ભાગ ૮૩: પ્રભુ ! ચંડપ્રદ્યોતની આજ્ઞા મેળવીને હું પણ દીક્ષા લઇશ.
આગળના ભાગમાં આપણે જોયું કે ભગવાન શ્રી મહાવીરસ્વામી કૌશાંબીના પાદરે સમવસર્યા અને દેશનામાં ભગવાને વિષય-વાસનાની ભયંકરતા સમજાવતા સોની અને તેની ૫૦૦ સ્ત્રીઓનું વાત કહી રહ્યા હતા…
- અને ચારસો ને નવાણું પત્નીઓને વિચાર્યુ કે આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ…
- આમ ચારસો ને નવાણું દર્પણો પતિ ઉપર ફેંક્યાં, તેથી તત્કાળ તે સોની મૃત્યુ પામી ગયો.
- પછી પશ્ચાત્તાપ કરતી સ્ત્રીઓએ અગ્નિસમાધિ લીધી.
હવે આગળ,
પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન
પશ્ચાત્તાપના યોગે અકામ નિર્જરા થવાથી તે ચારસો ને નવાણું સ્ત્રીઓ મરણ પામીને પુરુષપણે ઉત્પન્ન થઈ.
- બધાં એકઠાં મળી, કોઈ અરણ્યમાં કિલ્લો કરીને રહેતાં અને ચોરીનો ધંધો કરવા લાગ્યા.
- પેલો સોની મૃત્યુ પામીને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયો.
- તેની એક પત્ની જે પ્રથમ મરી ગઈ હતી તે પણ તિર્યંચમાં ઉત્પન્ન થઈ અને બીજા ભવે બ્રાહ્મણના કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ.
- તેની પાંચ વર્ષની વય થતાં પેલો સોની તે જ બ્રાહ્મણના ઘરે તેની બહેન રૂપે ઉત્પન્ન થયો.
મોટો ભાઈ તેની બહેનનું સારી રીતે પાલન કરતો હતો, તથાપિ અતિ દુષ્ટતાથી તે રોયા કરતી હતી.
- એક વખતે તે દ્વિજ પુત્ર તેના ઉદરને પંપાળતાં અચાનક તેના ગુહ્યસ્થાને અડક્યો, એટલે તે રોતી બંધ થઈ.
- તે ઉપરથી તેણીના રુદનને બંધ કરાવવાનો તે ઉપાય સમજ્યો.
- પછી જ્યારે તે રોતી ત્યારે તે તેના ગુહ્યસ્થાનને સ્પર્શ કરતો હતો એટલે તે રોતી બંધ થઇ જતી હતી.
- એક વખતે તેનાં માતાપિતાએ તેને તેમ કરતો જોયો એટલે ક્રોધમાં કાઢી મૂક્યો, તે કોઈ ગિરિની ગુફામાં ચાલ્યો ગયો.
- અનુક્રમે જે જગ્યાએ પેલા ચારસો નવાણું ચોર રહેતા હતા, ત્યાં તે જઈ પહોંચ્યો અને તેમના ભેગો ધંધામાં ભળી ગયો.
તેની બહેન જે દ્વિજ ઘરે મોટી થતી હતી તે યુવાવસ્થાએ પહોંચતાં કુલટા થઈ.
- તે સ્વેચ્છાએ ફરતાં ફરતાં એકાદ ગામમાં આવી.
- પેલા ચોરોએ એ ગામ લૂટયું અને તે કુલટાને પકડી તેને બધાની સ્ત્રી તરીકે રાખી લીધી.
- થોડા દિવસોમાં ચોરોને થયું કે, આ બિચારી એકલી છે, તેથી આપણા બધાની સાથે ભોગવિલાસ કરવાથી જરૂર થોડા સમયમાં તે મૃત્યુ પામી જશે.
- માટે કોઈ બીજી સ્ત્રી લાવીએ તો ઠીક.
- આવા વિચારથી તેઓ એક બીજી સ્ત્રીને પકડી લાવ્યા, ત્યારે પેલી કુલટા સ્ત્રી ઈર્ષ્યાથી તેનાં છિદ્ર શોધવા લાગી અને પોતાના વિષયમાં ભાગ પડાવનારી લાગી.
- એક વખત બધા ચોરો કોઈ ઠેકાણે ચોરી કરવા ગયા હતા, તે વખતે છળ કરી તે કુલટા પેલી સ્ત્રીને કંઈક નવું બતાવવાનું બહાનું બતાવી એક કૂવા પાસે લઈ ગઈ અને કૂવામાં તેને જોવા કહ્યું.
- તે સરળ સ્ત્રી તે કૂવામાં જોવા ગઈ એટલે તેને ધક્કો મારી કૂવામાં નાખી દીધી.
ચોરોએ આવીને પૂછ્યું કે,
પેલી સ્ત્રી ક્યાં છે ?
તેણે કહ્યું,
મને શી ખબર, તમે તમારી પત્નીને કેમ સાચવતા નથી ?
- ચોરો સમજી ગયા કે જરૂર તે બિચારીને ઈર્ષાથી મારી નાખી છે.
પેલો બ્રાહ્મણ ચોર બન્યો હતો તેણે વિચાર્યું કે,
શું આ મારી ભગિની તો નહીં હોય ?
-
તેવામાં તેણે સાંભળ્યું કે, અહીં સર્વજ્ઞ પધાર્યા છે, એટલે તે અહીં આવ્યો અને પોતાની બેનના દુઃશીલ વિશે પૂછવાની લજજા થવાથી તેણે પ્રથમ પ્રભુને મનથી જ પૂછ્યું,
-
પછી પ્રભુએ કહ્યું કે વાણીથી પૂછ,એટલે તેણે “યાસા સાસા” એવા શબ્દોથી તે સ્ત્રી શું મારી બહેન છે? એમ પૂછ્યું.
તેનો પ્રભુએ ઉત્તર આપીને કહ્યું,
“સાસા સાસા” એટલે કે, “હા તે તારી બહેન છે.”
આ પ્રમાણે રાગદ્રેષાદિકથી મુઢ થયેલા પ્રાણીઓ આ સંસારમાં ભવોભવ ભમે છે અને વિવિધ દુ:ખો ભોગવ્યા કરે છે.
-
આ સાંભળીને તે બ્રાહ્મણ પુત્રે વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને પલ્લીમાં જઇ ૪૯૯ લૂંટારાઓને પણ પ્રતિબોધ આપી દિક્ષા આપી.
-
કામાંધતાની ભયંકરતા પ્રભુએ આબેહુબ દર્શાવી.
દેશનાના અંતે મૃગાવતીએ કહ્યું,
પ્રભુ ! ચંડપ્રદ્યોતની આજ્ઞા મેળવીને હું પણ દીક્ષા લઇશ.
પછી મૃગાવતીએ ચંડપ્રદ્યોત પાસે જઈને કહ્યું,
તમારી સંમતિ હોય તો મારે દીક્ષા લેવી છે. મારો પુત્ર તો મેં તમને સોંપી જ દીધો છે.
- ભગવાનના પ્રભાવથી ચંડપ્રદ્યોતનું વેર શાંત થઇ ગયું હતુ, તેણે ઉદયનને કૌશાંબીનો રાજા બનાવ્યો અને મૃગાવતીને દીક્ષાની રજા આપી.
- અંગારવતી આદિ આઠ સ્ત્રીઓ સાથે મૃગાવતીએ પ્રભુ પાસે દીક્ષા લીધી.
સાધ્વી પ્રમુખા આર્યા ચંદનબાળાની મૃગાવતી શિષ્યા બની.
- અધ્યયન, સેવા આદિમાં મૃગાવતી લયલીન બની ગઈ.
- સંસારમાં કદી નહોતો આવ્યો એવો આનંદ સંયમ જીવનમાં પ્રત્યેક પળે આવવા માંડ્યો.
કેટલાક વર્ષો પછી ભગવાન શ્રી મહાવીરદેવ સાથે મૃગાવતી ફરી કૌશાંબીમાં આવી.
- એક દિવસે સૂર્ય-ચન્દ્ર પોતાના મૂળ વિમાન સાથે પ્રભુના દર્શનાર્થે આવેલા..
- મૃગાવતી સમવસરણમાં બેસી રહી, તેના ગુરુણી ચંદના તો સમય થતાં ચાલ્યા ગયાં, પણ મૃગાવતીને કોઈ ખ્યાલ રહ્યો નહિ.
- કારણ કે સૂર્ય ચન્દ્રના કારણે ચારે તરફ અજવાળું-અજવાળું હતું.
- સૂર્ય-ચન્દ્ર ચાલ્યા જતાં એકદમ અંધારું થઈ જતાં મૃગાવતી હાંફળી-ફાંફળી થતી જલ્દી-જલ્દી મુકામે આવી.
મૃગાવતીના ગુરુણીજીએ શાંતભાવે ઠપકો આપતાં ફક્ત એટલું કહ્યું,
તમારા જેવા કુલીનને આટલું મોડું આવવું ન શોભે !
- જીભ મૌન જાળવે, પણ અંતરમાં ઉદ્દભવતા તોફાન ને કોણ રોકી શકે? મૃગાવતીનું અંતર-નાવ તોફાને ચડ્યું.
હવે પછીના ભાગમાં આપણે જોઇશું કે તોફાને ચડેલું અંતર-નાવ મૃગાવતીને ક્યાં લઇ જાય છે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶