરવાડ અને ભરવાડણ ઘીનો વેપાર કરે છે. ઘીના ઘડા લઈને બીજે ગામ વેચવા જાય છે. એકવાર ગાડું ભરીને ઘરે આવ્યા. અને હવે ગાડું ખાલી કરવા માટે ભરવાડ એકેક ઘડો ભરવાડણના હાથમાં આપે છે, ભરવાડણ હાથમાં લઈને ગોઠવે છે. રોજના ક્રમ પ્રમાણે ભરવાડ ફટાફટ ઘડા આપે છે. ભરવાડણ હાથમાં લઈને ગોઠવે છે. એટલામાં બન્યું એવું કે ભરવાડણને ઘડા સરખા ગોઠવવામાં વાર લાગી અને ભરવાડે તો પોતાની ટેવ પ્રમાણે ઘડો આપ્યો. ઘડો નીચે પડ્યો અને ફૂટી ગયો. બધું ઘી ઢોળાઈ ગયું.

ભર​વાડને ગુસ્સો આવ્યો. એણે કહ્યું કે

શું કરતી હતી? તારે ધ્યાન ન રાખ​વું જોઇએ?

ભરવાડણને સામો ગુસ્સો આવ્યો. એણે કહ્યું કે

તમારે ધ્યાન ન રાખવું જોઈએ ? મારા હાથ આવ્યા છે કે નહીં એ જોયા વગર ઘડો મૂકાય નહીં ને?

બંને એકબીજા ઉપર ગુસ્સો કરીને બોલે છે. વાત વધી ગઈ. ભરવાડને ખુબ ગુસ્સો આવ્યો કે પોતાની ભૂલ સ્વીકારતી નથી ને સામું બોલે છે? એટલે એને ગાડામાં પડ્યા હતા એ ઘડા લઈ લઈને છૂટા ફેંકવા માંડ્યા. ભરવાડણે પણ નીચે પડેલા ઘડા લઈને સામે ફેંક્યા. પરિણામ શું આવ્યું? બધા જ ઘડા ફૂટી ગયા. ઘી ઢોળાઈ ગયું અને બંનેને અબોલા થયા.

શાસ્ત્રમાં આ જ દષ્ટાંત બીજી રીતે પણ આપ્યું છે.

ઘટના આ જ છે. ભરવાડણ ઘડા ગોઠવે છે એટલામાં ભરવાડે ઘડો આપ્યો અને ભરવાડણનું ધ્યાન નહોતું તેથી ઘડો ફૂટી ગયો. ભરવાડણ તરત જ બોલી કે

મારી ભૂલ થઇ ગઇ, મારે પહેલા ઘડો લેવો જોઇએ. ઘડા તો પછી પણ સરખા કરી શકાય​.

એ સાંભળીને ભરવાડે કહ્યું કે

તારી ભૂલ નથી. મારી જ ભૂલ છે. તારો હાથ લાંબો થયો છે કે નહીં એ જોયા વગર મેં ઘડો આપ્યો એટલે ઘડો ફૂટી ગયો.

પણ હ​વે જે બન​વાનું હતુ તે બની ગયું. આપણે જેટલું ઘી લેવાય એટલું લઇ લઇએ એમ કહી એણે ઘી લેવાય એટલું લેવાનું શરૂ કર્યું. ભર​વાડણે પણ એમા સાથ આપ્યો. બન્ને એ ઘી ભેગુ કર્યું. પરિણામ શું આવ્યું? બહુ જ થોડું નુક્શાન થયું અને પરસ્પર પ્રેમ વધ્યો.

આમ​, અહીં ઘડા ફૂટ​વામાં જ્યારે પરદોષદર્શન કર​વામાં આવે છે ત્યારે અહંકારના લીધે શું નુકશાન થાય છે તે આપણે પહેલા દ્રષ્ટાંત દ્રારા જોયું અને જ્યારે ભૂલનો સ્વીકાર કર​વામાં આવે છે તે બીજા દ્રષ્ટાંત માં પરસ્પર પ્રેમ વધ્યો તે જોયું.

હ​વે પછીના ભાગમાં આપણે પરદોષ વિશે વધુ જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો