ભાગ ૪૮: પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયુ, ધોબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું.
૨૦E.અહોભાવપૂર્વક દર્શન કઇ રીતે કરવા?
-
આપણા અગાઉના ભાગમાં જોયું કે અહોભાવપૂર્વક દર્શન કરવા માટે એકાગ્રતા, ગદગદતા અને અવ્યગ્રતા જરૂરી છે. પરંતુ તે કેવી રીતે લાવવા?
-
જિન-જિનશાસન-શ્રી નવકાર મંત્ર-સંયમ-ધાર્મિક ક્રિયાઓ વગેરે પામ્યાની આંસુભરી અનુમોદના કરતા રહેવું.
મનમાં એમ થવું જોઇએ કેટલા ભવ પછી પ્રભુના દર્શન થયા હશે?
- મોટા ભાગનો કાળ અવ્યવહાર રાશિની નિગોદમાં પસાર થયો…
- તેમાથી નીકળી વ્યવહાર રાશિની નિગોદમાં આવ્યા જ્યાં શ્વાસોચ્છવાસમાં સાડા સતર વાર જન્મ મરણ કર્યા…
- નિગોદમાંથી નીકળી અને પૃથ્વીકાયમાં આવ્યા, અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી ત્યાં પસાર કરી…
- પૃથ્વીકાયમાંથી નીકળીને અપકાયમાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી ત્યાં પસાર કરી…
- પછી ત્યાંથી તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી ત્યાં પસાર કરી…
- ત્યાં જો સમતા ન રાખી તો પાછા નિગોદમાં જતા રહીએ…
- ત્યાર પછી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય બન્યા જેમાં પણ મોટા ભાગનો કાળ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પસાર કર્યો મન જ ન મળ્યું.. કંઇ જ વિચારી જ ન શકીએ અને તેમાં ઘણો કાળ પસાર કર્યો…
- આટલું કર્યા પછી મન મળ્યું સંજ્ઞી પંચેન્દ્રિય બન્યા.. કુતરો, ગધેડો, બિલાડી વગેરે ભવોમાંથી પસાર થયા…તેવી જ રીતે નરક અને દેવલોકમાં પણ જઇ આવ્યા..
- ક્યારેક મનુષ્યભવ મળ્યો તો પણ અનાર્ય ભૂમિમા જનમ્યાં હવે જ્યારે આર્ય ભૂમિ અને જૈનકુળમાં જન્મ્યા…
એ શું આપણી આવડતથી? આપણી ઇચ્છાથી?
જો આપણી ઇચ્છાથી અને આપણી બુદ્ધિથી થતું હોય તો આપણી વૃતિ કેવી હોય?
અમેરીકાના પ્રેસીડન્ટ બનવાની જ ને!!
પણ એવું નથી બનતું, અહીં જન્મ લેવા ખૂબ મહેનત કરી હતી, અનંતકાળ દુ:ખ વેઠ્યું હતું, ત્યારે જિનશાસનની પ્રાપ્તિ થઇ છે…
અને દેવ ગુરૂ ધર્મ નો યોગ મળ્યો છે ને વિતરાગ પ્રભુનાં દર્શનનો યોગ મળ્યો છે તો આપણને અહોભાવ ન જાગે? હૈયે હરખ હરખ ન ઉભરાય? મનને તલવલાટ ન થાય? આંખે ઝળઝળિયા ન આવે??
જો મનને એમ થાય કે અહો! નિગોદથી દેવલોક સુધીના અપરંપાર ભવોમાં, અનંતવાર મળેલા ભવોમાં નહીં ને આ ભવમાં મને પ્રભુ મળ્યા… પૂજવા મળ્યા…. કેવુ મારૂ અહોભાગ્ય!
એમ જિનશાસનની પ્રાપ્તિની અનુમોદના થાય કે આંખ ભીની થાય.
શ્રી રત્નાકર પચ્ચીશીમાંથી:
મેં દાન તો દીધું નહીં ને શીયળ પણ પાળ્યું નહીં,
તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં,
એ ચાર ભેદે ધર્મમાંથી કંઇપણ પ્રભુ નવ કર્યું,
મારૂં ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું.
મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી,
ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહીં,
પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયુ,
ધોબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું.
- આમ, આંસુભરી અનુમોદનાથી પ્રભુને યાદ કર્યા કરવાથી એની એવી ચમત્કારિક અસર પડે કે કોઇ પણ સાંસારિક બાબત અથવા તો વેપાર ધંધામાં ઉંચુ-નીચુ મન થાય તો તે આંસુભીની અનુમોદનાથી મનને એમ થાય કે આવી તુચ્છ વસ્તુમાં શા માટે રોવાનું? અને તરત જ દીનતા અલોપ થઇ જાય, રોગ વખતે હાયવોય થાય તો આ સત્તપ્રાપ્તિની - પ્રભુની પ્રાપ્તિની આંસુભીની અનુમોદના તરત જ તે હાયવોય દૂર કરી દે છે.
જો દાન કરીએ અને મનમાં એમ થાય કે, “પૈસા બહુ ખર્ચાયા” તો આ વ્યગ્રતા દૂર કરવા માટે દુર્લભ ધર્મક્રિયા મળ્યાની આંસુભીની અનુમોદના કરવાથી વ્યગ્રતા હટી જાય છે અને દર્શન વખતે એકદમ એકાગ્રતા ગદગદતા અને અવ્યગ્રતા આવી જાય છે.
હવે પછીના ભાગમાં આપણે નિશ્ચય - વ્યવહાર વિશે જોઇશુ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶