ભાગ ૩૪: શું આપ જાણો છો મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં કરેલી માયાનું પરિણામ શું આવ્યું?
ગઇ કાલના ભાગમાં આપણે આશય વિશે જોઇ રહ્યા હતા..
આ ભાગમાં આપણે આશય વિશે વધુ જાણીએ…
9B આશય:
જો આશય દંભનો હોય તો?
- દંભ એટલે પોતાની સાચી છબીને છતી ન થવા દેવી.
- પોતાની જાત જેવી છે તેવી બહાર ન દેખાવવા દેવી આ દંભનું સ્વરૂપ છે અને જ્યાં સુધી દંભ છે ત્યાં સુધી ધર્મની શરૂઆત નથી.
- દંભની હાજરીમાં ઉંચામાં ઉંચુ અનુષ્ઠાન કરવામાં આવે તો પણ તેની કંઇ કિંમત નથી.
- આપણે દુકાને પણ જઇએ અને દેરાસરે જઇએ તો બંન્નેમાં ભેદ શો? એકમાં પાપનો આશય છે અને જો બીજામાં પણ પાપનો આશય જ ભળેલો હોય તો? ધર્મક્રિયા કરીએ અને સારા દેખાવવાની ઇચ્છા છે તો એ પાપની બુદ્ધિથી થતી ધર્મક્રિયા કહેવાય.
મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં માયા કરી તો પરિણામ શું આવ્યું?
- મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં બીજા કોઇ પાપ કર્યા નથી પણ બધાની વચ્ચે હું સૌથી વધારે સારો દેખાઉં, હું બધા કરતા ચઢીયાતો બનું, આવી વૃતિથી તપ કર્યું - સાધના કરી છતા પાપ બંધાયું અને આ વૃતિને કારણે ભગવાન જેવા ભગવાનને પણ સ્ત્રીવેદ બંધાયો.
- શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે,
રસની લોલુપતા છોડવી સહેલી છે પણ દંભ છોડવો અઘરો છે.
- જમાલીએ ઉંચામાં ઉંચુ જીવન જીવ્યું છતા ભગવાનની આગળ પણ દંભ ન છુટ્યો. જાતને સર્વજ્ઞ તરીકે બતાવવાનું મન થયું. પોતાને ખબર પડી ગઇ કે હું ખોટો છું છતા ખોટાનો સ્વીકાર ન કર્યો અને દંભને આધિન બની બધું ખોઇ બેઠા.
- લક્ષ્મણા સાધ્વીજી ઉત્તમ ચારિત્ર પાળનાર, એક દિવસ ચકલા-ચકલીનું મૈથુન જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે ‘આવા નિર્દોષ આનંદની ભગવાને કેમ રજા નહીં આપી હોય? વળી વિચાર આગળ ચાલ્યો કે ભગવાનને વેદનો ઉદય ન હોવાથી આ સુખને કેમ જાણી શકે?
- આ વિચાર આવ્યા પછી તૂર્ત જ એ સ્વસ્થ બની ગયા છે અને એમને પોતાની ભૂલ સમજાય છે કે
“અરેરે ! મેં કેવો વિચાર કર્યો! સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં શંકા કરી. ભગવાન તો સર્વજ્ઞ છે. એટલે વેદના ઉદયને પણ જાણે જ છે. પરમાત્માના જ્ઞાનમાં શંકા કરીને મેં મોટી ભૂલ કરી છે જો હું એની આલોચના નહીં કરું તો મારે ઘણો કાળ આ સંસારમાં રખડવું પડશે”
- એ પ્રમાણે વિચાર કરીને નિકટમાં વિચરતા કેવલી ભગવંત પાસે આલોચના કરવા જાય છે.
- જેવો પગ ઉપાડે છે ત્યાં કાંટો વાગે છે એટલે અટકી જાય છે અને ત્યાં ચિત્ત ઉપર માન સવાર થાય છે કે “જો હું આવું કહીશ તો હું કેવી લાગીશ?”
- પાછો વિચાર આવ્યો કે નહિ કહું તો સંસારમાં રખડવું પડશે.
- મનમાં દ્વન્દ્ર યુદ્ધ ચાલ્યું, છેલ્લે રસ્તો કાઢ્યો આલોચના પણ લેવાય અને માનહાનિ ન થાય અને આ રીતે માન નડવાથી એમણે આલોચના તો લીધી પણ બીજાના નામે લીધી કે “જે આવું પાપ કરે એને શું પ્રાયશ્ચિત આવે?”
- આ રીતે માયાપૂર્વક આલોચના લઇને દંડરુપે એમણે ૫૦ વર્ષ સુધી ઉગ્ર તપ તપ્યો છે છતાંયે માયાને કારણે પાપની શુદ્ધિ ન થવાથી ૮૦ ચોવીસી સુધી એટલે કે ચાલીસ ઉત્સર્પિણી અને ૪૦ અવસર્પિણી કાળ સુધી આ સંસારમાં પરિભ્રમણ કર્યું.
- સુંદર રીતે સંયમજીવનનું પાલન કર્યું અને તીવ્ર તપ તપવા છતા માયાના કારણે એમનો મોટાભાગનો કાળ એકેન્દ્રિયમાં પસાર થયો.
આ છે માયાનું પરિણામ. માટે આપણે પણ આપણા જીવનમાંથી દંભને કાઢીએ.
૧૦. ધર્મ પામવાની ઇચ્છા જોઇએ:
- ધર્મ એ માણસ જ પામી શકે કે જેને ધર્મ પામવાની ઇચ્છા હોય.
- જેવી રીતે ધન પામવાની ઇચ્છાવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધન મેળવવાનો પુરૂષાર્થ કરે છે એ રીતે ધર્મ પામવાની ઇચ્છાવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધર્મનો પુરૂષાર્થ કરશે અને કષ્ટ જોઇને ધર્મ છોડી નહીં દે.
- જેને ધર્મની જરૂર નહીં હોય તેને ધર્મ આપવામાં આવશે તો તે વિધિપૂર્વક, ઉલ્લાસથી ધર્મ નહીં કરે. કષ્ટ પડતાં ધર્મ છોડી દેશે. તે મન વગર અવિધિથી ખિન્ન ચિત્તે ધર્મનું આચરણ કરશે. “ક્યારે મારી આ ધર્મક્રિયા પૂરી થાય અને હું આ વાતાવરણમાં થી બહાર નીકળું…!” એવા એના વિચારો હોય છે.
-
તે ધર્મક્રિયા કર્યા પછી કદીય તે ક્રિયાની પ્રશંસા યા અનુમોદના કરતો નથી.
- જે માણસ પોતાના રોગની ભયંકરતા સમજે જેમ કે, હ્રદયરોગ હોય, કેન્સર હોય તો તેઓ દવા વ્યવસ્થિત રીતે લે છે. અને ડોક્ટર દ્રારા કહેવામાં આવેલ ખાવા-પીવાની ચરી પાડે છે. તેની બદલે જો કોઇ બાળક જે પોતાના રોગની ભયાનક્તા નથી સમજતું તે દવા કેવી રીતે લે છે? મુખ બગાડશે, રડશે, દવા ફેંકી પણ દેશે.. કારણ કે તેને દવાની કોઇ ઇચ્છા નથી. તે પોતાના રોગને સમજતો નથી.
- આ જ રીતે જે માણસ પોતાના આત્માને લાગેલા અનંતકર્મોની ભયંકરતા સમજતો નથી, કર્મોના વિપાકને સમજતો નથી, તે નાના બાળક જેવી વાત કરે છે. તે જેમ બાળક દવા સાથે વ્યવહાર કરે છે તેવો વ્યવહાર ધર્મ સાથે કરશે.
આ માટે એક સમજતો થવી જ જોઇએ કે “આપણા સર્વ દુ:ખોનું મૂળ આપણે બાંધેલા પાપકર્મો છે, એ પાપકર્મો જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દુ:ખ ભોગવવા જ પડશે અને તેના માટે ધર્મના પ્રભાવથી જ કર્મોનો નાશ થઇ શકે છે અને એ વાત સમજાવાથી ધર્મ શ્રદ્ધા, પ્રેમથી અને વિધિ સહિત કરશે.”
હવે પછીના ભાગમાં આપણે ભકિતના અગત્યના અન્ય અંગો વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶