🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

માખી, માંકડ અને વાંદાની જયણા કેવી રીતે પાળશો?

આગળના ભાગમાં આપણે કીડી તથા મચ્છરની જયણા કેવી રીતે પાળશો? એ વિશે જોયું હતું.

હ​વે આગળ

O - જયણા


માખીની જયણા

  • માખી ઘર-ઘરમાં જોવા મળતું જંતુ છે. તે ઊડતી જીવાત છે. ઊઠીને શરીર ઉપર, ખાદ્યપદાર્થો ઉપર, કચરા કે અશુચિ ઉપર પણ તે બેસે છે
  • ગંદકીના જીવાણુઓ ખાદ્યપદાર્થો ઉપર સંક્રાન્ત થઈને તે રોગનો ફેલાવો કરે છે. આજુબાજુ માખીઓનો બણબણાટ ચાલુ હોય તો બેસવાની-સૂવાની-ખાવાની કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં ખલેલ પહોંચે છે.
  • માખી ઊડીને ખુલ્લા દૂધ-ઘી-દાળ-શાક-તેલ સાબુના ફીણ કે પાણી વગેરેમાં પણ પડી જાય છે. તે પછી તરત કાઢીને તેને બચાવી લેવામાં ન આવે તો તરત મરી જાય છે.
  • મોટે ભાગે ગંદકી હોય ત્યાં માખી ખૂબ પેદા થાય છે. કચરો, કેળાની છાલ, કેરીના ગોટલા-છાલ વગેરે ઉપર ખૂબ માખીઓ ભેગી થાય છે
  • ગંદકી એ માખીનું પ્રસૂતિગૃહ છે. ઘરમાં જેટલી ગંદકી ઓછી, તેટલી માખીની ઉત્પત્તિ ઓછી

માખીની વિરાધનાથી બચવા નીચેના સૂચનો ખ્યાલમાં રાખો

  • ઘરમાં ગંદકી ન થવા દો

  • ખાદ્યપદાર્થો તથા પાણી ભરેલા સાધનો ઢાંકેલા રાખો

  • સાબુનાં પાણીમાં બોળેલા કપડાની બાલદી વગેરે સાધન ઢાંકીને રાખો

  • જમતા, રસોઈ કરતા, કપડા ધોતા, વાસણ માંજતા માખી ક્યાંય વચ્ચે આવી ન જાય કે ભીનામાં પડી ન જાય તેની કાળજી રાખો

  • ખાદ્યપદાર્થ, પાણી કે ફીણમાં માખી પડે તો તરત તેને બહાર કાઢી લો. માખી ઉડી શકે તેમ ન હોય તો તરત જ સૂકો ચૂનો અથવા રાખ ભીની માખી પર થોડી ભભરાવો. ચૂનાની ગરમીથી ઉષ્મા મળતા તરત તે સક્રિય બની જશે

  • ઘરમાં કેળાની છાલ વગેરે કચરાને ભેગો ન થવા દો. તરત તેનો યોગ્ય નિકાલ કરો. કેરીનો રસ કાઢતી વખતે છાલ અને ગોટલા પાણીમાં ડૂબાડી રાખવાથી માખી થતી નથી

  • ઝીણી જાળીવાળા બારી-બારણાંથી માખીઓ ઘરમાં પ્રવેશતી અટકે છે

  • ઘરમાં મીઠાવાળા પાણીનું અથવા ચાની ભૂકીવાળા પાણીનું પોતું કરવાથી માખી થતી નથી

  • ફટકડીનાં દ્રાવણમાં કેરોસીનના ૩/૪ ટીપાં નાંખી તેનું પોતું કરવાથી માખીઓ થતી નથી

  • કોફીનો પાવડર કે ચાની સુકવેલી ભૂકીનો ધુમાડો કરવાથી રસોડામાંથી માખીઓ પલાયન થઈ જશે

  • આંબાના સૂકાં પાન સળગતા કોલસા પર નાંખવાથી તેની વાસથી માખીઓ ભાગી જાય છે

માંકડની જયણા

  • લાકડાનું ફર્નીચર અને સૂવાના પલંગ માંકડનું નિવાસસ્થાન છે. લાલ રંગના આ જંતુને માનવરજ ખૂબ પસંદ છે. રાત્રે ઊંઘમાં હોઈએ ત્યારે શરીર ઉપર ચોંટી રક્તચોરી કરનાર માંકડના ચટકાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે.
  • સડેલું લાકડું પણ તેનો ખોરાક છે. પરસેવાની ગંધથી તે ખેંચાઈ આવે છે.
  • ઝેરી દવા છાંટીને માંકડને મારી નાંખવા તે ક્રૂરતા છે. માંકડને ખૂબ જયણાપૂર્વક પકડીને એક નાની વાટકીમાં એકત્ર કરવા અને ત્યારબાદ તે બધા માંકડને સુરક્ષિત સ્થાને મૂકી દેવા તે જ સરળ ઉપાય છે.
  • માંકડને મારી નાંખવામાં આવે તો તેના કલેવરમાંથી ફરી પુષ્કળ માંકડો પેદા થાય છે. તેથી, માંકડ મારી નાંખવા તે માત્ર ક્રૂરતા નથી, મૂર્ખતા પણ છે.

માંકડની રક્ષા માટે આટલી સાવધાની રાખો:

  • જે ઓરડામાં કે જે પલંગમાં માંકડ થયા હોય તેનો ઉપયોગ થોડા દિવસ પૂરતો બંધ કરો. માંકડ આપોઆપ ચાલ્યા જશે. બને તો થોડા દિવસ બધા તીર્થયાત્રા કરી આવો

  • ગાદલાના કવર વગેરે ખૂબ મેલાં રાખવાથી માંકડ થવાની સંભાવના છે. તેથી કવર મેલાં ન રાખો

  • માંકડ થયા હોય તેવા ખાટલા-ગાદલા-ફર્નિચર તડકે ન મૂકવા. તડકે મૂકવાથી માંકડ મરી જાય છે. હિંસાનું પાપ લાગે છે. ખાટલા વગેરે છાયાવાળા નિર્જન સ્થાનમાં મૂકી રાખવા

  • માંકડ મારવાની દવાનો ઉપયોગ ક્યારેય ન કરો

  • કપૂરની ગોટીના દ્રાવણથી પોતું કરવામાં આવે તો માંકડ દૂર થાય છે

  • તકિયામાં રૂ ભરતા પહેલા તેમાં કપૂરની બે-ત્રણ ગોટીઓ મૂકી દેવાથી માંકડ થતા નથી

વાંદાની જયણા

  • રસોડાનાં કબાટમાં, બાથરૂમમાં કે ખાળ અને ગટરમાં વારંવાર જોવા મળતા વાંદાનો પરિચય કોને ન હોય અચાનક કબાટના ખૂણામાંથી બહાર ધસી આવતા આ જંતુને જોઈને ઘણાં ગભરાઈ જાય છે.
  • આ જંતુ ખાસ કરીને ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. રસોડામાં સાફસૂફી બરાબર થતી ન હોય, એંઠવાડ પડ્યો રહેતો હોય, મોરી બરાબર સાફ થતી ન હોય કે અન્ય કચરો જમા થયા કરતો હોય ત્યાં વાંદા જલ્દી ઉત્પન્ન થઈ જાય છે.
  • વાંદા ઉત્પન્ન થઈ ગયા પછી તેનો નિકાલ કરવા ઘણાં વાંદાની દવા છાંટે છે. આ દવાની સુગંધથી ખેંચાઈને ખૂણે-ખાંચરે ભરાયેલા વાંદા બહાર આવી જાય છે અને દવાની નજીક આવતાની સાથે જ તેના ઝેરથી ટપોટપ મરી જાય છે. આવી દવા છાંટવી તે ભયંકર ક્રૂરતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે આવા હિંસક ઉપાય કરવા તે દયાનું દેવાળું જ ગણાય.

આ રહ્યા અહિંસક ઉપાયો

  • બાથરૂમ, વોશ-બેઝીનમાં, મોરીમાં કે બાથરૂમ સંડાસમાં સતત ભીનાશ રહેવા ન દો

  • સાંજે વાસણો સાફ કર્યા બાદ મોરી બરાબર સાફ કરવી, પાણી લૂછી નાંખવું. અને ખાળની જાળી ઉપર તથા આજુબાજુમાં કેરોસીનનું પોતું કરી દો

  • ગટરનાં ઢાંકણાં પેક બંધ રાખો. જ્યારે ખોલવું પડે ત્યારે ધ્યાન રાખો. ઢાંકણું ખુલતા જ વાંદા બહાર ધસી આવશે, પગ નીચે દબાઈ ન જાય તેનું ધ્યાન રાખો

  • એક મોટા ચોરસ ડબામાં નાળિયેરનાં છાલાં, જૂના કપડાં, થોડા કોલસા વગેરે ભરીને ઉપર ખાખરા કે કડક પુરીના ટુકડા મૂકો. જ્યાં વાંદા ખૂબ થયા હોય ત્યાં આ ડબ્બો મૂકો. વાંદાઓ આ ડબ્બાના પોલાણમાં આવીને ભરાઈ જશે. ૪-૫ દિવસ બાદ સંધ્યા સમયે ડબ્બો દૂર કોઈ અવાવરૂ સુરક્ષિત સ્થાનમાં લઈ જઈ ખાલી કરો. વાંદા બહાર નીકળી જાય પછી ફરી છાલાં અને ટુકડા તેમાં ભરી ડબ્બો પાછો ઘરમાં મૂકો. આ રીતે વારંવાર કરવાથી વાંદા બીલકુલ નીકળી જશે

  • ફટકડીમાં દ્રાવણમાં કેરોસીનના ૩-૪ ટીપાં નાંખી. તેનું પોતું રસોડામાં કરવાથી વાંદા થતા નથી

  • કળી ચૂનો ભભરાવવાથી વાંદા ભાગી જાય છે

  • નીલગિરિના દ્રાવણનું પોતું કરવાથી વાંદા થતા નથી

  • પીપરમીન્ટના તેલવાળા પાણીનું પોતું કરવાથી વાંદા થતા નથી

  • કડવા લીમડાનાં તેલમાં કપૂર નાંખીને છાંટવાથી વાંદા થતા નથી

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો