🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮૧: ભગવાન શ્રી મહાવીરસ્વામી હજુ પૃથ્વીતટ પર વિહરી રહ્યા છે, તો શા માટે એમના ચરણોમાં સમર્પિત બની મારા જીવનને સફળ ન બનાવું?

આગળના ભાગમાં આપણે જોયું કે કૌશાંબીની સેના સામે ચંડપ્રદ્યોતની સેનાને પાછા હઠ​વું પડ્યું…

  • પરંતુ રાજા શતાનિક બેચેન હતો…
  • યુદ્ધનો થાક, કંટાળો અને ચિંતાએ તેમાં વધારો કર્યો અને એમનું હૃદય બંધ પડી ગયું, પ્રાણપંખેરૂ ઊડી ગયું
  • મૃગાવતી ક્ષણવારમાં વિધવા બની ગઈ ! અચાનક જ બધી જવાબદારી આવી પડી…

હ​વે આગળ,

પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન


પણ… મૃગાવતીને તેના શીલની ચિંતા હતી, એના નાના પુત્ર ઉદયનની ચિંતા હતી, પ્રજાના રક્ષણની ચિંતા હતી.

  • શરૂઆતમાં તો શું કરવું ? કાંઈ સૂઝયું નહિ.
  • પણ તરત જ બધી નિરાશા ખંખેરી મૃગાવતી જવાબદારીઓ પ્રત્યે સાવધાન થઇ ગઇ.
  • જવાબદારી આવી પડે છે ત્યારે પોતાની મેળે જ અંદર સુષુપ્ત પડેલી શક્તિઓ જાગૃત થઇ ઊઠે છે.
  • ભય, યુદ્ધ કે કટોકટીના સમયમાં નબળામાં નબળો માણસ પણ બળવાન બની જાય છે. કારણ કે ત્યારે તેની બધી જ શક્તિઓ એક સાથે જાગૃત થઇ કામે લાગી જાય છે.

મૃગાવતીએ સ્ત્રીસહજ બુદ્ધિ તરત જ કામે લગાડી.

  • મૃગાવતી જાણતી હતી કે ચંડપ્રદ્યોતને લશ્કરી તાકાતથી જીતવો મુશ્કેલ છે.
  • જો સૈનિક-શક્તિથી લડવા જઇશ તો અવશ્ય હારી જઇશ, શીલ-રક્ષા ભયમાં મૂકાઇ જશે અને પ્રજા પણ બરબાદ થઇ જશે.
  • શીલ-રક્ષા માટે જો આપઘાત કરીશ તો નાના પુત્ર ઉદયનનું ભવિષ્ય શું? આમ તો રાજનીતિ એમ કહે છે કે બળવાનનું શરણું લઈ લેવું, પણ જો તેમ કરે તો શીલની રક્ષા કરવી મુશ્કેલ થઈ જાય.
  • સ્ત્રી સહજ કપટકળા જ અહીં અજમાવ​વી પડશે, શીલાદિની રક્ષા માટે કપટ કરવું પડે તો એમાં પાપ નથી.

મૃગાવતીએ દૂત દ્વારા ચંડપ્રદ્યોતને સંદેશો મોકલાવ્યો,

રાજન ! હવે તો આપ જ મારા સ્વામી છો.

  • પણ આપ જાણો છો કે જો હું અત્યારે મારા નાના બાળકના ભરોસે આ નગરી છોડીને આપની સાથે આવી જાઉં તો શત્રુરાજાઓને તો મોટી તક મળી જાય.
  • આપ કહેશો કે હું બેઠો છું પછી કયા શત્રુની આંખ ઊંચી કરવાની તાકાત છે ? પરંતુ આપ તો રહો ઉજજૈનમાં અને શત્રુઓ રહે છે અહીં નજીકમાં… સાપ ઓશીકા નીચે અને ઔષધિઓ હિમાલયમાં.. ઉપચાર શી રીતે થાય?
  • માટે મારી આપને વિનંતી છે કે મારો સ્વીકાર કરતાં પહેલાં કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો બનાવી આપો. ઉજ્જૈનની ઇંટો ખૂબ જ મજબૂત હોય છે - એમ મેં સાંભળ્યું છે. તો આપને તો ઉજજૈનની ઇંટો દ્વારા કિલ્લો બનાવવો ડાબા હાથનો ખેલ છે. કિલ્લો બની જાય પછી હું આપની શરણમાં જ છું.

મૃગાવતીના આવા સંદેશાથી ચંડપ્રદ્યોત રાજી-રાજી થઈ ગયો,

વાહ ! મૃગાવતી સામે ચડીને મને ઝંખે છે !
મારા જેવા રૂપવાન અને બળવાનને કોણ ન ઝંખે?
શતાનિક​થી એ આમેય કંટાળી ગઈ હશે !
નમાલો પતિ કઈ સ્ત્રીને ગમે ?
આખરે તો કુદરત યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર મેળવી જ આપે છે.
જુઓને ! કુદરતે શતાનિક​ને સ્વર્ગલોકમાં પહોંચાડી દીધો…
મૃગાવતીને મારા માટે તૈયાર કરી આપી !
સાચે જ હું સોભાગ્યશાળી છું !

  • આવા કંઇ વિચારોથી ગાંડા-ઘેલા બનેલા ચંડપ્રદ્યોતે ઉજજૈનથી ઇંટો મંગાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો બનાવી દીધો. એ મૂરખને ક્યાં ખબર હતી કે આ જ કિલ્લો તેને ભારે પડવાનો છે ?
  • કોશેટાને ક્યાં ખબર હોય છે કે મારા જ તંતુઓ મારા માટે ખતરનાક બનશે ?

આ કિલ્લો બની ગયા પછી મૃગાવતીએ બીજા સંદેશા દ્વારા ચંડપ્રદ્યોત પાસેથી ધન, ધાન્ય, બળતણ આદિથી આખી નગરીને સમૃદ્ધ બનાવી દીધી.

  • બસ… હવે ચોટલી મૃગાવતીના હાથમાં આવી ગઈ, તરત જ કિલ્લાના બધા જ દરવાજા બંધ કરાવી દીધા.
  • ચંડપ્રદ્યોતને મૃગાવતીની મુત્સદગીરીનો હવે ખ્યાલ આવી ગયો.
  • એ વિલખો પડી ગયો ! એનું મોઢું કાળું થઇ ગયું ! જાણે ફળ-ભ્રષ્ટ થયેલો વાંદરો !

પણ એમ એ કાંઈ ગાંજ્યો જાય તેવો ન હતો.

  • કૌશાંબીની આસપાસ તેણે પોતાનું લશ્કર ગોઠવી દીધું.
  • મૃગાવતીએ કિલ્લા પર સુભટોને ગોઠવી દીધા.
  • કિલ્લા પરથી સુરક્ષાપૂર્વક તેના સુભટો ચંડપ્રદ્યોતના સૈન્ય પર પ્રહાર કર્યે જતા હતા.
  • આમ કેટલોય વખત વીતી ગયો.

એક વખત મૃગાવતીને વિચાર આવ્યો,

રે જીવ ! જીવન તો આમ ને આમ વહી જશે..
આ જીવન શું એમ ને એમ એળે જવા દેવું છે ?
આયુષ્ય કેટલું ક્ષણભંગુર છે ?
નજરની સામે જ પતિદેવ પરલોક ચાલ્યા ગયા. જમનું તેડું ક્યારે આવે. શો ભરોસો?
ભગવાન શ્રી મહાવીરસ્વામી હજુ પૃથ્વીતટ પર વિહરી રહ્યા છે, તો શા માટે એમના ચરણોમાં સમર્પિત બની મારા જીવનને સફળ ન બનાવું?
પણ હું કમભાગી છું કે કિલ્લામાં પૂરાયેલી છું, આ કિલ્લામાંથી તો હવે ભગવાન જ બહાર કાઢી શકે.

હ​વે પછીના ભાગમાં આપણે જોઇએ કેં, મૃગાવતીની પ્રભુ મહાવીર ને મળ​વાની આશ પુરી થશે કે નહિ…




શેર કર​વા નીચે ક્લિક કરો