🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬: નાસ્તિક પણ ધર્મ જ ઇચ્છે છે!

આગળનાં ભાગમાં આપણે જોયું કે જો આપણે “શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા હોય તો આપણે ધર્મ કર​વો જ રહ્યો.”

શું ધર્મ જીવનમાં એટલો બધો જરૂરી છે કે ધર્મ વિના શાશ્વત સુખ મળે જ નહિ?

  • હા, ધર્મ એ જીવનનું અભિન્ન અંગ છે.

  • દરેક​ જીવ પોતાના પ્રત્યે બીજાના તરફથી ખરાબ વર્તાવ નહીં પણ સારો વર્તાવ જ ઇચ્છે છે. જેમ કે, નાસ્તિક જેવો પણ ઇચ્છે છે કે
    • કોઇ મારી હિંસા ન કરે,
    • મારા તરફ દયા-સ્નેહ રાખે,
    • મારી આગળ જુઠું ન બોલે,
    • મારી વસ્તુની ચોરી ન કરે,
    • મારી પત્ની તરફ ખરાબ નજરથી ન જુએ, વગેરે.
  • તો આ શેની ઇચ્છા રાખી?
  • આ બધો વર્તાવ તો ધર્મ નો જ થયો એટલે કહેવાતા નાસ્તિકો પણ ખરેખર તો ધર્મ જ ઇચ્છે છે.

આજનો યુગ ભૌતિકવાદનો છે. આજે માનવ ભૌતિકવાદ તરફ દોડી રહ્યો છે.

  • ત્યાગ તરફથી ભોગ તરફ દોટ કાઢી રહ્યો છે.
  • અહિંસાથી હિંસા તરફ દોડી રહ્યો છે.
  • અપરિગ્રહથી પરિગ્રહ તરફ વધી રહ્યો છે.
  • આ યાત્રા આરોહણ​ નહિ પણ અવરોહણની છે, ઉત્થાનની નહિ પણ પતનની છે.
  • એ પતનમાંથી ધર્મ આપણને ઉગારે છે.
  • તે અંતર્હ્રદય​ માંથી વિકાર અને વાસનાના ગહન અંધકારને હટાવી અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તની ચમક-દમક પેદા કરે છે, દુર્ગુણોને નાશ કરી સદગુણોને જાગૃત કરે છે.

ધર્મ કર​વાથી સદ્દવિચાર અને સદાચાર નાં ગુણો ખીલે છે

  • સદાચાર એ ધર્મનું સ્થૂળ​ શરીર છે.
  • સદ્દવિચાર એ ધર્મનું સૂક્ષ્મ શરીર છે.

  • ધર્મ માનવ-જીવનને તેજસ્વી બનાવે છે.

  • ધર્મ આ જીવનમાં સંસ્કારના પ્રાણ ફુંકે છે.

  • ધર્મ માણસને ઊર્ધ્વગામી બનાવે છે, ધર્મ વિહોણું જીવન એ તો આત્મા વગરના શરીર જેવું છે કે જેમાં ન હોય પ્રાણ કે ન હોય પવિત્રતા. જીવનમાં પ્રાણ ને પવિત્રતા રેડનાર ધર્મ જ છે.

  • ધર્મ એ આપણી સંસ્કૃતિ અને વિચારધારાનું મજબૂત કવચ છે. એને કયારેય છોડી દેવું ઉચિત નથી. ધર્મ ત્યજવો એટલે જીવનના સમસ્ત સદ્દગુણોને, ભલમનસાઈઓને ત્યજી દેવી.

  • ધર્મ એ આપણાં મનનો મેરુદંડ છે.

  • ધર્મ આત્મામાંથી સ્ફુરેલ​ પવિત્ર તત્ત્વ છે, વિચારોની વિશુદ્ધતા છે, મનની નિર્મળતા છે, જીવનની ઉજજવળતા છે અને અધ્યાત્મનો પ્રકાશ છે.

તો પ્રશ્ન એ થશે કે ધર્મ જે જીવનમાં આવો વ્યાપક છે તો તે દેખાતો કેમ નથી?

  • ભૂખ લાગે ત્યારે ધર્મ ખાવા કામ લાગતો નથી,
  • તરસ લાગી હોય ત્યારે ધર્મ પીવા કામ લાગતો નથી,
  • ટાઢ વાય ત્યારે ધર્મ ઓઢવા કામ લાગતો નથી, તો પછી ધર્મનું મહત્વ શું?

  • આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે

    ધર્મ એ તો ઝાડનાં મૂળિયા જેવો છે. મૂળિયાં ફળની જેમ ખાવા કામ લાગતાં નથી, ઝાડના બીજા અંગોની જેમ બહાર દેખાતાં નથી, તે ધૂળમાં દટાયેલાં-છુપાયેલાં હોય છે છતાં એ ન હોય તો ટકી રહેવાની તાકાત ઝાડમાં નથી જ. વૃક્ષો ખીલે છે, મીઠાં ફળો આપે છે, આનો આધાર તો મૂળિયાં છે

  • તેમ જીવનના મૂળમાં પણ ધર્મ પડેલો છે અને મનુષ્ય આ ધર્મને પામીને શ્રેષ્ઠ અને બડભાગી થયો છે.

  • આમ​ જીવનના ઉત્થાન માટે ધર્મની અત્યંત આવશ્યકતા છે. ધર્મ વિના માનવ - માનવ રહી શકતો નથી, માનવતા સુરક્ષિત રહી શકતી નથી.

જો ધર્મની જીવનમાં આટલી બધી મહત્તા હોય​ તો પછી આ ધર્મ ખરેખર શું છે?? એ આપણે હ​વે પછીનાં ભાગમાં જોઇએ…




શેર કર​વા નીચે ક્લિક કરો