ભાગ ૭૮: ફૂલો જ કેમ તોડવામાં આવે છે, કાંટા શા માટે નહીં?
આગળનાં ભાગમાં આપણે ભટ્ટાનું દ્રષ્ટાંત જોયું અને જાણ્યું કે ક્રોધને છોડી ક્ષમા અપનાવવાથી શું પરિણામ આવે છે…
- બીજાના દોષો જોવાથી ક્ષમાદિ ગુણ આવતા નથી.. અને જ્યારે સામાની ભૂલમાં પણ સ્વદોષદર્શન કરવાથી તો ઇંદ્રથી પણ પ્રશંસિત બનીએ.
હવે આગળ,
પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન
સ્વદોષદર્શન અંગે જો કોઇ એમ કહે કે આપણને આપણો કોઇ દોષ જ ન જડે તો શું કરવું?
- ખરેખર તો અહમ આવવાથી જ આવું લાગે છે. પણ જો ઉંડે ઉંડે તપાસીએ તો આપણો કોઇને કોઇ દોષ મળી આવશે.
- છેવટે બીજું કાંઇ ન જડે તો પોતાનો પાપોદયરૂપી દોષ તો ખરો જ, સંસારવાસરૂપી દોષ તો છે જ.
-
અસહિષ્ણુ મન, વસ્તુ પર રાગ-મમત્વ, વગેરે દોષ તો છે જ, એટલે એકવાર જો આવું વિચારીએ તો સામાના દોષ જોવા તરફ અંધ બની જઇ આપણા જ દોષ જોતા આવડી જશે.
- સ્વદોષદર્શનમાં એક વસ્તુ એ છે કે આપણી કાર્યવાહીમાં આપણી શી-શી ખામી છે એ જોવાની સતત જાગૃતિ આપણે રાખવી પડશે અને તે લાભદાયી નિવડે છે કેમ કે તેનાથી આપણી પ્રવૃતિ ચળાય છે.
- જેમ અનાજ ચાળવાથી માટી વગેરે નીચે બહાર પડી જાય છે તેમ આપણી વાણી, વિચારણા અને વર્તણુંકને સ્વદોષ દર્શનની ચાળણીથી ચાળવાથી ખામીઓ બહાર તરી આવે છે.
- જો આપણે આવું કરીએ તો આપણું જીવન આત્મ - સંશોધનમય બની જાય, પગલે પગલે ઉન્નતિ થાય છે કે નહી એ સાધનામાં જોતા રહેવાય.
- પરચિંતાની અધમાધમતામાંથી બચી જવાય કેમ કે એની ફૂરસદ જ ન મળે.
સ્વદોષદર્શનમાં નીચે મુજબ લાભ મળે છે.
- ઉચ્ચ ગોત્રનું પુણ્ય બંધાય છે.
- યશ-આદેય વગેરે અનેક બીજા પુણ્યની કમાઈ થાય છે.
- પરદોષ જોવાનું બંધ કરવાથી નીચ ગોત્ર અપયશ વગેરે અનેક પાપો બંધાવાનું અટકી જાય છે.
- અનાદિની પરદોષ જોવાની કુ-આદતનો અંત આવે છે.
- સ્વદોષદર્શન ગુણના સુસંસ્કાર જામે છે.
- જે ગુણ વિકાસ પામતાં પામતાં મૃગાવતીજી, શીતલાચાર્ય વગેરેની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચાડી દે છે.
મૃગાવતીજીનું દ્રષ્ટાંત જોઇએ
શું કોઇ પાસે ખાસ વિશિષ્ટતા હોય એના કારણે એ દુઃખી બને છે? ગુણ જ એની મુશ્કેલીનું કારણ બને છે?
- ચંદનના ઝાડ જ શા માટે કપાય છે, બીજા ઝાડો કેમ નહીં?
- હાથી, ચમરી ગાય અને કસ્તુરી હરણોની કતલ શા માટે થાય છે?
- ફૂલો જ કેમ તોડવામાં આવે છે, કાંટા શા માટે નહીં?
ચંદન પાસે સુવાસ, હાથી પાસે દાંત, ચમરી ગાય પાસે પૂંછડી, કસ્તુરી હરણ પાસે કસ્તૂરી તથા ફૂલો પાસે સુગંધી સૌંદર્યરૂપ વિશિષ્ટતા છે માટે.
મૃગાવતીજીનું વિશિષ્ટ રૂપ જ અનેક આપત્તિઓનું કારણ બન્યું હતું.
- તેના પતિ હતા - કૌશાંબીના રાજા શતાનીક !
- એક વખતે તેના પતિદેવે ચિત્રસભા તૈયાર કરાવવા અનેક ચિત્રકારો રોક્યા.
- એમાં એક ચિત્રકારે મૃગાવતીજીનું ચિત્ર આલેખ્યું. ચિત્ર સુંદર બન્યું હતું, પણ તોય પતિદેવનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. વાત એમ બની કે ચિત્રમાં સાથળના સ્થાને તલ હતું. વસ્તુતઃ મૃગાવતીજીની સાથળમાં તલ હતું જ, તેના પતિદેવના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠયો કે આ હરામખોર ચિત્રકારે મારી પત્નીને ભ્રષ્ટ કરી છે.
- જયાં પ્રેમ વધુ હોય છે ત્યાં શંકા પણ જલદી ગાઢ બની જાય છે.
રાજાએ તો એ ચિત્રકારનો વધ કરવાનો હુકમ જ આપી દીધો.
ત્યારે બીજા ચિત્રકારોએ વિનંતિ કરી,
રાજન ! આ ચિત્રકાર પાસે એવી દૈવી શક્તિ છે કે તે કોઈ પણ પદાર્થનો કે વ્યક્તિનો એક અંશ જુએ તે પરથી આબેહૂબ તેનું ચિત્ર બનાવી આપે છે. વિશ્વાસ ન હોય તો અખતરો કરી જુઓ.
રાજાએ ચિત્રકારને પૂછતાં તેણે જણાવ્યું,
સૂરપ્રિય નામનો યક્ષ સાકેત નગરને વિષે રહેતો હતો.
- ત્યાંના લોકો તે યક્ષને બહુ માનતા.
- દરેક વર્ષે તેની યાત્રાના દિવસે તેનું વિચિત્ર રૂપ ચીતરતા.
- તે યક્ષ તે દરેક ચિતારાને હણતો.
જો ચિત્ર ચીતરવામાં ન આવતું તો તે યક્ષ આખું વર્ષ નગરના લોકોને પકડી પકડી હણતો.
- આમ ચીતરનારાઓનો વધ થવાથી કેટલાક ચિતારાનાં કુટુંબો ત્યાંથી નાસી બીજા નગરે જતાં રહ્યાં.
- એટલે એ દુષ્ટ યક્ષની બીકે રાજાએ પોતાના સુભટોને મોકલીને પેલા ચિત્રકારોને પાછા બોલાવ્યા ને તેમના સર્વના નામની ચીઠ્ઠીઓ લખી ને તે સર્વ એક ઘડામાં નાખી, ને જેનું નામ આવે તે યાત્રાના દિવસે ચિત્ર દોરે ને યક્ષ તેને હણે એવો ઠરાવ કર્યો.
- આમ ઘણો કાળ વ્યતીત થયો.
રાજન ! સાકેતનગરમાં હું ચિત્રકલા શિખવા ગયેલો અને એક ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઊતર્યો.
- મને તે વૃદ્ધાના પુત્રની સાથે મૈત્રી થઈ.
- દેવયોગે તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની જ ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી એટલે ખરેખર યમરાજનું તેડું જ ગણાય.
- તે ખબર સાંભળી વૃદ્ધાએ રુદન કરવા માંડ્યું, તે જોઈ મેં રુદન કરવાનું કારણ પૂછ્યું. ત્યારે વૃદ્ધાએ પોતાના પુત્ર ઉપર આવી પડેલી વિપત્તિની વાર્તા જણાવી.
- હું બોલ્યો : “માતા ! ગભરાવ નહીં, તમારો પુત્ર ઘેર રહેશે, હું જઈને ચિત્રકારના ભક્ષક તે યક્ષને ચીતરીશ.”
- વૃદ્ધા બોલી કે, “વત્સ, તું પણ મારો પુત્ર જ છે”.
- હું બોલ્યો, “માતા ! હું છું છતાં આ મારો ભાઇ સ્વસ્થ રહો.”
પછી મેં છઠ્ઠનું તપ કરી, નહાઈ, ચંદનનું શરીર ઉપર વિલેપન કરી, મુખ ઉપર પવિત્ર વસ્ત્રનું આઠ પડું કરીને બાંધી.
- નવીન પીંછીઓ અને સુંદર રંગોથી યક્ષની મૂર્તિ ચીતરી.
પછી હું યક્ષને નમીને બોલ્યો કે,
- હે સૂરપ્રિય દેવ ! અતિ ચતુર ચિત્રકાર પણ આપના ચિત્રને ચીતરવાને સમર્થ નથી તો હું તો ગરીબ બાળક માત્ર છું.
- તથાપિ હે યક્ષરાજ ! મેં મારી શક્તિથી જે કાંઈ દોર્યું છે તે યુક્ત કે અયુક્ત જે હોય તે સ્વીકારજો અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો તે માટે ક્ષમા કરજો.
- કારણ કે આપ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છો.
આવી તે ચિત્રકારની વિનય ભરેલી વાણીથી યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો કે,
- હે ચિત્રકાર, વર માંગ
હવે પછીના ભાગમાં આપણે જોઇએ કે ચિત્રકાર યક્ષ પાસેથી વરદાનમાં શું માંગે છે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶