🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫૩: નિશ્ચય-વ્યવહારનો સદુપયોગ કરી જાણનાર વિકાસ પામે છે જ્યારે દુરુપયોગ કરનારો વિનાશ પામે છે.

આગળનાં ભાગમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે જોઇ રહ્યા હતા…

૨૧E.નિશ્ચય-વ્યવહાર


 • આત્માને જોવાની બે દ્રષ્ટિ છે. 
  • ૧. નિશ્ચયદ્રષ્ટિ અને 
  • ૨. વ્યવહારદ્રષ્ટિ.

એનો સદુપયોગ કરી જાણનાર વિકાસ પામે છે જ્યારે દુરુપયોગ કરનારો વિનાશ પામે છે.

 • ઝેરનો દૂરુપયોગ કરનાર બિનઆવડતવાળો મૃત્યુ પામે છે જ્યારે વૈદ એ ઝેરમાંથી જ દવા બનાવી મહારોગ મટાડે છે.
 • નિશ્ચયદષ્ટિએ આત્મા શુદ્ધ બુદ્ધ - વીતરાગ-અનંતજ્ઞાની અને અક્રિય છે. જડના સંયોગથી એના આ મૂળભૂત સ્વરૂપનો લેશમાત્ર નાશ થતો નથી, કે એનામાં કશું વધતું નથી, એ સ્વરૂપ એનામાં અકબંધ રહેવા પર જડસંયોગ કશી વિપરીત અસર કરી શકતો નથી, આ શુદ્ધ સ્વરૂપ પર દ્રષ્ટિ કેળવાય તો જડ સંયોગોથી થતાં રાગદ્વૈષાદિ વિકારો મંદ પાડી શકાય.
 • હવે મનુષ્ય આ દ્રષ્ટિનો દુરપયોગ કરે છે એ પરથી એમ નક્કી કરી બેસે છે કે,
  • જડ શરીરની દાનાદિ ક્રિયા, તપસ્યા, ત્યાગ, દેવભક્તિ, ગુરુસમાગમ-સેવા વગેરે એ શુદ્ધ આત્મા પર કશી અસર કરતા નથી. માટે એ નકામા છે. આમ બધું સારું આચરણ ગુમાવે છે, ત્યારે ખૂબી એ, કે એ જ પાછો વેપાર-રોજગાર, ઘરસંસાર આરંભ પરિગ્રહ અને વિષયોના ઉપભોગ, વગેરે તો બધું ઊભું રાખે છે.
  • એમાં શું દિલમાં રાગાદિ ભાવો નથી રમતા રહેતા? રહે છે જ. ઊલટું ધર્મના નામ હેઠળ એની એને ગમ પડતી નથી. આમ મહામિથ્યાત્વમાં ફસાયો એ જીવનભર પાપાચરણો સેવી રાગાદિથી કલુષિત જ રહ્યો દુર્ગતિમાં ચાલ્યો જાય છે. પાપાચરણથી બીજું શું મળે?

પણ પ્રશ્ન એ છે કે રાગ ન રાખે, વીતરાગી દશા તરફ લક્ષ રાખે, તો?

 • આ ભ્રમણા છે. કેમ કે જો રાગ નથી, તો તો પેલા સદાચરણ કેમ ન કરે ? 
 • શું કામ એ ઉપવાસ નથી કરતો, ને ખાવા બેસે છે ? 
 • શું કામ એ દાન-સુકૃત​ નથી કરતો, ને ધનકમાઈ કરે છે? 
 • શું કામ એ સામાયિકાદિ નથી કરતો, ને હરેફરે છે? 
 • જો રાગ નથી તો ધર્મક્રિયા ન કરવી ને પાપક્રિયા કર્યે જવી? પક્ષપાત સુચવી જ રહ્યો છે કે દાનાદિ ક્રિયા પર દ્વેષ છે ને ધનાર્જન વગેરે ક્રિયા પર રાગ છે. 

 • ખરી વાત એ છે કે, ધન-કુટુંબ-વિષયો-ખાનપાન વગેરેમાં રચ્યાં-પચ્યાં રહેવાથી રાગ એટલો બધો પોષાય છે કે જીવ અંતે માનવ અવતારેથી ભ્રષ્ટ થઈ ચિરકાળ સંસારમાં ભટકતો થઈ જાય છે.
 • એટલે ખરેખર તો પાપક્રિયાઓ અને એના રાગથી બચવા માટે શુભક્રિયાઓ કરવી જોઈએ, અને એ માટે શુભક્રિયાઓ પર રાગ ઊભો કરવો જોઈએ.
 • જેમ કે ઉપવાસ કરીએ તો ખાવાનો રાગ ઘટે. સદાચારને પ્રેમથી દઢપણે વળગી રહેવાય, તો દુરાચાર અને એના રાગ છૂટે. 

નિશ્ચયદ્રષ્ટિનો સદુપયોગ કરીએ તો? 

 • નિશ્ચયદ્રષ્ટિએ આપણો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, યાને વીતરાગી સ્થિરતા અને અનંત વીર્યાદિથી ભરેલો છે, એ એનો મૂળ સ્વભાવ જ છે.
 • મૂળ સ્વભાવમાં જ એ અનંતજ્ઞાનાદિ પડેલા છે, જો એ મૂળ સ્વભાવમાં જ ન પડેલો હોય, તો એવા સ્વભાવ વિનાનો આત્મા અને એવા સ્વભાવ વિનાના જડ, એ બેઉં સરખા થાય.
 • પછી જડમાં જ્ઞાનાદિ પ્રગટે નહિ, ને આત્મામાં પ્રગટ થાય એવું કેમ બની શકે? માટે જ, એ તો આત્મ સ્વભાવમાં પડેલા પણ કર્મનાં આવરણથી દબાયેલાં, તે તેવા તેવા નિમિત્ત પામી આવરણ ખસવાથી પ્રગટ થાય છે.
 • મૂળમાં જ ન હોય તો પ્રગટવાનું શું? અને જ્ઞાનાદિ જો નવા ઉત્પન થતાં હોય તો આત્માની જેમ જડ શરીરને કે અંગોપાંગને પણ એ કેમ ઉત્પન્ન ન થાય? 

તો પછી પ્રશ્ન એ છે કે આત્માના મૂળ સ્વભાવમાં જ્ઞાનાદિ ખરા, પણ એ અનંત કેમ? 

 • અનંત એટલા માટે કે જો લિમિટ બાંધીએ કે આટલું જ જ્ઞાન, આટલું જ દર્શન, આટલી હદની જ વીતરાગતા… વગેરે તો પ્રશ્ન છે કે એટલું જ કેમ ? એથી વધુ કે ઓછું કેમ નહિ ? વળી જ્ઞાન એનું નામ કે જે જ્ઞેયને જણાવે અને જગતમાં જ્ઞેય પદાર્થ અનંત છે તો એને અવગાહનાર જ્ઞાન પણ અનંત જ હોય. 
 • એમ દર્શન પણ દ્રશ્ય​ અનંત હોઈ અનંત જ હોય, 
 • એમ રાગદ્વેષ કરવાની વસ્તુ અનંતની સંખ્યામાં છે, તો એની પ્રતિપક્ષી વીતરાગતા પણ અનંત જ હોય. 
 • એમ વીર્ય પણ અનંત કર્મ વગેરે સુધી પહોંચે છે. તેથી અનંત છે.

 • આમ શુદ્ધ નિશ્ચયદ્રષ્ટિના આ આત્મસ્વરૂપને નજર સામે રાખીએ, તો લાગે કે

આ શરીર અને એને લગતી બધી વસ્તુ, બધી ક્રિયા, બધી આપત્તિ-સંપત્તિ કર્મના ઘરની છે, શુદ્ધ આત્માના ઘરની નહિ માટે એ બધાથી અંતરથી અલિપ્ત બનવાનું, એમ વિચારવાનું કે એને ને મારે કોઈ સંબંધ નથી. મારે સંબંધ મારા શુદ્ધ જ્ઞાન-દર્શન વીતરાગભાવ અને વીર્યાદિ સાથે છે. મારે એના ઉપર, જ દષ્ટિ રાખવાની.

 • આ વસ્તુ બરાબર હૃદયસ્થ કરાય, સહજ બુદ્ધિને એનાથી વારંવાર ભાવિત કરાય તો, પછી જે કાંઈ પ્રતિકૂળતા આપત્તિ ઉપદ્રવ આવે એમાં મન બગાડવાનું રહે નહિ.
 • કેમ કે ત્યાં ભાવિત કરેલી સહજ બુદ્ધિ એ જ સ્ફુરે કે

હું તો શુદ્ધ જ્ઞાનાદિમય, અકર્તા, અભોક્તા, મારે આની સાથે શો સંબંધ? એનાથી મારા અનંત જ્ઞાનાદિ સ્વરૂપ માંથી લેશમાત્ર નષ્ટ થતું નથી કે વધતું નથી, નષ્ટ કરવાની કે વધારવાની એની કે કોઈની તાકાત છે નહિ, પછી ભલે બહારનું ચાલતું હોય એમ ચાલે. મારે એની કોઇ અસર શા માટે લેવી? શા માટે રાગાદિ કલુષિત ભાવ કરવા? 

આમ, આપણે સ્વસ્થ બની આંખ મીંચી અંદરમાં આત્માનું એ સ્વરૂપ જોવાનો પ્રયત્ન કરવાનો કે મૂળમાં અનંત જ્ઞાન, દર્શન, વીતરાગતા, અનંત વિર્યવાળો છે.

 • આંખ મીચવાનું કારણ એ છે કે બહારનું દેખાતુ બંધ થાય ત્યારે મન એ છોડી અંદરમાં સ્થિર થાય. ભલે અંદરમાં અંધકાર દેખાય પરંતુ કલ્પનાથી અનંત જ્ઞાન પ્રકાશમય આત્મા જોવાનો પ્રયત્ન કરવાનો. રાગ-દ્રેષ વિના તટસ્થ ભાવે જોવાથી એક બાજુ શુદ્ધ જ્ઞાનદ્રષ્ટિ પક્વ​ થતી જાય, રાગાદિ ઉપર કાબુ આવે અને બીજી બાજુ અંદરમાં જ્ઞાન પ્રકાશમય સ્વતંત્ર આત્માની દર્શન કલ્પના દ્રઢ થતી જાય .
 • જેથી કરીને બહારના ઇષ્ટ-અનિષ્ટ આવે, હર્ષ, ખેદ આવે તો પણ રાગ-દ્રેષ નહીં ઉછળે અને આપણા આત્માને જાણે વર્તમાન શરીર સાથે કશી લેણદેણ નથી, જગતમાં જેમ બીજા શરીર એમ આ પણ શરીર પોતાનું કામ કરે છે.
 • આત્મા તો માત્ર દ્રષ્ટા, બીજાને જુએ એમ આને જુએ. આત્માએ તો માત્ર જોવાનું પણ દુ:ખી, નિરાશ નહીં થવાનું. એમ શરીરની સુખ-સગવડમાં પણ માત્ર જોવાનું, જરાય આનંદિત નહીં થવાનું. 

આમ, આપણે શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન રહીએ અને બાકીનું કર્મના ઘરનું છે અને આપણાથી જુદું છે એમ માની, એની અસર ન લઇએ.

હ​વે પછીનાં ભાગમાં આપણે અહંકાર વિશે જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો