🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫૧: સૌની સાથે અને સૌથી અળગા રહેવાની ધર્મકળા શીખી લેવાની છે…સૌની સાથે રહેવું એટલે બધા પ્રત્યેની ફરજો અદા કરવી અને સહુથી અળગા રહેવું એટલે કોઈની અપેક્ષા રાખવી નહિ.

આગળનાં ભાગમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે જોઇ રહ્યા હતા…

૨૧C.નિશ્ચય-વ્યવહાર


  • જેમાં આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પામવાની રુચિ નથી, તાલાવેલી નથી એ નિશ્ચયનિરપેક્ષ વ્યવહાર ધર્મ છે તે નીચલી કક્ષા છે. આ જીવોની બુદ્ધિ જડ​ હોવાથી ક્રિયામાં સર્વસ્વ માને છે.

  • તો આની સામે વ્યવહારનિરપેક્ષ નિશ્ચયધર્મ માનવો એ પણ ભ્રમણા છે. તપ, ત્યાગ, દાન, શીલ, સેવા, વિનય, આચારધર્મ, વૈયાવચ્ચ વગેરે. આ બધા આચારધર્મની જેમાં અપેક્ષા નથી પણ નિશ્ચયથી હું સચ્ચિદાનંદ છું, હું સિદ્ધ છું, હું બુદ્ધ છું. એવું બોલવું એ માયા છે તે તો પામવાનું છે. સ્વરૂપે તો આત્મા નિર્વિકલ્પ છે. એમ બોલીએ એની ના નહીં, પણ હકીકતમાં તેવો નથી. પણ આવું સત્તાગત સ્વરૂપ છે એ સમજીને તેને પ્રગટ કરવા માટે સાધના કરવી જરૂરી છે. આવું વિચારવું એ સાધન છે. તેમ વ્યવહારધર્મ પણ સાધન છે. એક સાધનને આગળ કરીએ અને બીજા સાધનને છોડી દઇએ એ ચાલે?

નિશ્ચયને ઘૂંટતા વ્યવહાર આવે અને વ્યવહારનું પાલન કરતા નિશ્ચય આવે.

  • એકબીજાનું ખંડન કરવાથી કંઇ પ્રાપ્ત થતુ નથી.
  • જેમ કે હીરાના હારને નિશ્ચય ગણીએ અને કપડાને વ્યવહાર ગણીએ તો હીરાના હારની કિંમત તો ઘણી છે પરંતુ કપડા પહેર્યા વગરના હીરાના હાર પહેર્યા હોય તો કેવી કિંમત? આમ, કપડાના લીધે જ (વ્યવહાર) હીરાના હારની(નિશ્ચય) કિંમત થાય છે.
  • તેવી જ રીતે માત્ર વ્યવહારધર્મ(ક્રિયા આદરી લેવા) માત્રથી જ ધર્મ કર્યાનો મિથ્યા સંતોષ માનતા અને “હું ધાર્મિક છું” તેવો અહમ રાખતા માત્ર વ્યવહારવાદીઓને પણ “પાવડર વિનાની કેપ્સુલ” જેમ વ્યર્થ છે તેમ ભાવ વિનાની અને નિશ્ચય તરફ નહીં લઇ જનારી વ્યવહારક્રિયાઓ પણ આત્મકલ્યાણની અપેક્ષા એ વ્યર્થ છે.

દેહાસક્તિ છોડવા માટેની ત્યાગાદિ સાધના વિના નિશ્ચય પામી શકાતો નથી.

  • જીવનમાં ધર્મનું અમલીકરણ વ્યવહારની કઠોરસાધના વિના શક્ય નથી. દેહ અને આત્માનો અભેદ એટલો ઉંડો ઉતરી ગયો છે કે બાહ્ય સાધના પરાકાષ્ઠાની ન હોય ત્યાં સુધી નિશ્ચયના સૂત્રનો યથાર્થ તાગ પામી શકાતો નથી.
  • વ્યવહારની શુદ્ધિ નિશ્ચયદ્રષ્ટિથી છે અને અને નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારશુદ્ધિથી છે એ ભુલવું ન જોઇએ. 
  • નિશ્ચયનયની વાત છે કે દરેક આત્મા આત્મામાં છે, દરેક પુદગલ પુદગલમાં છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ અસર કરતું નથી.
  • પણ એનો વાસ્તવિક અર્થ શું છે? – એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણામ પામતું નથી. જાત્યંતર થતું નથી. ચેતન ચેતન રહે છે, જડ, જડ રહે છે. ચેતન જડ ન બની શકે અને જડ ચેતન ન બની શકે.
  • પણ એનો અર્થ એવો નથી કે ચેતન જડને અસર કરતું નથી. જડ ચેતનને અસર કરતું નથી. આમ જડ-ચેતન જો એકબીજાની નિમિત્ત–નૈમિત્તિક અસરથી મુક્ત હોત તો ધર્મતીર્થની સ્થાપના કરવાની જરૂર પણ ન રહેત.

  • શરીર જડ છે પણ આત્માયુક્ત છે ત્યાં સુધી સચિત્ત સ્કંધ છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ બને છે પુદગલના અને હોય છે જીવને. યોગની સંજ્ઞા કોના પ્રભાવે છે? ઉપયોગમય આત્મા શરીરમાં આવ્યો છે. માટે યોગ સંજ્ઞા છે. યોગ એ મોક્ષનું સાધન છે. શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તો તેને શબ કહેવાય છે, પછી તેને કોઈ યોગ કહેતું નથી. આ યોગની સંજ્ઞા ઉપયોગવાન આત્માને આભારી છે. ખાલી નિશ્ચયની વાતો કરીને તપ-ત્યાગની ઠેકડી ઉડાવનારા એ અધ્યાત્મનો દંભ સેવે છે ને દંભ જેવું એકે પાપ નથી. 

  • માયાવી બુદ્ધિ એ વ્યભિચાર છે, દુરુપયોગ છે. અને બુદ્ધિને વેડફે છે એને કંઇ મળતું નથી, એનો મોક્ષ કદી થતો નથી. બુદ્ધિનો સદુપયોગ કરનાર કંઇ પામી શકે છે.

  • કોરા ક્રિયાકાંડ એ ઊર્ધ્વગમન કરાવી શકવા સમર્થ નથી. ક્રિયા ભાવને પેદા કરાવી શકે તો ક્રિયાની સાર્થક્તા છે. એ માટે આપણે આ ક્રમને અનુસરવું જોઇએ:

ક્રિયા - વિચાર - ભાવના - ધ્યાન - સમાધિ - કેવળજ્ઞાન

પ્રવૃત્તિ બગડેલી છે માટે પરિણામ બગડેલા રહે છે

  • પહેલા અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિને છોડવી જોઇએ. પ્રવૃત્તિને સુધારતાં સુધારતાં પરિણતિને સુધારવી એ રાજમાર્ગ છે.
  • પહેલા ગુણઠાણે ગુરુવિનય, પંચાચારપાલન, ગુરુકુલવાસથી ચારિત્ર આવે છે.
  • પ્રવૃત્તિ સુધરશે તો આજે નહીં તો કાલે પરિણતિ સુધરી જશે.
  • પ્રવૃત્તિ સુધારવાથી અંદરનો રાગ છૂટે છે એટલે ગુણસ્થાનક કહેવાય છે, પહેલાં અંતરમાં રાગ હોય છે. પણ ધીરે ધીરે તે રાગ છૂટી જાય છે. સમ્યગ પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે તેનું ચોક્કસ ફળ મળતું જ હોય છે અને પ્રભુએ કહ્યું છે તે સાચું જ છે એમ સમજાય છે. 

  • જેમ કે, પરણેલી સ્ત્રીને પહેલે દિવસે પિયર કેટલું યાદ આવે? એક-બે-દસ વર્ષ થાય, બે બાળકની માતા થાય પછી એટલું યાદ આવે? ના, ફરક પડે છે ને? પછી તો આ જ મારું ઘર. પિયર ભુલાઈ જાય છે. પ્રવૃત્તિ ઉપ૨ ખૂબ આધાર છે. જે ચીજને જેટલી વધારે ઘૂંટશું તો તે ચીજ આપણને વધારે વહાલી લાગશે.
  • આપણે કોને ઘુંટીએ છીએ? પ્રવૃતિથી ઘણો લાભ છે. તેના ઉપર બધો આધાર છે એટલે કે સંસારમાં રહેવું, પણ રમવું નહીં - ઘુંટવું નહીં એટલે અંદરથી અળગા રહેવું.

“સૌની સાથે અને સૌથી અળગા રહેવાની” ધર્મકળા શીખી લેવાની છે

  • સૌની સાથે રહેવું એટલે બધા પ્રત્યેની ફરજો અદા કરવી અને સહુથી અળગા રહેવું એટલે કોઈની અપેક્ષા રાખવી નહિ. આપણા અધિકારની જમાવટ કરવી નહિ, અંદરથી વૈરાગ્ય રાખીએ તો ઘણું કામ થઈ જશે.  

હ​વે પછીના ભાગમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે વધુ જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો