🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮૦: શું મૃગાવતી આવી વીરાંગના છે, જે ધાર્યું બાણ ફેંકી શકે છે?

આગળનાં ભાગમાં આપણે જોયું કે,

શતાનિક રાજાના ચિત્રકાર પરના ઇર્ષ્યા અને ક્રોધથી રાજાએ ચિત્રકારનો જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો.

  • ત્યારે આવી કદર્થનાથી ચિત્રકાર રોમ-રોમમાં સળગી ઊઠ્યો.

આ શતાનિકનો બદલો ન લઉં તો મારી ચિત્રકળા પાણીમાં ગઇ !

  • એણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી….

  • બદલા લેવાનો વિચાર કરી તે ચિત્રકારે એક પાટિયા ઉપર મૃગાવતીદેવીને અનેક આભુષણો સહીત આલેખી અને પછી સ્ત્રીઓના લોલુપી અને પ્રચંડ એવા ચંડપ્રદ્યોત રાજાની પાસે જઇ તે મનોહર ચિત્ર બતાવ્યું.

  • મૃગાવતી ના ચિત્રે ચંડપ્રદ્યોત ઉપર, ચિત્રકારે ઈચ્છી હતી તેવી જ ભૂરકી નાખી દીધી.

  • ચંડપ્રદ્યોતે પોતાના દુતને રાજા શતાનિક પાસે જઇ સંદેશો મોકલાવ્યો કે,

મૃગાવતી જેવું સ્ત્રીરત્ન મારે યોગ્ય છે, માટે જો રાજ્ય અને પ્રાણ વહાલાં હોય તો તેને સત્વરે અહીં મોકલી દે.

હ​વે આગળ,

પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન


દૂતનાં આવાં વચન સાંભળી શતાનિક બોલ્યા કે,

અરે અધમ દૂત !
તારા મુખે તું આવા અનાચારની વાત બોલે છે,
પણ જા, દૂતપણાથી આજે તને મારતો નથી,
જે સ્ત્રી માટે આધીન છે તેને માટે પણ તારા પાપી રાજાનો આવો આચાર છે,
તો પોતાને સ્વાધીન પ્રજા ઉપર તો તેનો કેવો જુલમ કરતો હશે?

  • આ પ્રમાણે કહી શતાનિકે નિર્ભયપણે દૂતનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો.
  • દૂતે અવંતિ આવીને તે વાત ચંડપ્રદ્યોતને કહી.
  • તે સાંભળી ચંડપ્રદ્યોતને ઘણો ક્રોધ ચડ્યો,

અવંતિના રાજા ચંડપ્રદ્યોતે જે જવાબની આશા રાખી હતી, તે જ જવાબ આવ્યો.

  • એણે યુદ્ધની ભેરી વગાડી.
  • મોટી સેના, ગજદળ, અશ્વદળ અને પાયદળ લઈ પોતે જાતે જ સૈન્યના મોખરે ઊપડ્યો.
  • ચૌદ ખંડિયા રાજા એની ભેરે ચડ્યા.
  • માર માર કરતી અવંતિની સેના પાણીના ઘોડાપૂરની માફક ઊછળતી કૌશાંબી આવી પહોંચી.

અવંતિની સેના કૌશાંબીના ઉદ્યાનમાં પડી છે.

  • ત્યાં એક વાર રાતે કિલ્લા ઉપર ચંડપ્રદ્યોતે બેત્રણ પડછાયા જોયા, અને એને દિલ થઈ આવ્યું, હાથ બતાવવાનું.

તેણે તરત જ હાકલ મારી,

મારાં ધનુષ્યબાણ લાવો, સામે કિલ્લા પર કોણ છે ?

  • એ જ વખતે કિલ્લા ઉપરની વ્યક્તિએ હાથમાં ધનુષ્ય લઈ બાણ ચડાવ્યું અને સણણણ કરતું નીચે આવનારની પાસે જઈને પડ્યું.
  • રાજા ચમકી ગયો. ધીમે રહીને આઘા તરી જઈ તીર ઝડપી લીધું, એને છેડે એક ચિઠ્ઠી બાંધેલી હતી. એને છોડી લઈ સાચવી રાખી. પછી પોતે બરાબર તાકીને તીર ચડાવ્યું, પણ વ્યર્થ. કિલ્લાની રાંગે અથડાઈ ને તે પાછું વળ્યું.

ઉપરનાં બે જણાં હસતાં હસતાં ચાલ્યાં ગયાં.

  • ચંડપ્રદ્યોત વિલખો થઈ પાછો વળ્યો. એણે તંબૂમાં આવી દીવાના અજવાળામાં પત્ર વાંચવા માંડ્યો.

અવંતિરાજ ચંડપ્રદ્યોત !
તમે જે આશાથી આવ્યા છો તેમાં નિરાશા જ મળવાની છે.
હજીયે ચેતી જાઓ.
તમારી આબરૂ, યશ અને કીર્તિ જાળવવા પાછા જાઓ.

એક પ્રશ્ન પૂછું છું.
જેમ તમે મારી માગણી કરી છે તેમ કોઈ બીજો તમારાં પટરાણી પરમ વિદુષી સતી સાધ્વી શિવાદેવીની માગણી કરે તો, તમે શું કરો ?
શિવાદેવી શું કરે તે વિચારજો.
જેવા ઉદાર, મહાન અને સદાચારી તમે હશો, એવી જ છાપ તમારા ઘર અને કુટુંબ ઉપર પડશે.
માટે હજીયે કહું છું, પાછા વળો.

દુનિયામાં વિજય અને પરાજય એ તો ક્ષણિક છે.
તમને દેહની ભૂખ છે.
યાદ રાખજો સતી સ્ત્રીનો સજીવ દેહ પતિચરણે, દેવચરણે કે અગ્નિશરણે જ હોય છે.
બસ, માટે તમારે સમજીને પાછા વળ​વાની જરૂર છે.
મારો જીવંત દેહ તમને કદી નહીં મળે.
સ્વપ્નમાં પણ નહીં મળે.
સર્પના માથાનો મણિ કદી મળી શકે ?
અરે રાજા !
અગ્નિ ઠંડો થાય,
ચંદ્ર ગરમ થાય અને સમુદ્ર મર્યાદા મૂકે,
કિન્તુ સતીનું સતીત્વ ચળી શકે જ નહિ, માટે વિચારશો.

હું છું તમારી ભગિની(બહેન) મૃગાવતી

શું મૃગાવતી આવી વીરાંગના છે, જે ધાર્યું બાણ ફેંકી શકે છે ?

  • પ્રાતઃકાળે ચંડપ્રદ્યોત સૂર્ય જેવો ચંડ બન્યો.
  • તેણે યુદ્ધની હાકલ કરી.
    કૌશાંબી જીતો !
    ધનુષ્ય ને બાણો, ભાલા તલવાર, મુદગર ને ઘણ ઊછળવા લાગ્યાં.
  • આખરે કૌશાંબીની સેના પણ સામે આવી.
  • ઘોર લડાઇ જામી.
  • કૌશાંબીની સેના સામે ચંડપ્રદ્યોતની સેનાને પાછા હઠ​વું પડ્યું.

પરંતુ રાજા શતાનિક બેચેન હતો.

  • યુદ્ધનો થાક, કંટાળો અને ચિંતાએ તેમાં વધારો કર્યો અને એમનું હૃદય બંધ પડી ગયું, પ્રાણપંખેરૂ ઊડી ગયું.
  • મૃગાવતી ક્ષણવારમાં વિધવા બની ગઈ !
  • અચાનક જ બધી જવાબદારી આવી પડી… પણ મૃગાવતી એમ ગભરાઈ જાઇ તેવી ન્હોતી. રાજકીય આંટીઘૂંટી ઘણી જોઇ હતી. એક તો સ્ત્રી સ્વભાવથી જ મુત્સદી હોય, ને તેમાંય રાજકીય આટાપાટાનો અનુભવ મેળવેલો હોય તો પૂછવું જ શું?

હ​વે પછીના ભાગમાં આપણે જોઇએ કે યુદ્ધ કઇ દિશામા વળાંક લે છે?




શેર કર​વા નીચે ક્લિક કરો