ભાગ ૬૨: શું આપ શાલિભદ્રના વૈભવ વિશે જાણો છો?
ગઇ કાલના ભાગમાં આપણે જોયું કે શાલિભદ્રજીનું સંસાર પરથી મન ઉઠી ગયું છે, અને તેમણે નિર્ણય કરીને માતાને કહે છે કે મારે દીક્ષા લેવી છે….આ સાંભળી માતા બેહોશ થઇને પડી છે, તો પણ શાલિભદ્રજી ટસના મસ થતા નથી…
તો ચાલો આ ભાગમાં આપણે જોઇએ કે શાલિભદ્ર નો સંસાર છોડવાનો નિર્ણય ભદ્રામાતા સ્વીકારે છે કે નહીં?
૨૨I. અહંકાર
ભદ્રામાતાને જ્યારે બેહોશી દૂર થઈ છે, જાગૃત થઈ છે.
- ત્યારે શાલિભદ્રજીને દૂર ઉભેલા જુએ છે, એ જોઇને એને બીજો ઝાટકો લાગ્યો.
- જે દીકરાને મેં આટલો સાચવ્યો, પ્રેમ આપ્યો, સાતમાં માળથી એને નીચે પણ ઉતરવા દીધો નથી, આજે હું બેહોશ થઈ તો એ મારી નજીક પણ ન આવ્યો !
- માને સમજાઇ ગયું કે દીકરાનો વૈરાગ્ય કાચો પોચો નથી.
- હવે એને કોઈ આ સંસારમાં રાખી શકે તેમ નથી.
ત્યારે માતાજી એક વિનંતી કરે છે કે
મારી એક છેલ્લી વિનંતી તુ સ્વીકાર, રોજ એક-એક પત્નીનો ત્યાગ કરજે.
-
માએ એમ વિચાર્યું, કે દીકરો એ રીતે થોડા દિવસ તો મારી આંખ સામે રહેશે. (ખરેખર ! મોહદશા ને વશ થયેલા જીવો કેવું કેવું વિચારે છે !)
-
‘મા‘ ની એ વિનંતીનો સ્વીકાર કરી શાલિભદ્રજી સંસારમાં રહ્યા છે, રોજ એક એક પત્નીનો ત્યાગ કરે છે.
શાલિભદ્રજીની બેન સુભદ્રા છે.
- ધન્નાજીને તે પરણાવી છે. સુભદ્રાને આ સમાચાર મળ્યા છે, કે મારો ભાઈ વૈરાગી બન્યો છે, દીક્ષા લેવાનો છે અને રોજ એક-એક પત્નીનો ત્યાગ કરે છે.
- ધન્નાજી સ્નાન કરવા બેઠા છે. તેમની આઠ પત્નીઓ તેમને સ્નાન કરાવી રહી છે. અચાનક પીઠ પર ગરમ ગરમ ટીંપાનો સ્પર્શ થતાં ધન્નાજી પાછું વળીને જુએ છે તો સુભદ્રાની આંખમાંથી આંસુ વરસી રહ્યા છે.
ધન્નાજી તરત જ પૂછે છે કે,
તારે કેમ રડવું પડ્યું ?
સુભદ્રા કહે છે કે,
મારો ભાઈ વૈરાગી થયો છે તેથી તે રોજ એક-એક સ્ત્રીનો ત્યાગ કરે છે.
તે સાંભળી ધન્નાજી કહે છે કે,
તારો ભાઇ તો કાયર છે જેને વૈરાગ્ય જાગ્યો હોય તે એક-એક નો ત્યાગ કરે? એ તો એક ઝાટકે બધું છોડીને ચાલતો થાય…
ધન્નાજીના આ બોલ પત્નીઓથી સહન ન થયા એટલે બોલી ઉઠી કે,
બોલવું તો ઘણું સહેલુ છે પણ તે આચરવું ખૂબ અઘરૂં છે.
ધન્નાજી આ સાંભળીને તરત જ ઉભા થઈ ગયા.
-
તે ખુમારીથી એ રીતે ઉભા થયા છે કે તે જોઈને સુભદ્રા ધ્રુજી ઉઠી છે. (પાત્ર જીવોને એક ઝાટકો કાફી છે. તે એક ઝાટકામાં ય સફાળા થઈ જાય અને તે કોઈનાથી રોક્યાં ન રોકાય…)
- પત્નીઓ કરગરે છે, વિનંતી કરે છે, આ તો અમે અમસ્તા ગમ્મત કરી હતી.
- નાથ…! તેને તાણીને ગાંઠ શું બાંધો છો? વગેરે ઘણાં કાલાવાલાં કર્યા પણ… આ સાંભળે જ કોણ? ધન્નાજીતો ચાલ્યા. સંસારનો ત્યાગ કર્યો.
- શાલિભદ્રજીને મહેલે જઈને હાક મારે છે કે - મિત્ર! નીચે ઉતર… દીક્ષા લેવી હોય તો આમ એક-એકનો ત્યાગ ન કરાય…?
- શાલિભદ્રજીને ટેકો મળ્યો એટલે તેમણેય બાકી રહેલ સર્વ સ્ત્રીનો એક ઝાટકે ત્યાગ કર્યો છે અને સાળા-બનેવીએ ભગવાન પાસે જઈને દીક્ષા લીધી છે. (ગુણસંપન્ન જીવોને ત્યાગમાં આનંદ આવે છે.)
ભગવાનના હાથે સંયમ સ્વીકારીને તે બંને અપૂર્વ સાધના કરી રહ્યાં છે.
- માસક્ષમણના પારણે માસક્ષમણ કરે છે. કંચનવર્ણ કાયાને તપ-ત્યાગથી શોષી નાંખી છે.
- એકવાર વિચરતાં પ્રભુ રાજગૃહીનગરી એ પધારે છે.
ત્યારે શાલિભદ્રજી ભગવંતને પૂછે છે કે,
હે ભગવંત! આજે મારું પારણું કોના હાથે થશે..?
ભગવંત કહે છે કે,
વત્સ…! આજે તારી માતાના હાથે પારણું થશે.
- શાલીભદ્રજી પોતાનું સંસારી ઘરના બારણે આવીને ઉભા છે. પણ કોઈનું તેમના ઉપર ધ્યાન નથી.
શાલિભદ્રજી નગરમાં પધાર્યા છે તેથી તેમને વંદન કરવા માટે ભદ્રામાતા, તેમનો પરિવાર અને સેવકગણ ઉત્સાહિત બન્યો છે.
- અપૂર્વ તૈયારી ચાલી રહી છે, તે બધા પોત પોતાની તૈયારીમાં મસ્ત બન્યાં છે.
- શાલિભદ્રજી ‘ધર્મલાભ‘ કહીને પાછા વળ્યા છે.
- શાલિભદ્રજી ખુદ ઘરે પધાર્યા તો પણ તેમને કોઈ ઓળખી શક્યું નથી.
- તેમણે તપ-ત્યાગ-જ્ઞાનસાધના દ્વારા કાયાને કેવી શોષી હશે…? ધન્ય છે તે મહાપુરૂષને…! તે મહાપુરૂષે રાગદશાને પણ કેટલી નબળી પાડી હશે…?
- જે પરિવાર પોતાના દર્શન માટે ગાંડો બન્યો છે. તેમને જોવા માટે તલસી રહ્યો છે, ઉત્સાહિત બન્યો છે તેને કહેવા ઉભા રહેતા નથી કે ભાઈ…! તમે જેને ઝંખો છો એ શાલિભદ્ર હું જ છું.
- જે રીતે આવ્યા એ જ રીતે પાછા વળ્યા છે.
- તેમના ચિત્તમાં આવ્યાં ત્યારે હર્ષ ન હતો કે ગયા ત્યારે શોક ન હતો.
- તેમનું ચિત્ત વૈરાગ્ય રંગે રંગાયેલું હતું માટે હર્ષ વિષાદને સ્થાન મળ્યું નહિ.
શાલિભદ્રજી પાછા વળ્યાં છે.
- રસ્તામાં પૂર્વભવની માતા મળે છે.
- તેમણે દહીં વહોરાવીને પારણું કરાવ્યું છે.
- તાત્ત્વિક વૈરાગ્યની મજા જ જુદી હોય છે, એ જીવને ભોગ-સુખમાં આનંદ ન આવે.
- તેને પારણામાં કાંઈ મળે યા ન મળે તેને કાંઈ ફરક ના પડે, તેની પ્રસન્નતા કોઈ હણી ના શકે. ધખધખતી શિલા ઉપર પણ તે મજેથી સૂઈ શકે, તેને તેમાં પણ અપૂર્વ આનંદની જ અનુભૂતિ થાય.
- તે આનંદની સામે આ સંસારના ટોચના સુખોનો આનંદ પણ તુચ્છ છે.
અહીં શાલિભદ્રની માતા ભદ્રા અને શ્રેણિક રાજા તે જ વખતે ભક્તિયુક્ત ચિત્તે શ્રી વીરપ્રભુ પાસે આવ્યાં. પ્રભુને નમસ્કાર કરી ભદ્રાએ પૂછ્યું કે,
હે જગતપતિ! ધન્ય અને શાલિભદ્ર મુનિ ક્યાં છે? તેઓ અમારે ઘરે ભિક્ષાને માટે કેમ ન આવ્યા?
સર્વજ્ઞ બોલ્યા કે,
તે મુનિઓ તમારે ઘેર વહોરવા માટે આવ્યા હતા, પણ તમે અહીં આવવાની વ્યગ્રતામાં હતા, તેથી તમારા જાણવામાં આવ્યા નહીં. પછી તમારા પુત્રની પૂર્વ જન્મની માતા ધન્યા નગર તરફ આવતી હતી, તેણીએ તેમને દહીં વહોરાવ્યું, તેના વડે પારણું કરીને બંને મુનિઓએ સત્વર સંસારથી છૂટવાને માટે હમણાં જ વૈભારગિરિ પર જઈ અનશન ગ્રહણ કર્યું છે.
- તે સાંભળી ભદ્રા શ્રેણિક રાજાની સાથે તત્કાળ વૈભારગિરિ પર આવી, ત્યાં તે બંને મુનિઓ જાણે પાષાણ વડે ઘડેલા હોય તેમ સ્થિર રહેલા તેમના જોવામાં આવ્યા.
તેમના કષ્ટને જોતી અને પૂર્વના સુખને સંભારતી ભદ્રા બેફાટ રૂદન કરવા લાગી તે બોલી કે,
હે વત્સ! તમે ઘેર આવ્યા તો પણ મેં અભાગિણીએ પ્રમાદથી તમને જાણ્યા નહીં તેથી મારી ઉપર અપ્રસન્ન થાઓ નહીં. ઘર ત્યાગીને વ્રત અંગીકાર કર્યું પણ કોકવાર તો તમે મારી દૃષ્ટિને આનંદ આપશો, એવો મારો મનોરથ હતો. પણ હે પુત્ર! આ શરીરત્યાગના હેતુરૂપ આરંભથી તમે હવે મારો એ મનોરથ પણ ભાંગી નાખ્યો છે. હે મનિઓ! તમે જે ઉગ્રતપ આરંવ્યું છે, તેમાં હું વિધ્નરૂપ થતી નથી, પણ મારું મન આ શિલાતળની જેમ અતિશય કઠોર થયેલું જણાય છે કેમ કે આવા ભયંકર કષ્ટમાં પણ તે ફૂટી જતું નથી.
પછી શ્રેણિક રાજા બોલ્યા કે,
હે ભદ્રે ! આ હર્ષને સ્થાને તમે રુદન કેમ કરો છો ? તમારો પુત્ર આવો મહાસત્તવાન હોવાથી તમે એક જ સર્વ સ્ત્રીઓમાં ખરાં પુત્રવતી છો. હે મુગ્ધ! આ મહાશયો જગત સ્વામીના શિષ્યને ઘટે એવું તપ આચરે છે. તેમાં તમે સ્ત્રી સ્વભાવથી વૃથા પરિતાપ શા માટે કરો છો ?
-
રાજાએ આ પ્રમાણે પ્રતિબોધ કર્યો તેથી ભદ્રા તે મુનિઓને વાંદી ખેદયુક્ત ચિત્તે પોતાને ઘેર ગઈ અને શ્રેણિક રાજા પણ પોતાના સ્થાને ગયા. તે બંને મુનિ ધન્ય અને શાલિભદ્ર કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં હર્ષરૂપ સાગરમાં મગ્ન થયા છતા તેત્રીસ સાગરોપમના આયુષ્યે દેવપણે ઉત્પન્ન થયા, ત્યાંથી મહાવિદેહમાં જન્મી સિદ્ધિ પદને પામશે.
- આ પછી સુભદ્રા વિગેરે સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી…
- આજે પણ દીવાળીનાં ચોપડા પૂજનમાં “ધના શાલિભદ્ર ની ઋદ્ધિ હોજો” ને ચોપડામાં લખી તેમના પૂણ્ય નામને આપણે યાદ કરીએ છીએ.
હવે આપણે શાલિભદ્ર વિશે વિચારીએ કે શાલિભદ્ર પાસે દેવલોકના દેવો જેવી સમૃધ્ધિ હોવા છતાં….
- હાલના વિશ્વના ધનાઢયોમાં પ્રથમ ક્રમે આવનાર જેફ બેઝોઝ (અમેઝોન), દ્રિતીય ક્રમે બીલ ગેટસ અને તૃતીય ક્રમે વોરેન બફેટ પણ શાલિભદ્રના વૈભવ આગળ તુચ્છ લાગે….
- તો એ સમૃધ્ધિ, વૈભવ ને જો શાલિભદ્ર છોડી અને સાચા સુખ તરફ જઇ રહ્યો હોય તો આપણી પાસે તો કઇ સંપતિ, કઇ સમૃધ્ધિ અને ક્યો વૈભવ?
- છતાં આપણો અહંકાર તો જાણે શિખર પર જ નથી હોતો ?
હવે પછીના ભાગમાં આપણે રાવણ યુધ્ધ અભિમાન અને રાજા શ્રેણિક શિકાર અભિમાનું દ્રષ્ટાંત જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶