ભાગ ૫૨: શુભ વિચારને નહીં આવવા દઇએ તો અશુભ વિચારો ચિત્તમાં આવ્યા વિના રહેશે જ નહીં. પણ જો શુભ વિચારને ચિત્તમાં ભરી દઇશું તો અશુભવિચારો ચિત્તમાં ઉભરાશે નહીં
આગળનાં ભાગમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે જોઇ રહ્યા હતા…
૨૧D.નિશ્ચય-વ્યવહાર
સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજીએ કહ્યું છે,
“કષ્ટ કરો સંયમ ધરો, ગાળો નિજ દેહ,
જ્ઞાનદશા વિણ જીવને નહિ કર્મનો છેહ”
- નિશ્ચયવાદીઓને તો જાણે આમાં મજા પડી ગઇ કે,
“જ્ઞાનદશાથી જ કર્મનાશ થાય છે, બાહ્ય વ્યવહાર બધાય બોગસ છે!”
-
પરંતુ આ વાકય તો નિશ્ચયનયની દૃષ્ટિનું છે, જે આત્માઓ માત્ર બાહ્ય વ્યવહારમાં લીન હોય તેમને ચીમકી આપીને, તેમના જીવનમાં જ્ઞાનદશાનો નિશ્ચયનય ઉતારવો છે. એકલે નિશ્ચય ન ચાલે તેમ એકલે વ્યવહાર પણ ન ચાલે. જ્યાં વ્યવહાર જ “એકલો” જોવા મળે ત્યાં આવું કહીને નિશ્ચય લાવે જ રહ્યો. કેમકે એકલા વ્યવહારથી કલ્યાણ નથી.
-
આમ જે વાકય, વ્યવહારનયની દષ્ટિના જીવનમાં વધુ પડતાં ઢળી પડતાં જીવોની સમતુલા જાળવવાની અપેક્ષાએ જણાવવામાં આવ્યું છે તે વાકયને કશોય શુભ વ્યવહાર ન પાળતાં જીવોની સામે રજૂ કરી દેવું એ તો કેટલું ભયંકર પાપ ગણાય!
-
જે જિનમત નિશ્ચય વ્યવહારની સમતુલામાં જ માને છે તે જિનમતના નામે એકાન્ત નિશ્ચયનયની વાતો કરવી અને વ્યવહારને એકદમ વખેાડી નાંખવો એ શું જિનમત કહેવાય ?
શાસ્ત્રની જે વાતો જે અપેક્ષાઓ સાથે જણાવી હોય તે વાતો તે જ રીતે જણાવવી જોઈએ. કોઇ પણ વાતને વચ્ચેથી ઉપાડી લઈને જણાવવી અને આગળ પાછળની બીજી વાતોને ગુપ્ત રાખવી એ કેવું કહેવાય ?
-
એ જ મહોપાધ્યાયજીએ સ્તવનમાં કહ્યું છે જે આપણે ભાગ ૪૯ માં જોયું હતું.
નિશ્ચયદ્રષ્ટિ હૃદય ધરીજી,
પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશેજી,
ભવસમુદ્રનો પાર .
- આમાં મહોપાધ્યાયજીએ વ્યવહારનયનું સંપૂર્ણ સમર્થન કરેલ છે.
કષ્ટ કરો સંજમ ધરો ગાળો નિજ દેહ….
- આ એક પંક્તિ ઉપર વ્યવહારનયના સંયમધર્મની–એ જીવનના ઉગ્રતપની-મશ્કરીઓ ઉડાડનારા એ વાત કેમ ભૂલી જાય છે કે એવું કથન કરનારા મહોપાધ્યાયજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જેમ જેમ આત્મા અંતરગ રીતે સંયમી બનતો જાય તેમ તેમ બહિરંગ રીતે તે પોતાના શરીર સાથે જ વધુને વધુ જંગ ખેલતો જાય. આ વિધાન તો ઘોર તપ-ત્યાગનું સચોટ સમર્થન કરે છે.
હવે અહીં પ્રશ્ન એ થશે કે ક્રિયાત્મક વ્યવહાર ઉપાદય ખરો પણ તે સમ્યગદર્શનની પ્રાપ્તિ થયા પછીનો જ મોક્ષ પ્રાપક બને? મિથ્યાત્વ અવસ્થાની જે ધર્મક્રિયાઓ હોય તે તો મોક્ષપ્રાપક ન જ કહેવાયને?
- નિશ્ચયનયની દ્રષ્ટિએ આ વાત સાચી છે. પરંતુ વ્યવહારનય એમ કહે છે કે મિથ્યાત્વની અવસ્થામાં પણ જે ક્રિયાઓ સમ્યગદર્શન-ગુણને પ્રગટ કરવામાં સહાયક બનવાનું જ કામ કરતી હોય તે ક્રિયાઓને પણ ધર્મ જ કહેવો જોઇએ.
- ભલે મિથ્યાત્વસહિતની તે ક્રિયા છે પણ જો તે ક્રિયા સમ્યકત્વ પમાડવામાં જ સહાયક બનતી હોય તો તે ક્રિયાને ધર્મક્રિયા કેમ ન માનવી? કારણ કે સમ્યકત્વ પણ મિથ્યાત્વી આત્મા જ પામે છે ને?
- અહીં એક વસ્તુ નક્કી છે કે, શુભક્રિયામાં બેસવા માત્રથી જ અશુભક્રિયાની નિવૃતિ, અશુભભાવોની તીવ્રતાની નિવૃતિ અને શુભક્રિયામાં પ્રવૃતિ તથા શુભભાવોના જન્મની મોટી શક્યતા છે.
- અશુભક્રિયાની નિવૃતિ કરી શુભક્રિયામાં પ્રવૃત થઇ જવા છતા મનમાં અશુભનો ધસારો ચાલુ રહી જાય તેવું બને પણ તે કોઇકવાર જ બનશે.
જેમકે, ખેડૂત ખેતરમાં કંઇપણ ન વાવે તો પણ ઘાસ ઉગ્યા વિના ન રહે કારણ કે ઘાસને ઉગાડવું પડતું જ નથી.
- આ જ વાતને આપણે એ રીતે વિચારીએ કે શુભક્રિયા નહીં કરીએ - શુભ વિચારને નહીં આવવા દઇએ તો અશુભ વિચારો ચિત્તમાં આવ્યા વિના રહેશે જ નહીં. પણ જો શુભ વિચારને ચિત્તમાં ભરી દઇશું તો અશુભવિચારો ચિત્તમાં ઉભરાશે નહીં અને આના માટેનું સરળ સાધન ધર્મક્રિયામાં - શુભક્રિયામાં પ્રવૃતિ કરવાનું જ છે.
શુભક્રિયાનું કાર્ય અને અશુભને દૂર કરવાનું એક દ્રષ્ટાંત આપણે જોઇએ.
-
કોઇ એક ગામમાં પિતા-પુત્ર રહેતા હતા. જેઓની પાસે એક ગાય હતી. પિતા રોજ ગાયને ચરાવવા વનમાં લઇ જતા અને ગાય સવાર-સાંજ ૫-૫ લિટર દૂધ દેતી. એક વખત પિતા માંદા પડ્યા. ગાયે જાતે જંગલમાં ચરી આવવાનું રાખ્યું. પણ એથી ગાય રોજનું ૩-૩ લિટર દૂધ દેવા લાગી. આ વાતની પુત્રે પિતાને જાણ કરી. પિતાએ કહ્યું, બેટા, એ માટે બીજું કંઇ જ કરવાની જરૂર નથી, તુ ગાયને ખીલે બાંધ એટલે ફરી ૫-૫ લિટર દૂધ દેવા લાગી જશે.
-
“અરે, ખીલ્લે બાંધવાથી કંઇ ૨-૨ લિટર દૂધ વધી જાય?” પુત્ર વિચારમાં પડ્યો.
-
પિતાની આજ્ઞાનું પાલન કર્યું. સાંજે જ ગાયે પુરૂ ૫ લિટર દૂધ દીધું. પુત્ર નવાઇ પામ્યો કે ખીલામાં બાંધવાથી દૂધ ઉત્પન્ન કરવાની તાકાત વધે? તેણે પિતાને પૂછ્યું, તો પિતાએ કહ્યું, બેટા દૂધ તો ગાયમાં જ છે, ખીલ્લામાં કશુ નથી પણ એકલી જંગલમાં જતી ગાયને ગમે તે માણસ દોહી લે માટે ઓછું દૂધ દેતી. પણ હવે જ્યારે ખીલે બાંધી દીધી છે એટલે બગાડ બંધ થયો અને ગાય પહેલાની જેમ દૂધ દેવા માંડી.
-
આમ, શુભક્રિયાઓ પણ આ ખીલા જેવી છે, એ ખીલે જીવ બંધાય એટલે અશુભક્રિયાઓથી શુભ વિચારોની જે ચોરી થતી હતી તે અટકી જાય કારણ કે શુભ વિચારો તો આત્મામાં હોય જ છે. આમ, ધર્મક્રિયાઓથી શુભ વિચારો ઉભરાય છે.
હવે પછીના ભાગમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે વધુ જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶