ભાગ ૧: મહાપુરૂષો કોને કહેવા?
જીવનમાં પ્રગતિ કરવી હોય, વિકાસ સાધવો હોય કે અભ્યુદયની પ્રાપ્તિ કરવી હોય તો જેમણે પોતાના જીવનમાં અદભૂત પ્રગતિ કરી છે, અપૂર્વ વિકાસ સાધ્યો છે, કે અનુપમ અભ્યુદયની પ્રાપ્તિ કરી છે, એવા ઉત્તમ મહાપુરૂષોને આદર્શ નજર સમક્ષ રાખવો જોઈએ, અને તેનું સતત સ્મરણ રહ્યા કરે તે માટે તેમની અત્યંત બહુમાન પૂર્વક બને તેટલી આરાધના, ઉપાસના, સેવા કે ભક્તિ કરવી જોઈએ.
તો હવે પ્રશ્ન એ થાય કે,
મહાપુરૂષો કોને કહેવા?
તો કોઇ કહેશે:
- રણક્ષેત્રમાં અપૂર્વ વીરતા બતાવનારને મહાપુરૂષ કહેવાય,
- અનેક શાસ્ત્રને સારી રીતે જાણનારા વિદ્વાનને મહાપુરૂષ કહેવાય,
- સમાજની સુંદર સેવા કરનારને મહાપુરૂષ કહેવાય.
પરંતુ જૈન મહર્ષિઓનો મત એવો છે કે
- રણમાં લાખો યોદ્ધાઓ સાથે યુદ્ધ કરીને જીત મેળવવી સહેલી છે પણ પોતાના આત્માને જીતવો અઘરો છે.
- હજારો ગ્રંથોનું અધ્યયન કરીને તેનો સાર મગજમાં ભરવો સહેલો છે, પણ આ સારને આચરણમાં ઉતારવો અઘરો છે.
- એવી જ રીતે સમાજની વિવિધ પ્રકારે સેવા કરવી સહેલી છે પણ સર્વ દોષો જીતી પવિત્ર જીવન ગાળવું ઘણું અઘરું છે.
ઉપાસના કોની કરવી?
- કોઇ કહેશે કે બધા દેવો સારા હોય છે માટે ગમે તે એક દેવનો સ્વીકાર કરી ઉપાસના કરવી. - પણ આ અંગે એમ કહી શકાય કે જેમ યોગ્ય ઔષધના સેવનથી જ રોગનું નિવારણ થાય છે તેમ યોગ્ય દેવની ઉપાસના કરવાથી જ આત્મ કલ્યાણ પ્રાપ્ત થાય છે.
- કંચન અને કથીર ને જો સમાન ગણીએ તો કંચનની શ્રેષ્ઠતા કઇ રીતે ઓળખી શકાય? “ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા” એવો ગંડુ રાજાનો ન્યાય છે એમ સારા એટલે કે શ્રેષ્ઠ અને એથી નિમ્નકક્ષાના અથવા તો ખોટાને સરખા માની લેવાની ભૂલ કરવા જેવી નથી.
- આમા કોઇની નિંદા નથી એ માટે આચાર્ય હરિભદ્રસૂરીના મત મૂજબ
કોઇ માણસ એક માર્ગ ઉપર ચાલ્યો જાય અને એ માર્ગમાં ઝેરી કાંટા અથવા વીંછી-કાનખજૂરા જેવાઓને ફરતા જોઇને એ માર્ગ છોડી અને બીજા માર્ગે ચાલવા માંડે તો શું તેણે ઝેરી કાંટા કે વીંછી-કાનખજૂરાની નિંદા કરી ગણાશે?
-
આમ, જે મનુષ્ય મિથ્યાજ્ઞાન, મિથ્યાશાસ્ત્રો, મિથ્યાદ્રષ્ટિ કે મિથ્યામાર્ગનો ત્યાગ કરી સમ્યગજ્ઞાન, સમ્યકશાસ્ત્ર, સમ્યગદ્રષ્ટિ કે સમ્યગમાર્ગનો આશ્રય લે તેને નિંદા કેમ કહેવાય? આમ, દેવ, ઇશ્વર કે ભગવાનનું મુખ્ય લક્ષણ દુષણરહિત અવસ્થા છે.
-
એટલે ક્રોધ, માન, માયા અને લોભ વગેરેથી સર્વથા મુક્ત થઇ વીતરાગ બને છે તે જ સાચા-ઉત્તમ મહાપુરૂષ છે.
વીતરાગ કોને કહેવાય? તે વિશે આવતા ભાગમાં જોઇએ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶