ભાગ ૪: નિગોદથી મોક્ષ સુધી
આગળનાં ભાગમા આપણે અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ વિશે જોયું.
આ ભાગમાં આપણે ગતિ-આગતિના સિદ્ધાન્ત, Evolution-વિકાસ સિદ્ધાંત તેમજ જાણીશું કે કપોત લેશ્યાવાળો પૃથ્વીકાય ત્યાંથી મરી, મનુષ્ય બની મોક્ષે જઇ શકે?
ગતિ-આગતિના સિદ્ધાંત:
- કર્મથી આવૃત આત્મા પોતાના કર્માનુસાર ઉચે ચઢતો જાય છે. અનાદિ નિગોદમાંથી નીકળી વ્યવહારાશિમાં આવી પૃથ્વી, અપ, તેજસ્, વાયુ અને વનસ્પતિપણું પામી, બે, ત્રણ અને ચાર ઈંદ્રિયો પ્રાપ્ત કરી, પાંચ ઈંદ્રિયવાળા તિર્યંચ થાય છે અને વળી ભવિતવ્યતા પ્રસન્ન થાય અને કર્મ વિવર આપે ત્યારે, મનુષ્ય થઈ કાર્ય સાધે છે. આ જીવનું શુદ્ધ સ્વરૂપ તે સર્વ કર્મોથી મુકત થાય ત્યારે પ્રગટ થાય છે, એ દશાને મોક્ષ દશા કહેવામાં આવે છે. આત્મામાં અનંત શક્તિ હોવાથી આ સર્વ કાર્ય તે પોતે જ કરે છે.
Evolution-વિકાસ સિદ્ધાંત અને જૈનની ગતિ-આગતિના સિદ્ધાન્તમાં એક મોટો તફાવત એ છે કે
-
વિકાસવાદવાળા એમ માને છે કે “આ જીવ એક વખત અમુક હદ સુધી આવ્યો ત્યાર પછી તે ગમે તેવાં કાર્યો કરે તો પણ તે નીચે ઊતરતો નથી એક જીવ ચઢતાં ચઢતાં મનુષ્ય થયો, તો પછી તે તિર્યંચ થઇ શકે નહિ. ગમે તેવાં પાપ કરે તો પણ તે મનુષ્ય તો થવાનો જ. ત્યાં તે સુખદુઃખ પામે તે સર્વ કર્મ પ્રમાણે પામે છે.”
-
જૈન શાસ્ત્ર જુદી રીતે વાત કહે છે કે “વિકાસ અને અ૫ક્રાન્તિ સાથે જ છે, અશુભ કર્મો કરવાથી આ જીવનો પાત થાય છે અને મનુષ્ય મહાપાપી કાર્યો કરે તો પંચેંદ્રિય, તિર્યંચ તો શું પણ, એકેંદ્રિય જેવી અધમ ગતિમાં પણ ચાલ્યો જાય છે”. એટલે નિગોદ માંથી નીકળેલા જીવ પાછો નિગોદ માં ન જાય એવું નથી. જે જીવ નાં જેવા પ્રકારનાં કર્મ હોય તે પ્રકારનાં કર્મ પ્રમાણે તે પાછો નિગોદ માં જઈ શકે છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને આખા સંસારનો અનુભવ લઇને, મોક્ષગતિ ન પામતાં જીવ પાછો નિગોદમાં આવી શકે છે. એવા જીવોને “ચતુર્ગતિ નિગોદ” કહેવામાં આવે છે.
શ્રી ભગવતીસૂત્રના ૧૮ માં શતકમાં ભગવાન મહાવીર અને માકન્દિકપુત્ર વચ્ચે એક સંવાદ થાય છે:
માકન્દિકપુત્ર: હે પ્રભુ, કપોતલેશ્યાવાળો પૃથ્વીકાય ત્યાંથી મરી, મનુષ્ય બની મોક્ષે જઇ શકે? ભગવાન: “હા, કપોતલેશ્યાવાળો પૃથ્વીકાય, અપકાય કે વનસ્પતિકાયનો જીવ ત્યાંથી મરી, મનુષ્ય બની મોક્ષે જઇ શકે.”
-
નિગોદમાંથી નીકળ્યા પછી જીવ ઉત્તરોત્તર વિકાસ સાધતો મનુષ્ય ભવમાં આવી, ત્યાગ સંયમ ધારણ કરી, સર્વવિરતિ સમ્યગદષ્ટિ બની ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરે છે, પરંતુ મોહનીય કર્મને કારણે દસમા ગુણસ્થાનકે થી ઉપશમશ્રેણી માંડી અગિયાર મા ગુણસ્થાનકે થી નીચે પડે છે. કોઈક જીવો તો એવા વેગથી પડે છે કે તેઓ સીધા નિગોદ માં ચાલ્યા જાય ફરી પાછું એમને ઉર્ધ્વારોહણ કરવાનું રહે છે.
-
મોટા-મોટા મહાત્માઓ પણ મોહનીય કર્મને કારણો પાછા પડ્યા છે અને નિગોદમાં ગયા છે. એટલે માણસે વિચાર કરવો જોઇએ કે પોતાનો જીવ નિગોદમાંથી નીકળી રખડતો-રખડતો, અથડાતો-કૂટાતો, અનેક ભયંકર દુઃખો સહન કરતો-કરતો અનંત ભવે મનુષ્ય જન્મ પામ્યો છે, તો હવે એવાં ભારે કર્મ ન થઈ જવા જોઇએ કે, જેથી ફરી પાછા નિગોદમાં પછડાઇએ અને એકડે એકથી શરૂ કરવાનું આવે. નિગોદ જેવા અત્યંત સૂક્ષ્મ અને ગહન વિષયની સમજણ અને શ્રદ્ધા પ્રાપ્ત થાય તો માણસે આત્મ વિકાસ માટેનો પુરુષાર્થ ચૂકવા જેવો નથી.
હવે પછીના ભાગમાં આપણે જોઇશું કે નિગોદના જીવોને મન નથી છતાં અનંતકાળ સુધી પહોંચે તેવા કર્મ શાથી બંધાય છે? અને ૩૨ અનંતકાય ક્યા ક્યા છે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶