🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨: નિગોદ​: એક શરીર, અનંત જીવો

પહેલાં ભાગમાં આપણે જોયું કે નિગોદ ના એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે. તો ચોક્ક્સથી તર્ક થાય કે નિગોદના એક શરીરમાં અનંત જીવો એક સાથે કેવી રીતે રહી શકે?

  • નિગોદમાં અનંત જીવો પોતપોતાની જુદી જુદી જગ્યા રોકીને નથી રહ્યા. એક જીવમાં બીજો જીવ, ત્રીજો જીવ, ચોથો જીવ વગેરે એમ અનંત જીવો પરસ્પર એકબીજામાં પ્રવેશ કરીને, સંક્રમીને, ઓતપ્રોત બનીને રહ્યા છે.
  • જેમ​ રમતના મેદાનમાં કોઈ ખેલાડીની ઉપર એક લાખ માણસની દૃષ્ટિ એક સાથે ફેંકાય છે, પરંતુ એ બધી દષ્ટિઓ માહોમાહે અથડાતી નથી અને ખેલાડીના શરીર પર ધક્કામારી કરતી નથી. બધી દૃષ્ટિઓ પરસ્પર ભળી જાય છે.
  • એમ​ એક નિગોદમાં અનંત જીવો હોય છે એટલું જ નહિ એક નિગોદની અંદર બીજી અસંખ્ય નિગોદો પણ હોય છે. એટલે જ ચૌદ રાજલોકમાં નિગોદો ઠાંસી ઠાંસીને ભરેલી છે એમ કહેવાય છે.

જો થોડું ઉંડાણથી જોઇએ તો,

  • લોકમાં નિગોદના અસંખ્યાત ગોળા છે. દરેક ગોળામાં અસંખ્યાત નિગોદો છે, તે દરેક શરીરમાં અનંત-અનંત જીવો હોય છે. સોયની અણી જેટલો સાધારણ વનસ્પતિનો જેમકે બટાટાનો કણિયો લેવામાં આવે તો તેમાં પણ નિગોદના અસંખ્ય ગોળા હોય છે, તેના દરેક ગોળામાં અસંખ્ય નિગોદો હોય છે. અને તે દરેક નિગોદમાં અનંત-અનંત જીવો હોય છે. અનંતા જીવો મુક્તિપદને પામેલા છે, પણ તેવા અનંતા મુક્તાત્માઓ કરતાં પણ સાધારણ વનસ્પતિના એક જ શરીરમાં રહેલાં જીવો અનંતગણાં છે.
  • દર છ મહિને ઓછામાં ઓછો એક આત્મા તો મોક્ષ​માં જાય જ છે… અનંતકાળ પસાર થયા પછી બીજા અનંત આત્માઓ મોક્ષ​માં જવાના, ત્યારે પણ નિગોદના એક શરીરમાં રહેલા જીવો મુક્તાત્માઓની સંખ્યા કરતાં અનંતગણાં જ હોવાના. ભૂતકાળમાં ગયેલાં, વર્તમાનમાં જતાં અને ભવિષ્યમાં જનારાં તમામ મોક્ષના જીવોની સંખ્યા તથા સાધારણ વનસ્પતિ સિવાયની તમામ જીવરાશિનો સરવાળો કરવામાં આવે તો પણ નિગોદના એક શરીરમાં રહેલાં જીવોની સંખ્યા તે બધા કરતા અનંતગણી જ છે.
  • આંખના એક જ પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. અનાદિ ભૂતકાળ, એક સમયનો વર્તમાનકાળ અને અનંત ભવિષ્યકાળના બધા જ સમયોના સરવાળાં કરતાં ય એક નિગોદના જીવો અનંતગણાં છે.

ટુંકમાં વિચારીએ તો

મોક્ષના આત્માઓની સંખ્યા

  • દુનિયાના તમામ દેવો, નારકો અને માનવોની સંખ્યા
  • તમામ પશુઓની સંખ્યા
  • તમામ કીડી, મચ્છર આદિ જીવજંતુઓની સંખ્યા
  • તમામ રેતીના કણ કણની સંખ્યા
  • કુવા, વાવ, તળાવ, સમુદ્ર વગેરે બધા જ પ્રકારના જળાશયોના બધા જ પાણીનાં ટીપાંઓની સંખ્યા
  • તમામ અગ્નિના જીવોની સંખ્યા
  • તમામ વાયુના જીવોની સંખ્યા
  • તમામ પ્રત્યેક વનસ્પતિ રૂ૫ ઘાંસ, પાંદડા, ફળ, ફૂલ, શાખાઓ, થડ, વૃક્ષો, શાકભાજી વગેરેની સંખ્યા ▪ઉપરોક્ત​ બધાંનો સરવાળો કરવામાં આવે તેની જે સંખ્યા થાય તેના કરતાં પણ બટાટા વગેરે સાધારણ વનસ્પતિકાયના એક જ શરીરમાં રહેલા જીવોની સંખ્યા અનંતગણી છે.

બટાટા, ગાજર વગેરે કંદમૂળ ખાનાર વ્યક્તિએ ખાતા પહેલા આટલું તો અવશ્ય વિચાર​વું

  • જો આપણા પગ નીચે કોઇ જીવ ચગદાઇ જાય અથ​વા તો ખાવાની વસ્તુમાં કોઇ જીવ પડી જાય તો દયા અને કોમળતા આપણા ગુણો હોવાથી, આપણે દુ:ખની લાગણી અનુભ​વીએ છીએ, કારણ કે તે જીવ પ્રત્યક્ષ દેખાય છે
  • પરંતુ અહીં કંદમૂળમાં અનંતા જીવોની હિંસા થાય છે તો પણ પ્રત્યક્ષ ન દેખાવાથી ઝાપટ​વા બેસી જતા માણસોએ એક વાર તો અવશ્ય વિચાર​વું જોઇએ કે માત્ર જીભના સ્વાદ માટે અનંતા જીવોને છરીથી સમારી, ઉકળતા પાણીમાં બાફી અને આટલી હિંસા પછી આંખનાં આંસુ તો દૂર પણ સ્વાદથી ખાવું તેવો હિંસાચાર કેટલો વ્યાજબી?
  • જો આ બધા નિગોદના જીવો જે આપણને દેખાતા જ નથી તેની માત્ર કીડી ના સ્વરૂપમાં કલ્પના કર​વામાં આવે તો બટાટામાં થી આખી પૃથ્વી ટુંકી પડે તેટલા જીવો હોય છે, અને આ જીવોનો સંહાર કરીને આપણા જીભની લાલસા અને પેટની અગ્નિ શાંત પાડ​વી કેટલી યોગ્ય​?

ધર્મસંગ્રહ નામ ના ગ્રંથમાં કહ્યું છે

“દુષ્કાળ પડ્યો હોય અથ​વા કટોકટીના સમયમાં પણ પ્રાણ ટકાવી રાખ​વા માટે ભોજન કર​વું પડે તો ન છૂટકે સચિત્ત એવા ફળ​-ફળાદીને વાપરે પણ અનંતકાય કંદમૂળને તો આવા સમયે પણ ન જ વાપરે.”

  • એકવાર નિગોદ નું સ્વરૂપ જાણ્યા પછી ખરેખર તો આપણી આંખમાંથી અશ્રુની ધાર થ​વી જોઇએ અને આજથી જ કંદમૂળનો જીવનભર ત્યાગ કર​વો જોઇએ.

હ​વે પછીનાં ભાગમા આપણે જોઇશું કે નિગોદ નાં જીવો પણ શું દુઃખ ભોગ​વે છે?




શેર કર​વા નીચે ક્લિક કરો