🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

નિગોદ અને ફુગની જયણા કેવી રીતે પાળશો?

આગળના ભાગમાં આપણે જયણાની જડીબુટ્ટીઓ વિશે જોયું હતું…

હ​વે આગળ

K - જયણા


નિગોદની જયણા

 • જે જગ્યા વધુ સમય ભીની રહે ત્યાં નિગોદ ઉત્પન્ન થાય છે. બાથરૂમ પણ આખો દિવસ ભીનો રહે તો તેમાં નિગોદ થઈ જાય છે. ઘરનાં કોઈ સ્થાનો વધુ વખત ભીનાં ન રહે તેની કાળજી રાખો.

 • નીચે જોઈને ચાલો, રસ્તામાં કયાંય નિગોદ છવાયેલી દેખાય તો ખસીને બાજુની ચોખી જગ્યા પર ચાલો.

 • મકાનનાં કમ્પાઉન્ડમાં ચાલવાના રસ્તા ઉપર નિગોદ ન થઈ જાય તે માટે વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલાં તે રસ્તા ઉપર નિગોદ ઉત્પન્ન જ ન થાય તેવા ઉપાય કરો, જેવા કે…
  • નિગોદ ન થાય તેવી માટી પાથરી દેવી.
  • નિગોદ ન થાય તેવું ફ્લોરીંગ કરી દેવું.
  • ડામરનો પટ્ટો લગાવી દેવો.
  • રંગનો પટ્ટો લગાવી દેવો.
 • એક વાર નિગોદ થઈ ગયા પછી તેને ઉખેડાય નહિ, સાફ કરાય નહિ, તેની ઉપર માટી કે લાદી કાંઈ નંખાય નહિ, કલર કે ડામરનો પટ્ટો પણ કરાય નહિ, કુદરતી રીતે સૂકાય નહિ ત્યાં સુધી કાંઈ કરાય નહિ.

 • લાકડા ઉપર રંગ, વાર્નિશ કે પોલિશ કરવાથી તેના પર નિગોદ થતી નથી.

ફુગની જયણા

 • વાસી ખોરાક તથા અન્ય પદાર્થો ઉપર સફેદ રંગની ફુગ બાઝેલી ઘણી વાર જોઈ હશે. ખાસ કરીને ફુગ ચોમાસામાં વિશેષ થાય છે.
 • મીઠાઈ, ખાખરા, પાપડ, વડી, અન્ય ખાદ્યપદાર્થો, દવાની ગોળીઓ, સાબુની ગોટીઓ, ચામડાના બુટ ચપ્પલ, પાકીટ-પટ્ટા, પુસ્તકના પૂંઠાઓ તથા અન્ય ચીજવસ્તુઓ પર ભેજને કારણે રાતોરાત સફેદ ફુગ બાઝી જાય છે.
 • મેલા કપડાના કોલર, બાંય જેવા ભાગમાં, ટોપીમાં તથા ચશ્માની દાંડીની નાક પાસેની ઠેસીમાં લીલફૂગ થવાની શક્યતા છે.
 • આ ફુગ અનંતકાય છે. તેને નિગોદ પણ કહેવાય છે.
 • તેના એક સૂક્ષ્મ કણમાં અનંત જીવો હોય છે.
 • ફૂગ સફેદ સિવાય કાળા, પીળા વગેરે વર્ણની પણ હોય છે.
 • ફુગ ન થાય તેની કાળજી રાખવી જોઈએ.
 • ફુગ થયા પછી તે ચીજોનો ઉપયોગ થઈ શકે નહિ.
 • જે ખાદ્યપદાર્થ પર ફુગ થઈ હોય તે ખાદ્યપદાર્થ અભક્ષ્ય બની જાય છે.
 • ઘરવપરાશની અન્ય ચીજ ઉપર ફુગ થઈ હોય તો આપમેળે ફુગ ચ્યવી ન જાય ત્યાં સુધી તે ચીજને ઉપયોગમાં ન લેવાય, તે વસ્તુને સ્પર્શ પણ ના કરાય, તે વસ્તુને અહીં-તહીં ફેરવાય પણ નહિ.

ફુગની વિરાધનાથી બચવા નીચેની કાળજી ધ્યાનમાં રાખો

 • ખાદ્યપદાર્થોને ચુસ્ત ઢાંકણવાળાં સાધનોમાં બંધ કરીને રાખો.

 • ફુગ થાય તેવા પદાર્થોને ભેજવાળા વાતાવરણમાં ન રાખો. ડબ્બામાંથી વસ્તુ કાઢતા હાથ જરા પણ ભીનો ન હોવો જોઈએ.

 • ચોમાસામાં વડી-પાપડ વગેરે ચીજોનો શક્યતઃ ત્યાગ કરો. ત્યાગ શક્ય ન હોય તો તે જ દિવસના તાજા બનાવેલા વડી પાપડ જ વાપરો.

 • મીઠાઈ વગેરે વાપરતા પહેલા બરાબર ચકાસી લો કે તેના ઉપર ફુગ તો નથી થઈ ને લાડવા વગેરે ભાંગીને ચોકસાઈ કરી લેવી.

 • ફુગ લાગી ગઈ હોય તેવી ચીજને એક સાઈડમાં મૂકી રાખો. તે ચીજને કોઈ અડે નહિ તેનું ધ્યાન રાખો.

 • ફુગ થઈ ગઈ હોય તેવા ખાદ્યપદાર્થો અભક્ષ્ય​ બની જાય છે. તે ખાવા નહિ, બીજાને ખવડાવવા નહિ

 • બજારના તૈયાર વડી-પાપડ, સૂકવણી કે મીઠાઈ ખાવા નહિ.

 • છુંદા-મુરબ્બા વગેરેને તડકે મૂકવામાં કે ચૂલે ચડાવવામાં કચાશ રહી ગઈ હોય તો ફુગ થવાની શક્યતા છે.

 • ગરમ ગરમ મીઠાઈ ડબ્બામાં ભરી દેવાથી ફુગ થવાની શક્યતા છે.

 • બુંદીમાં ચાસણી કાચી રહી ગઈ હોય તો ફુગ થઈ જાય છે.

 • મીઠા આમળા, આયુર્વેદિક દવાની ગોળીઓ સ્ટ્રીપમાંથી કાઢી રાખેલી દવાની ટીકડીઓ વગેરેમાં લીલ ફુગ થવાની સંભાવના છે.

 • બુટ, ચપ્પલ, પટ્ટા, ચશ્મા વગેરે રોજ વ્યવસ્થિત સાફ કરતા રહેવું. મેલા કપડા, થેલા વગેરે મૂકી ન રાખવા.

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો