🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭૯: મૃગાવતીજી પર પનોતીની શરૂઆત થઇ...

આપણે આગળના ભાગમાં મૃગાવતીજીનું દ્રષ્ટાંત જોઇ રહ્યા હતા… એક વખતે તેના પતિદેવે ચિત્રસભા તૈયાર કરાવવા અનેક ચિત્રકારો રોક્યા. એમાં એક ચિત્રકારે મૃગાવતીજીનું ચિત્ર આલેખ્યું. ચિત્ર સુંદર બન્યું હતું, પણ તોય રાજાનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો.

  • રાજાએ તો એ ચિત્રકારનો વધ કરવાનો હુકમ જ આપી દીધો. ત્યારે અન્ય ચિત્રકારોએ તે ચિત્રકારની દૈવી શક્તિ અંગે જણાવ્યું…

  • ચિત્રકાર સફાઇ આપતા, યક્ષ અંગેની વાત રાજા સમક્ષ કહે છે…

  • ચિત્રકારની વિનય ભરેલી વાણીથી યક્ષ પ્રસન્ન થઈને ચિત્રકારને વરદાન માંગ​વાનું કહે છે…

હ​વે આગળ,

પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન


(યક્ષ અને ચિત્રકાર વચ્ચે થઇ રહેલી વાતચીત​)

મેં (ચિત્રકાર) કીધું કે,

  • હે દેવ ! તમે જો આ ગરીબ ઉપર પ્રસન્ન થયા હો તો હું એવું વરદાન માગું છું કે, હવેથી કોઈ ચિત્રકારને મારશો નહીં

યક્ષ બોલ્યો,

  • મેં તને માર્યો નહીં. ત્યારથી જ હવે કોઈને પણ મારવાનું બંધ છે.
  • પણ હે ભદ્ર ! તારા સ્વાર્થની સિદ્ધિને માટે કાંઈ બીજું વરદાન માગી લે.

યુવાન ચિત્રકાર બોલ્યો

  • હે દેવ ! આ નગરને મહામારી જેવા ઉપદ્ર​વથી ખેદાન મેદાન કદી ન કરશો…

યક્ષ વિસ્મય પામીને બોલ્યો,

  • કુમાર ! પરમાર્થને માટે તે વરદાન માગ્યું, તેથી હું તારી ઉપર પુન: સંતુષ્ટ થયો છું, અને તારી તે માંગણી પણ મેં સ્વીકારી
  • આખરે યક્ષે પોતે જ યુવાનની ચિત્રકળા પર આશિષ વર્ષાવી “બીજાના ભલા માટે તે ઘણું માંગ્યુ… પણ હ​વે હું મારી મેળે તારી કળાને અભિનંદ​વા એટલું કહું છું કે તું મનુષ્ય, પશુ કે પંખીના અંશને નીરખ્યા પછી તેનું આખું યથાસ્થિત ચિત્ર આંકી શકીશ​….

ચિત્રકારે કહ્યું,

  • આથી જ હું કોઇના પણ આબેહુબ ચિત્રો બનાવી શકું છું.
  • રાજન ! બે દિવસ પહેલા મેં આપની રાણી મૃગાવતીજીના હાથનો અંગૂઠો જોયેલો.
  • તેના પરથી આ આખું ચિત્ર બનાવ્યું છે.
  • ચિત્ર બનાવતાં સાથળની જગાએ પોતાની મેળે પીછીમાંથી કાળો રંગ પડયો, ત્રણ-ત્રણ વાર સાફ કરવા છતાં એ રંગ વારંવાર પડવા લાગ્યો એટલે મેં એમને એમ રહેવા દીધું છે.
  • નથી તો મેં રાણીના મુખને જોયું કે નથી મેં સાથળ જોઈ !! આપ મારી પરીક્ષા પણ કરી શકો છો.

રાજાએ ચિત્રકારને કૂબડી દાસીનું મોઢું બતાવ્યું.

  • મોઢા પરથી આબેહુબ ચિત્ર તેણે બનાવી આપ્યું.
  • રાજાની શંકા તો દૂર થઇ, પણ અંદરનો ડંખ ન ગયો ! ઇર્ષ્યા અને ક્રોધથી રાજાએ ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો.

બસ… અહીંથી મૃગાવતીજી પર પનોતીની શરૂઆત થઇ ગઇ.

પોતાની નિર્દોષતા-નિરપરાધતા સિદ્ધ કરી આપવા છતાં પોતાની આવી કદર્થનાથી ચિત્રકાર રોમ-રોમમાં સળગી ઊઠ્યો. આ શતાનિક​નો બદલો ન લઉં તો મારી ચિત્રકળા પાણીમાં ગઇ! એણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.

  • ઘણી વખત મોટા માણસો નાના માણસોને તુચ્છ સમજીને તેમનો તિરસ્કાર કરી નાખતા હોય છે, પણ આ જ નાના માણસો ક્યારેક ભારે પડી જતા હોય છે.

    • નાનો મચ્છર આખા હાથીને ઊંચો-નીચો કરી શકે છે.
    • નાનું છિદ્ર આખી હોડીને સાગરના તળિયે મૂકી શકે છે.
    • નાની ચિનગારી આખું મકાન ખાખ કરી શકે છે.
    • નાની ફોડી આખા શરીરને હચમચાવી શકે છે.

માટે જ ડાહ્યા માણસે કોઇને પણ તુચ્છ સમજી એની અવગણના ન કરવી જોઇએ.

  • ફોતરા સાવ તુચ્છ જ છે ને ? પણ છતાં એ પણ પોતાના સ્થાને મહત્ત્વપૂર્ણ છે.
    • ડાંગરમાંથી ફોતરાને કાઢી નાખો. શું થશે?
    • ડાંગર ફરી ઊગવાની શક્તિ ગુમાવી બેસશે.
    • કોણે કહ્યું, ફોતરા સાવ તુચ્છ છે? ફોતરાનું પણ આટલું મહત્વ હોય તો માણસનું કેટલું?

બદલા લેવાનો વિચાર કરી તે ચિત્રકારે એક પાટિયા ઉપર મૃગાવતીદેવીને અનેક આભુષણો સહીત આલેખી અને પછી સ્ત્રીઓના લોલુપી અને પ્રચંડ એવા ચંડપ્રદ્યોત રાજાની પાસે જઇ તે મનોહર ચિત્ર બતાવ્યું.

તે જોઇ ચંડપ્રદ્યોતે કહ્યું,

હે ઉત્તમ ચિત્રકાર ! તારું ચિત્રકૌશલ્ય ખરેખર વિધાતા જેવું જ છે એમ હું ધારું છું.

  • આવું સ્વરૂપ આ માનવલોકમાં પૂર્વે કદી પણ જોવામાં આવ્યું નથી, તેમ જ સ્વર્ગમાં આવું રૂપ હોય તેમ સાંભળવામાં પણ આવ્યું નથી.
  • હે ચિત્રકાર ! આવી સ્ત્રી ક્યાં છે ? તે ખરેખર કહે તો તરત જ હું તેને પકડી લાવું, કેમ કે એવી સ્ત્રી કોઈ પણ સ્થાને હોય તો તે મારે લાયક છે.

રાજાનાં આવાં વચન સાંભળી, “હવે મારો મનોરથ પૂરો થશે” એવું ધારી, ચિત્રકારે હર્ષિત થઈને કહ્યું કે,

હે રાજા ! કૌશાંબી નગરીમાં શતાનિક નામે રાજા છે.

  • તેની મૃગાવતી નામે આ મૃગાક્ષી એ સિંહ જેવા પરાક્રમી રાજાની પટરાણી છે.
  • તેનું યથાર્થ રૂપ આલેખવાને તો વિશ્વકર્મા પણ સમર્થ નથી.
  • મેં તો આમાં જરા માત્ર રૂપ જ આલેખ્યું છે.

જો ચંડપ્રદ્યોત રાજાની આંખે કામુકતાના પડલ ન ચડ્યા હોત તો…તો રાજા આમ વિચારત…

આ મૃગાવતી ? શિવા દેવીની સગી બહેન ? ચેટક રાજાની પુત્રી ! એ મારી સ્ત્રીની બહેન એ મારી જ બહેન કહેવાય ! (સાળી) એના ચિત્ર સામે મારાથી મેલી દ્રષ્ટિએ જોવાય જ નહિ ! લે તારૂં ચિત્ર ! આવી પ​વિત્ર અને આત્મીય નારીના નિર્મળ વ્યાપારની વસ્તુ બનાવતા તારી પીંછી ભાંગી કેમ ન ગઇ?

પણ આ રાજાને તો કામુકતાના પડલ ચડી ગયા હતા… અને મૃગાવતી ના ચિત્રે ચંડપ્રદ્યોત ઉપર, ચિત્રકારે ઈચ્છી હતી તેવી જ ભૂરકી નાખી દીધી. અને તેથી તો કહે છે આવું રૂપ તો મારી જીંદગીમા હું પહેલી જ વાર જોઉ છું…

ચંડપ્રદ્યોતે કહ્યું કે,

મૃગના દેખતાં સિંહ જેમ મૃગલીને ગ્રહણ કરે, તેમ હું શતાનિક રાજાના દેખતાં એ મૃગાવતીને ગ્રહણ કરીશ.

ચિત્રકાર પોતાનો પુરસ્કાર લઇને પાછો ફર્યો…

  • પણ ચંડપ્રદ્યોતની ઉંઘ ઉડી ગઇ…
  • મૃગાવતીને પોતાના અંત:પુરમાં કેમ લાવ​વી એ વિચારે એને લગભગ બુધ્ધિશૂન્ય​ બનાવી દીધો…
  • યુધ્ધમાં તે એકો હતો… તેટલો જ કપટબાજીમાં પણ કૂશળ હતો નીતિની પણ પર​વાહ રાખે તેવો ન હતો અને કોઇની સલાહ લેવી એ પણ સ્વીકારતો ન હતો…

  • રાજનીતિ પ્રમાણે પ્રથમ પોતાની(ચંડપ્રદ્યોતની) મૃગાવતી અંગેની માગણી કરવાને દૂત મોકલવો યોગ્ય છે, કે જેથી રાજા શતાનિક, ચંડપ્રદ્યોતની આજ્ઞા માને તો કાંઈ પણ અનર્થ ન થાય એવો વિચાર કરીને ચંડપ્રદ્યોતે પોતાના દૂતને સમજાવીને શતાનિક રાજા પાસે મોકલ્યો.

તે દૂતે શતાનિક રાજાની પાસે આવી આ પ્રમાણે કહ્યું,

હે શતાનિક રાજા ! ચંડપ્રઘોત રાજા તમને આજ્ઞા કરે છે કે, તે દૈવયોગથી મૃગાવતીદેવીને પ્રાપ્ત કરી છે.

  • પણ એ સ્ત્રીરત્ન મારે યોગ્ય છે, માટે જો રાજ્ય અને પ્રાણ વહાલાં હોય તો તેને સત્વરે અહીં મોકલી દે.

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇએ કે રાજા શતાનિક આનો પ્રતિભાવ શું આપે છે…




શેર કર​વા નીચે ક્લિક કરો