🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫૦: જૈન દર્શનમાં કાયિક ક્રિયા ને બહુજ મહત્વ આપવામાં આવ્યું છે…આપણે જો ક્રિયા ન કરી શકતા હોય તો એ આપણી લાચારી છે પણ બીજાને વખોડવાનો આપણને હક્ક નથી…

આગળનાં ભાગમાં આપણે નિશ્ચય - વ્યવહાર વિશે જોઇ રહ્યા હતા…

૨૧B.નિશ્ચય-વ્યવહાર


  • ઘણા લોકો એમ માને છે કે ક્રિયાઓની ઝંઝટમાં પડવાની જરૂર નથી, મન પવિત્ર રાખો એટલે બધું કામ થઇ જાય. તો પછી મનથી પુરી અને કેરી ખાઇ લેવી, દ્રવ્યથી ખાવાની જરૂર શા માટે? જો ખાધા વિના પેટ ન ભરાય તો દ્રવ્યક્રિયા-ધર્મક્રિયા કર્યા વિના મનથી ધર્મ થઇ જાય?

  • જ્યાં સુધી જીવ શરીરથી પાપમાં એક્ટીવ નથી થતો ત્યાં સુધી તેને પાપમાં મજા નથી આવતી, તેમ જ્યાં લગી જીવ શરીરથી ધર્મમાં એક્ટીવ નથી થતો ત્યાં સુધી ધર્મમાં પણ મજા નથી આવતી.

  • તન અને મન બંન્ને જોડાયેલા છે ક્યારેક પહેલા મન પાપી બને અને પછી તે કાયાને પાપમાં પ્રવૃતિ કરાવે, ક્યારેક પહેલા કાયા પાપી બને છે અને મનને પાછી પાપી બનાવે છે. તે જ રીતે જો મનમાં ધર્મ ભાવના જાગે તો તે કાયાને ધર્મક્રિયામાં પ્રવૃત કર્યા વિના રહે જ નહીં. તેનાથી ઉલ્ટું, ક્યારેક મનને ધર્મ ન ગમતો હોય તોય તમે કાયાથી કરવા મંડો એટલે અંતે મનને પણ સાથ આપ્યે જ​ છુટકો થાય એટલે મનથી ધર્મ કરવાની ઇચ્છા ન હોય તોય મનને મારીને કાયાથી પણ ધર્મમાં પ્રવૃત થવું જરૂરી છે.

  • આમ જૈન દર્શનમાં કાયિક ક્રિયા ને બહુજ મહત્વ આપવામાં આવ્યું છે. જે લોકો ક્રિયા યોગને વખોડે છે તે બધા ધર્મના હત્યારા છે માટે ક્રિયાની કદી નીંદા કરવી નહીં. આપણે જો ક્રિયા ન કરી શકતા હોય તો એ આપણી લાચારી છે પણ બીજાને વખોડવાનો આપણને હક્ક નથી. 

  • ક્યારેક ધર્મ ક્રિયા કરનારના જીવનમાં દોષો જોઇને આપણે ધર્મને ધિક્કારીએ છીએ તે ખોટું છે. જેમ કે, ધર્મક્રિયા કરનારને કદાચ ગુસ્સો આવે, ક્રોધ આવે તો એટલા માત્રથી ક્રિયા ખોટી થતી નથી. ગુસ્સો ખોટો છે, ન જ કરવો જોઇએ પણ થઇ જાય છે એટલે ધર્મની દવા લેવાની શરૂઆત કરી છે પણ રોગનું જોર વધારે છે અને દવાનો ડોઝ હજુ માઇલ્ડ છે એટલે ગુસ્સો આવી જાય એ બનવાજોગ છે પણ જ્યારે દર્દી હાઇ ડોઝ લેવાનું શરૂ કરશે ત્યારે તેનો ક્રોધ ક્ષણાર્ધમાં નષ્ટ થઇ જશે. અહીં આપણી જોવાની દ્રષ્ટિ ખોટી હોય છે. ધર્મી છે, ક્રિયા કરે છે, જેમ કે તપ અને તપ કરે છે એટલે ક્રોધ થાય છે એ ખોટી દ્રષ્ટિને બદલે એવી રીતે જોવું જોઇએ કે ક્રોધી છે છતા ધર્મક્રિયા કરે છે, ખાવાનો શોખીન છે છતા માસક્ષમણ કરે છે. ધન્ય છે! જો આ રીતે આપણે જોઇશું તો અનુમોદનાના ભાગીદાર બનશું નહીંતર નીંદાના અધિકારી બની જઇશું.

  • જૈન દર્શન કહે છે જ્યારે જીવાત્મા ધર્મક્રિયામાં જોડાયેલ હોય ત્યારે મનના દુષ્ટ ભાવો તીવ્રતા પકડી શકતા નથી. ધર્મક્રિયામાં જોડાયેલો જીવ ૭૦ કોટાકોટી સાગરોપમ વાળું ઉત્કૃષ્ઠ સ્થિતિવાળું મોહનીય કર્મ બાંધી શકતો નથી. મોહનીય કર્મની ૭૦ કોટાકોટીમાંથી ૬૯ કોટાકોટી તો દ્રવ્યક્રિયાથી જ ટુટી જાય છે. બાકી રહે છે માત્ર ૧ કોટાકોટી. એ છેલ્લી દાંડી ઉડાડવાનું કામ ભાવધર્મ કરે છે.

ચક્રવર્તી સમ્રાટના ઘોડાનું બળ ટકાવી રાખવા તેને પરાણે બ્રહ્મચર્ય પડાવાય તોય બ્રહ્મચર્યના બળે મરીને આઠમાં દેવલોકમાં જાય છે.

લગ્ન કરીને ટુંક સમયમાં વિધ્વા થનારી સ્ત્રી લોક્લાજે પણ શીયળ પાળે તો શીયળના પ્રભાવે તે દેવલોકમાં જાય છે.

ઘરબાર છોડીને જંગલમાં તપ કરનારા સંન્યાસીઓ પણ તપ-ત્યાગના પ્રભાવે મરીને પાંચમાં દેવલોક સુધી જાય છે.

  • આવી ધર્મક્રિયાનો આટલો બધો પ્રભાવ હોય તો ધર્મક્રિયાઓને છોડી કેમ દેવાય ? ક્રિયામાં ભાવ નથી આવતો એવી ફરીયાદો કરીને ક્રિયાઓને છોડી ન દેવી. દવા લેવાની ઇચ્છા ન હોય તોય દવા લેવામાં આવે તો દર્દ મટે જ છે તેમ ધર્મ પણ મનથી કરીએ કે મન વગર કરીએ તોય તેનું પરિણામ આવે જ છે. આ જો મન સાથે કરીએ, ભાવથી કરીએ તો જલ્દી રીઝલ્ટ આપશે, સારું રીઝલ્ટ આપશે.

  • જો કોઇ એમ કહે કે દ્રવ્યક્રિયા તો અનંતીવાર કરી, પણ ભાવક્રિયા ન કરી, પણ જ્યારે ભાવશ્રુત મળશે ત્યારે તે દ્રવ્યશ્રુતની સહાયથી જ મળશે. ભાવ વિનાની ક્રિયા નકામી એનો અર્થ એ નથી કે દ્રવ્યક્રિયા નકામી.

  • જમીન અને વરસાદ હોય છતા પાક કેમ નહીં? કારણ કે બીજ જ વાવ્યું ન હતુ. આમ, પાક માટે જેમ બીજ, જમીન, વરસાદ વગેરે બધું જરૂરી છે તેમ દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા બન્ને જરૂરી છે. 

  • ભાવ વગરની ક્રિયાથી અથવા ભાવ લાવવાના ભાવ વગરની ક્રિયાથી કાયકલેશ થશે, તેના કારણે અકામ નિર્જરા થશે. પણ વિશેષ કોઇ લાભ નહીં થાય . એવી અકામ નિર્જરા તો ગધેડાના ભવમાં ભાર ઉપાડીને ઘણી કરી છે. અકામ નિર્જરા તો પશુ પણ કરી શકે તેમાં આપણે શું મોટી વિશેષતા કરી? ધર્મક્રિયા કરતા હૈયામાં સારા ભાવ લાવવા હોય તો કોઇપણ જીવની સારી આરાધના જોઇને અથવા તેનો ઉત્તમ ધર્મ જોઇને હૈયામાં આદરભાવ કેળવવો જોઇએ.

હ​વે પછીના ભાગમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે વધુ જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો