ભાગ ૮૨: હે ભગવંત ! 'યાસા સાસા' એ વચનનો શો અર્થ છે ?
આગળનાં ભાગમાં આપણે જોયું કે મૃગાવતીએ સ્ત્રીસહજ કપટકળા તરત જ કામે લગાડી.
- અને ચંડપ્રદ્યોત દ્વારા કૌશાંબીની ફરતે મજબૂત કિલ્લો બનાવડાવી લીધો અને પછી કૌશાંબીની આસપાસ તેણે પોતાનું લશ્કર ગોઠવી દીધું.
- અને કિલ્લા પરથી સુરક્ષાપૂર્વક મૃગાવતીજીના સુભટો ચંડપ્રદ્યોતના સૈન્ય પર પ્રહાર કર્યે જતા હતા.
એક વખત મૃગાવતીને વિચાર આવ્યો,
હું કમભાગી છું કે કિલ્લામાં પૂરાયેલી છું, આ કિલ્લામાંથી તો હવે ભગવાન જ બહાર કાઢી શકે.
હવે આગળ,
પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન
બીજા જ દિવસે ભગવાન શ્રી મહાવીરસ્વામી કૌશાંબીના પાદરે સમવસર્યા.
- મનોરથની સાથે જ પ્રાપ્તિ થઇ ગઇ, આપણે પ્રભુને સાચા હૃદયથી સમરીએ તો પ્રભુ આવે જ.
- પ્રભુ સામે આપણે એક ડગલું ભરીએ તો પ્રભુ આપણી સામે નવ્વાણું ડગલાં ભરતાં આવે જ.
- ભક્ત જ પ્રભુને ઝંખે છે એવું નથી. ભગવાન પણ ભક્તને ચાહે છે, શોધે છે.
મૃગાવતીના મનોરથને જાણીને જ ભગવાન કૌશાંબીમાં આવ્યા હતા.
- ભગવાનના પદાર્પણના સમાચાર મળતાં જ મૃગાવતી નિર્ભય બની ગઇ.
- પ્રભુ સ્વયં નિર્ભય છે - બીજાને પણ નિર્ભય બનાવે છે. માટે જ પ્રભુ “અભયના દાતા” કહેવાય છે.
કિલ્લાના દરવાજા ખોલી મૃગાવતી ઠાઠમાઠપૂર્વક ભગવાનને વાંદવા ચાલી.
- ચંડપ્રદ્યોત પણ આવ્યો. હા… એ પણ મૃગાવતીની જેમ ભગવાનનો ભક્ત હતો.
-
બંને ભગવાનના સમવસરણમાં હતા… પણ કોઈ ઉપદ્રવ નહિ, કોઇ અનિચ્છનીય પ્રસંગ બન્યો નહિ. ભગવાનનો આ જ તો પ્રભાવ છે.
- એમની હાજરી માત્રથી જ બધા જ ઉપદ્રવો ઊભી પૂંછડીએ ભાગી છૂટે. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોઇ શકે. પ્રભુ હોય ત્યાં ઉપદ્રવ ન હોઈ શકે.
દેશનામાં ભગવાને વિષય-વાસનાની ભયંકરતા સમજાવી.
- અહીં સર્વજ્ઞ પધાર્યા છે એમ જાણી કોઈ એક ધનુષધારી પુરુષ પ્રભુની પાસે આવ્યો અને નજીક ઊભો રહીને પ્રભુને મન વડે જ પોતાનો સંશય પૂછ્યો.
પ્રભુ બોલ્યા,
અરે ભદ્ર ? તારો સંશય વચન દ્વારા કહી બતાવ કે જેથી આ બીજા ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે.
પણ તે લજજાવશ થઈ સ્પષ્ટ બોલવાને અસમર્થ છે તેથી તે થોડા અક્ષરોમાં બોલ્યો કે,
હે સ્વામી ! “યાસા, સાસા”
પ્રભુએ પણ ટૂંકમાં જ જવાબ આપ્યો,
“સાસા સાસા”
તે સાંભળી ગૌતમ સ્વામીએ પૂછ્યું કે,
હે ભગવંત ! “યાસા સાસા” એ વચનનો શો અર્થ છે ?
- ત્યારે ભગવાને પૂછનારનો પૂર્વભવ બતાવ્યો.
પ્રભુ બોલ્યા કે,
- આ ભરત ક્ષેત્ર - ચંપાનગરીમાં એક સ્ત્રીલંપટ સુવર્ણકાર હતો.
- તે પૃથ્વી પર ફરતો હતો અને જે જે રૂપવતી કન્યા જોતો તેને પાંચસો પાંચસો સોનૈયા આપીને પરણતો હતો.
- એવી રીતે અનુક્રમે તે પાંચસો સ્ત્રીઓને પરણ્યો અને પ્રત્યેક સ્ત્રીને તેણે સર્વ અંગનાં આભૂષણો કરાવી આપ્યાં હતાં.
- પછી જ્યારે જે સ્ત્રીનો વારો આવે ત્યારે તે સ્ત્રી સ્નાન, અંગરાગ વગેરે કરી સર્વ આભૂષણો પહેરી તેની સાથે ક્રિડા કરવાને સજજ થતી હતી.
- તેના સિવાય બીજી કોઈ પણ સ્ત્રી જો પોતાના વેશમાં કાંઈ પણ ફેરફાર કરે તો તે તેનો તિરસ્કાર કરી માર મારતો.
- પોતાની સ્ત્રીઓના અતિ ઈર્ષાળુપણાથી તેમના રક્ષણમાં તત્પર એવો સોની, કદી પણ ગૃહદ્વારને છોડતો નહોતો.
- તેમ જ કોઈ સ્વજનોને તે પોતાના ઘરે બોલાવતો નહતો તેમ જ તે પણ સ્ત્રીઓના અવિશ્વાસથી પોતે પણ બીજાને ઘેર જમવા જઈ શકતો નહોતો.
એક વખત તેનો કોઈ પ્રિય મિત્ર જો કે તે ઇચ્છતો ન હતો પણ તેના અતિ આગ્રહથી પોતાને ઘેર જમવા લઈ ગયો, કેમ કે તે મૈત્રીનું આદ્ય લક્ષણ છે.
સોનીના બહાર જવાથી તેની સર્વ સ્ત્રીઓએ ચિંતવ્યું કે,
આપણા ઘરને, આપણા યૌવનને અને આપણા જીવિતને પણ ધિક્કાર છે કે જેથી આપણે અહીં કારાગૃહની જેમ બંદીવાન થઈને રહીએ છીએ.
- આપણો પાપી પતિ યમદૂતની જેમ કદી પણ બહાર જતો નથી, પરંતુ આજે તે કાંઈક ગયો છે એટલું સારું થયું છે, માટે ચાલો, આજે તો આપણે થોડી વાર સ્વેચ્છાએ વર્તીએ.
- આવો વિચાર કરીને સર્વ સ્ત્રીઓએ સ્નાન કરી, અંગરાગ લગાવી ઉત્તમ પુષ્પમાળાદિ ધારણ કરી, સુશોભિત વેષ ધારણ કર્યો.
- પછી સર્વે દર્પણ લઈ પોતપોતાનું રૂપ તેમાં જોતી હતી, તેવામાં તે સોની આવ્યો અને આ બધું જોઈને અંત્યત ક્રોધ પામ્યો
- તેથી તેઓમાંથી એક સ્ત્રીને પકડી તેણે એવી મારી, જેથી હાથીના પગ નીચે ચંપાયેલી કમળિનીની જેમ તે મૃત્યુ પામી ગઈ.
તે જોઈ બીજી સ્ત્રીઓએ વિચાર કર્યો કે,
- આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ.
- આવા પાપી પતિને જીવતો રાખવાથી શું ફાયદો છે ?
- આવો વિચાર કરીને તે બધીએ નિઃશંક થઈને ચારસો ને નવાણું દર્પણો તેની ઉપર ફેંક્યાં, તેથી તત્કાળ તે સોની મૃત્યુ પામી ગયો. પછી પશ્ચાત્તાપ કરતી સ્ત્રીઓએ અગ્નિસમાધિ લીધી.
હવે પછીના ભાગમાં આપણે જોઇએ કે તેના પછીના ભવમાં તે પાંચસો સ્ત્રીઓ અને સોની ક્યા જન્મે છે…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶