ભાગ ૨: શ્રી મહાવીર સ્વામી ભગવાને ઇન્દ્રભૂતિ-વિપ્ર(ગૌતમ સ્વામી) નો આત્મા અંગેનો સંશય કઇ રીતે દુર કર્યો?
આગળનાં ભાગમાં આપણે તર્કથી જોયું કે આત્મા દેખાતો ન હોવા છતા આત્માનું અસ્તિત્વ તો છે જ. આ ભાગમાં આપણે જોઇશું કે શ્રી મહાવીર સ્વામી ભગવાને ઇન્દ્રભૂતિ-વિપ્ર(ગૌતમ સ્વામી) નો આત્મા અંગેનો સંશય કઇ રીતે દુર કર્યો?
“विज्ञानघन एवैतेम्यो भूतेभ्यः समुत्थाय तान्ये वाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति”
- ૧૪ વિદ્યાના પારંગત અને સર્વજ્ઞપણા નો દાવો ધરાવતા ૫૦૦ શિષ્યોના પરિવારવાળા એવા શ્રી ઇન્દ્રભૂતિ-વિપ્રને પણ ઉપરોક્ત વેદ વાક્યથી સંશય થયો હતો કે આત્મા છે કે નહીં?
- ઇન્દ્રભૂતિને જ્યારે ભગવાન મહાવીર પરમાત્માનો સુયોગ સાંપડ્યો અને પ્રભુએ “વિજ્ઞાનધન” એ વેદ વાક્યનો સાચો અર્થ સમજાવ્યો.
ઉપરોક્ત વેદવાક્યનો શ્રી ઇન્દ્રભૂતિએ કરેલો અર્થ:
- ”विज्ञानघन एव”: એટલે વિજ્ઞાનનો સમુદાય જ.
- “एतेम्या भूतेभ्यः समुत्थाय”: આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈ ને
- “तान्येवाऽनु विनश्यति”: પાછો તે પાંચ ભૂતોમાંજ લય પામે છે અર્થાત મળી જાય છે, માટે એ પાંચભૂતોથી ભિન્ન “આત્મા” નામનો કોઇપણ પદાર્થ નથી.
- તેથી કરીને “न प्रेत्यसंज्ञाऽस्ति” મરીને પુનર્જન્મ થતો નથી. અર્થાત પરલોકની સંજ્ઞા નથી.
અર્થાત: વિજ્ઞાનધન (વિજ્ઞાનનો સમુદાય - જ્ઞાનશકિત) જ આ (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ નામના પાંચ) મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થતા નષ્ટ થઈ જાય છે. મર્યા પછી સંજ્ઞા (જીવ) રહેતી નથી.
-
કાયારૂપે પરિણામ પામેલા એ પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય(જ્ઞાનશકિત) ઉત્પન્ન થઈને, જેમ પાણીમાં ઉત્પન્ન થયેલો પરપેટો પાણીમાં જ મળી જાય છે, તેમ વિજ્ઞાનનો સમુદાય(જ્ઞાનશકિત) પણ તે પાંચ ભૂતોમાંજ લય પામે છે, અર્થાત મળી જાય છે. આથી ભિન્ન આત્મા નથી અર્થાત મરીને પુર્ન:જન્મ નથી.
-
જેમ તાડી, લોટ વગેરે મદિરાના અંગમાંથી માદક શકિત ઉત્પન્ન થાય છે તેમ દેહ રૂપે પરિણામ પામેલા પાંચ ભૂતોમાંથી જ્ઞાનશકિત ઉત્પન્ન થાય છે.
-
આ અર્થના આધારે ઇન્દ્રભૂતિ-વિપ્ર સમજતા હતા કે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.
જયારે આ સંશય નું સમાધાન કરતાં એ વેદવાકયનો સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ કહેલો સાચો અર્થ:
- “विज्ञान” એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ.
- આ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ જે વિવિધ પર્યાયો, તેનો જે “घन” એટલે સમૂહ, એ જ આત્મા હોવાથી આત્માને विज्ञानघन કહી શકાય છે.
અર્થાત આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાનના અનંત અનંત પર્યાયો રહેલા છે માટે विज्ञानघन એટલે જ આત્મા
- તથા ”ददद” એ પણ વેદનું વાક્ય સૂચવે છે, ”દમન, દાન અને દયા” એ ત્રણને જે જાણે છે તે આત્મા છે.
-
આમ, વેદ વાક્યમાં પણ પરસ્પર વિરોધ આવ્યા સિવાય “આત્મા છે” એમ સિદ્ધ થાય છે.
- આ અર્થ થી એ સમર્થ પંડિતનો સંશય નષ્ટ થયો અને ”જીવ - આત્મા છે” એ સ્વીકારી પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરી સપરિવાર(૫૦૦ શિષ્યો સહિત) ઇન્દ્રભૂતિ સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના પ્રધાન શિષ્ય રત્ન થયા.
હવે પછીનાં ભાગમાં આપણે પ્રદેશી રાજા અને શ્રી કેશી ગણધર મહારાજા વચ્ચે થયેલો આત્મા વિશેનો સંવાદ જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶