🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪૯: સાચો જૈન એ છે કે જે સંપૂર્ણ સ્યાદવાદ જાણે છે, પણ અધુરો નહીં જેમ કે નિશ્ચય માર્ગમાં અનેકાંત ન સમજે પણ એકાંત પકડી રાખે એવો ન હોય

આગળનાં ભાગમાં જિન​-જિનશાસન-શ્રી ન​વકાર મંત્ર​-સંયમ​-ધાર્મિક ક્રિયાઓ વગેરે પામ્યાની આંસુભરી અનુમોદના કરતા રહેવું જોઇએ, એ વિશે જોયું…

૨૧A.નિશ્ચય-વ્યવહાર


 • બાહ્ય સાધના એ વ્યવહાર છે તો પરિણતી એ નિશ્ચય છે. શ્રી જૈન શાસનમાં દ્રવ્ય અને ભાવ, તથા નિશ્ચય અને વ્યવહાર એ  આરાધના રથના બે પૈડાં છે, રથ એક પૈડાથી ન ચાલે, બે પૈડા ઉપર જ ચાલે. જિનમત પ્રમાણે વ્યવહાર ન હોય તો શાસનનો ઉચ્છેદ થાય અને નિશ્ચય ન હોય તો તત્વનો ઉચ્છેદ થાય . 
 • વ્યવહાર એટલે બાહ્ય ક્રિયાઓ - આરાધનાઓ તથા શ્રાવકાચાર - સાધ્વાચાર એ જો કશા જ પાળવા જરૂરી ન હોય તો પ્રભુએ શા માટે ધર્મતિર્થની સ્થાપના કરી?

ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ૧૨૫ ગાથાના સ્તવનમાં કહ્યું છે કે,

નિશ્ચયદ્રષ્ટિ હ્રદય ધરીજી,
 પાળે જે વ્યવહાર ,
 પૂણ્ય વંત તે પામશેજી,
ભવસમુદ્રનો પાર ..

 • એટલે કે પાળવાનો વ્યવહાર છે અને વિચારવાનો નિશ્ચય છે. માટે કશું પાળ્યા વિના જે માત્ર વિચારવા ઉપર ભાર મુકે છે એટલે કે દ્રવ્યક્રિયા વિના ભાવને જ જરૂરી માને છે તે બિચારા ભૂલા પડે છે.

 • નિશ્ચય એ સ્ટેશન છે, વ્યવહાર એ મુસાફરી છે. મુસાફરી કરીએ તો સ્ટેશન આવે, મુસાફરી વિના સ્ટેશન ન આવે. સ્ટેશનને દૂરથી માત્ર જાણીએ અને મુસાફરી ન કરીએ તો પહોંચાય​ તો નહીં જ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું નિશ્ચય અને વ્યવહાર વિશે એક સરસ વિધાન છે. 

કોઇ કહે મુક્તિ છે વીણતાં ચીથરાં,
કોઇ કહે સહજ જમતાં ઘર દહીંથરા;
મૂઢ એ દોય , તસ ભેદ જાણે નહીં,
જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી

 • એટલે કે, કોઇ કહે છે મુક્તિ ચીંથરાં વીણવા જેવી કષ્ટસાધ્ય છે તો કહે છે કે મુક્તિ તો ઘરે દહીંથરા જમતા હોઇએ એવી સરળ છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે:

આ બેઉ મુર્ખ છે. જ્ઞાન દ્રારા (નિશ્ચય દ્રારા) ક્રિયાયોગને (વ્યવહારને) સાધતાં મુક્તિ મળે છે.

 • સાચો જૈન એ છે કે જે સંપૂર્ણ સ્યાદવાદ જાણે છે, પણ અધુરો નહીં જેમ કે નિશ્ચય માર્ગમાં અનેકાંત ન સમજે પણ એકાંત પકડી રાખે એવો ન હોય એવો જ વ્યવહાર માર્ગમાં એકાંત પકડી રાખી સ્યાદવાદ ન સમજતો હોય એવું સાચા જૈનમાં ન બને માટે આનંદઘનજી યોગીએ કહ્યું છે કે,

વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો

 • વચન એટલે જિનાજ્ઞા, એની અપેક્ષા વિનાનો વ્યવહાર જુઠો છે એટલે કે સાચો જૈન માત્ર આંખ મીંચીને ઘસડાનારો ન હોય પણ સાથે સાથે જ્ઞાનમાર્ગ અને નિશ્ચય સાધનાનો ઉદ્યમ કરનારો હોય.
 • એથી પણ આગળ કહે છે,

પરપરિણતી અપની કર માને, ક્રિયાગર્વે ગહિલો

 • એનો અર્થ એમ થાય કે એકલા ક્રિયા માર્ગની સાધનાના અભિમાનથી ઘેલો બનેલો જીવ તો બિચારો પરપરિણતીને પોતાની દશા કરી માને છે. પણ પોતાના આત્માની વિશુદ્ધ પરિણતી તરફ દ્રષ્ટિ જ નાખતો જ નથી.
  એ માત્ર એટલું જોશે કે

મારે શરીરથી ધર્મક્રિયા કેટલી થઇ?
કેટલા સામાયિક કર્યા?
દાનમાં ધન કેટલું ગયું? વગેરે…

 • આમ , માત્ર પરપરિણતી તરફ ધર્મ કર્યાનું પ્રમાણ માપશે પણ આત્માની પર્યાય દશામાં સુધારા-વધારા તરફ જરાય નહીં જુવે તો સાચા જૈનનું લક્ષણ નથી. 

 • પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ગોશાળાએ તેજોલેશ્યા પ્રભુ ઉપર છોડી છે. તે વખતે પ્રભુની પ૬ વર્ષની ઉંમર હતી. કેવળજ્ઞાન પછીનો ઉપસર્ગ આ છે, ૬ મહીના લોહીના ઝાડા થયા છે. શરીર અતિ કૃશ થઈ ગયું છે. સિંહઅણગાર અને ભક્તો પ્રભુને ઔષધોપચાર કરવા વિનંતિ કરે છે.
 • પ્રભુ કહે છે

હજી સોળ વર્ષ બાકી છે. હું મરવાનો નથી. તમે ચિંતા ન કરો.

 • પણ ના પ્રભુ!! આપ ઔષધોપચાર કરાવો. આપના શરીર સામું જોવાતું નથી. સિંહઅણગાર અતિ દુઃખી છે, પ્રભુનું દુઃખ જોઈ શકતા નથી. સિંહઅણગારનાં સાંત્વન માટે પ્રભુ તેમને રેવતી શ્રાવિકાને ત્યાં મોકલે છે. કોળાપાક વહોરીને લઈ આવો. પણ રેવતીએ એક મારા માટે બનાવ્યો છે અને બીજો પોતાના માટે બનાવ્યો છે. એને પોતાને માટે જે બનાવ્યો છે તે લાવજો. કેવળજ્ઞાનને પામેલા ભગવાન પણ વ્યવહારમાર્ગ કેટલો સાચવે છે. આધાકર્મી એટલે મારા માટે બનાવેલો નહીં લાવતા. જો આધાકર્મી લીધો હોત તો શું પ્રભુનો મોક્ષ અટકવાનો હતો? છતાં પ્રભુ આચારમાર્ગમાં ચુસ્ત રહ્યા છે.

 • ભાવને નિશ્ચય સાથે સંબંધ છે, ક્રિયાને વ્યવહાર સાથે સંબંધ છે, વ્યવહાર કારણને પકડે છે, નિશ્ચય કાર્યને પકડે છે. જગતમાં જેઓ ફક્ત ભાવ ભાવની જ વાતો કરે છે તે ભાવ એમનેમ નથી આવતો. જ્ઞાનીઓએ કહેલા આચારના પાલનથી ભાવ આવે છે. ક્રિયા ભાવને ખેંચી લાવે છે, ક્રિયાના બળ ઉપર ભાવ વૃદ્ધિ પામે છે. ક્રિયાના બળથી ભાવ ટકે છે. 

 • જેનામાં વ્યવહારના ઠેકાણા ન હોય તેની આગળ નિશ્ચયની વાતો ન કરાય. વ્યવહાર ધર્મ એ ઉપાશ્રય, દેરાસર પૂરતી વાત નથી. પણ ઉપાશ્રય, દેરાસરથી ઘરે જઇએ પછી પણ વ્યવહાર ધર્મની જરૂર છે. વ્યવહારધર્મ વ્યાપક છે. જીવનમાં ધર્મ વ્યાપક હોવો જોઇએ.

એનું બેરોમીટર શું?

 • જે ઇચ્છે તે જ બોલે, ગમે તેમ બોલાય નહીં. ગમે તેમ વર્તાય નહી, ગમે તેવી ચેષ્ટા ન કરાય આવો વ્યવહાર ધર્મ આવે ત્યારે ખોટી નીંદા, ટીકા, ટીપ્પણ, ખંડન, દ્રેષ નીકળી જાય છે.
 • જેને ખંડનનો બહુ રસ છે, છાશવારે ને છાશવારે ખંડન કરે છે તે ગમે તે રીતે વ્યવહારથી ઉથલી પડેલા છે. જેને નિશ્ચય ગમ્યો તે પારકાની પંચાત શું કામ કરે? જેને નિશ્ચય ગમ્યો તેને આત્મા ગમ્યો છે. અને જેને આત્મા ગમ્યો તેને કોઇનું ખંડન કરવું ન ગમે.

 • ક્રિયા ભાવોત્પાદક છે - ઉપાધ્યાયજી કહે છે કે

ચરમાવર્તી જીવ હોય ને જ્ઞાનીએ બતાવેલી ક્રિયાઓ હોય તો શુભભાવ લાવે જ છે.

 • સ્વરૂપદષ્ટિના લક્ષ્યે કરેલા અનુષ્ઠાનોની એ તાકાત છે. ક્રિયાથી ભાવ આવી શકે છે. ક્રિયામાં એ તાકાત પડી છે.
 • ક્રિયા ભાવ લાવવા સમર્થ છે આપણું પ્રણિધાન દઢ ન હોય અને ન આવે તો વાત જુદી છે. બાકી ક્રિયા ભાવ લાવી શકે છે. આમાંથી એક પણ હશે તો બીજું બધું ખેંચાઈને આવશે. 

 • પહેલાના વખતમાં ગામડામાં કોઈ મરી જાય ત્યારે છાતી કુટવાનો રીવાજ હતો. મરશીયા ગાતા જાય ને કુટતા જાય. એમાં નવી પરણેલી વહુ હોય, સાસરે ગયેલી હોય, જીવનમાં આવું જોયું ન હોય તોય તે કુટવા જાય! હા, પેલી બાઈઓની જેમ ફૂટે! હા, તેને આંખમાં આંસુ આવે? હા આવે. આમ, ક્રિયાની અસર થાય જ છે. 

હ​વે પછીના ભાગમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે વધુ જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો