ભાગ ૮૪: મૃગાવતીને જોરદાર ઝાટકો લાગ્યો
આગળનાં ભાગમાં આપણે જોયું કે સૂર્ય-ચન્દ્ર ચાલ્યા જતાં એકદમ અંધારું થઈ જતાં મૃગાવતી હાંફળી-ફાંફળી થતી જલ્દી-જલ્દી મુકામે જવા લાગે છે…
મૃગાવતીના ગુરુણીજીએ શાંતભાવે ઠપકો આપતાં ફક્ત એટલું કહ્યું,
તમારા જેવા કુલીનને આટલું મોડું આવવું ન શોભે !
મૃગાવતીનું અંતર-નાવ તોફાને ચડ્યું.
હવે આગળ,
પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન
જો મૃગાવતીએ પરદોષદર્શન કર્યા હોત તો…
- ચંદનબાળા કોણ? સૌના સાંભળતાં મને એવાં મર્મવેધક શબ્દો સંભળાવનાર એ ચંદનબાળા કોણ?
- મેં એવો તે ક્યો ભારે અપરાધ કર્યો હતો ?
- સૂર્ય-ચંદ્રના વિમાન પોતે ઊતરી આવ્યાં અને પ્રકાશ પથરાઈ ગયો, તેમાં હું શું કરું?
- રાત્રિને રાત્રિ જાણીને બહાર રહી હોઉં તો હજુ પણ હું દોષને પાત્ર ગણાઉં, એમ થયું હોય અને મને ટોણો મારે તો ખમી લઉં, પણ દિવસ જેવો દિવસ હોય અને અજાણતા થોડું મોડું થઈ જાય એમાં ખાટું-મોેળું શું થઈ ગયુ ?
- અને હું બીજે કયાંય કુથલી કે નિંદા કરતી થોેડી જ બેઠી હતી ? હતી તો ભગવાન મહાવીરની પાસે જ ને?
પણ અહીં તો મૃગાવતીએ સ્વદોષદર્શન કરવા માંડ્યા…
- વહાણના વિંઝાતા શઢને સંકેલી લેતી હોય-તોફાની પવનને શઢની અંદરથી કાઢી નાખતી હોય તેમ વળી તે વિચારવા લાગી.
- રાણીપદનું એક વખતનું અભિમાન આ બધું છાનુંમાનું બોલી જતું લાગે છે. હું કોણ? કૌશાંબીની એક વખતની મહારાણી ! ખોટી વાત.
- મહારાણી પદને અને હું પદ-મોહ-અભિનિવેશ માત્રને વિશ્વવંદ્ય વીરપ્રભુની સાક્ષીએ વોસરાવનાર-ત્યાગ કરનાર, હું કેવા અવળા ચીલે ચડી ગઈ ?
- ભિક્ષુણીને વળી માન-સન્માન શું અને અપમાન-અવગણના શું ?
- લૌકિક તેમજ આસુરી વિટંબના માત્રનું સ્વાગત કરવા તૈયાર થયેલી મૃગાવતી આવાં મેણાં-ટોણાં ગણીને ગાંઠે બાંધે તે પછી એની દીક્ષા, સંયમ, તપની બડાઈ આત્મછલના સિવાય બીજુ શું ગણાય?
- ચંદનબાળાએ મારા હિતાર્થે જ મને બે વેણ કહ્યાં હતાં, એવા તો બીજા કેટલાય દોષો અંતરના તળિયે બેઠા હશે. એને સંશોધન કરવાને બદલે હું કેવા દુર્ધ્યાનમાં સરકી પડી?
આખી કૌશાંબી ઉપર નિદ્રાનું ઘારણ ફરી વળ્યુ હતું.
- સંસારની બુરાઈઓ ધોઇ નાખવા, ઘર-સંસાર તજીને ત્યાગી-તપસ્વી બનેલા મહારથીઓ પણ અત્યારે ન-છૂટકે નિદ્રાના ખોળે પડ્યા હતા.
- માત્ર મૃગાવતીની આંખમાં ઊંઘ ન હતી.
- ચંદનબાળા અને બીજી સાધ્વીઓના સંથારા વચ્ચે મૌનભાવે બેસીને અંતરમાં ઊઠેલા ઝંઝાવાતને શમાવવા એકલે પંડે ઝઝુમતી હતી.
- એટલું એક સદભાગ્ય હતું કે મૃગાવતી હજી ધ્યેય અને સુકાન નહોતી ભૂલી.
- લોકકલ્યાણ અને આત્મકલ્યાણના સાધક-સાધિકાઓના રાહ, ફૂલથી છવાયેલા નથી હોતા. ત્યાં તો અણધારી શૂળો પગમાં ભોંકાય છે, અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોનું આખું કંટકવન વીંધી જવાનું નિર્માયું હોય છે. એ બધું એના લક્ષબહાર નહોતું. પગલે પગલે જ્યાં અન્યાય ને અપમાનને પ્રસન્ન મને સત્કાર કરવાનું હોય ત્યાં એક મેણું, એક ઉપાલંભ કયા હિસાબમાં છે?
- જો આવો જ હિસાબ રાખવાનો હોય પછી ભગવાનની સમક્ષ આત્માને વોસરાવવાનો, રાજીખુશીથી સર્વસ્વનું બલિદાન ધરવાની પ્રતિજ્ઞાને અર્થ જ શું છે ?
આમ મૃગાવતી કોમળ છતાં કઠણ હૈયાની હતી. આત્મસંશોધનમાં તે ક્રમે ક્રમે એટલે ઊંડે ઊતરતી ગઇ…
- બસ… થઇ રહ્યું.
મૃગાવતીને જોરદાર ઝાટકો લાગ્યો,
અરેરે.. મારા માટે થઇને ગુરુણીજીને આટલું બોલવું પડે ?
હું કેવી પ્રમાદી ?
કેવી અવિનીત ?
ક્યારે મારું કલ્યાણ થશે ?
- તે પશ્ચાત્તાપની ધારામાં વહેવા લાગી. પશ્ચાત્તાપની તેની ધારા એવી તીવ્ર બની કે એમાં તેના બધા જ ઘાતી કર્મો તણાઈ ગયા.
- મૃગાવતીની અંદર અનંત શક્તિનો વિસ્ફોટ થયો.
- જેના માટે મૃગાવતી બધી સાધના કરતી હતી તે કેવળજ્ઞાને આવીને મૃગાવતીના કંઠે વિજયમાળા પહેરાવી.
- મૃગાવતી કેવળજ્ઞાની બની ગઈ. મૃગાવતીના ગુરુણીજી હજુ છદ્મસ્થ હતાં અને તે કેવળી બની ગઈ!
કેવળજ્ઞાનના પ્રકાશમાં મૃગાવતીએ જોયું કે તેના ગુરુણીજીની પાસેથી કાળો સાપ પસાર થઈ રહ્યો છે.
- તેને હાથ જરા સંથારાની અંદર મૂક્યો.
- ઝબકીને જાગેલા તેના ગુરુણીજીએ હાથને અડવાનું કારણ પૂછ્યું ત્યારે તે સત્ય વાત જણાવી.
ગુરુણીજીએ પૂછ્યું,
આવા અંધારામાં કાળો સાપ તને શી રીતે દેખાયો ?
તને કોઈ જ્ઞાન થયું છે કે શું ?
ક્યું જ્ઞાન થયું છે ? પ્રતિપાતી કે અપ્રતિપાતી?
મૃગાવતીએ કહ્યું,
અપ્રતિપાતી.
- બસ… થઇ રહ્યું. ગુરુણીજી પણ એવા પશ્ચાત્તાપની ગંગામાં ઝીલવા લાગ્યાં કે એમને પણ કેવળજ્ઞાન થઇ ગયું.
જ્યારે પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન થયું છે ત્યારે હંમેશા ઉન્નતિ જ થાય છે… શાસ્ત્રોમાં પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન કરનાર અને કેવળજ્ઞાન મેળવનારનાં ઘણા દ્રષ્ટાંતો મળે છે… તો ચાલો આપણે પણ પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન કરીએ અને ઉન્નતિ સાધીયે…
હવે પછીનાં ભાગમાં આપણે આજ્ઞા વિશે જાણીશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶