🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

કીડી તથા મચ્છરની જયણા કેવી રીતે પાળશો?

આગળના ભાગમાં આપણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને સંમૂચ્છિમની જયણા કેવી રીતે પાળશો? એ વિશે જોયું હતું.

હ​વે આગળ

N - જયણા


કીડીની જયણા

 • કીડીને કોણ ન ઓળખે તે નાની પણ હોય, મોટી પણ હોય. તે કાળા રંગની પણ હોય, લાલ રંગની પણ હોય. તે છૂટી-છવાઈ પણ હોય અને જથ્થાબંધ પણ હોય.
 • કીડી તેઇન્દ્રિય ત્રસ જીવ છે. તેની કાયા ઘણી કોમળ હોય છે. સહેજ દબાણમાં આવતા તે મરી જાય છે. તેની ધ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. મીઠા અને ચીકણા પદાર્થોથી તે ખૂબ આકર્ષાય છે. ખાદ્યપદાર્થો વેરાય કે ઢોળાય ત્યાં અચાનક જથ્થાબંધ કીડીઓ ભેગી થઈ જાય છે.
 • કીડીનું શરીર ઘણું બારીક છે. ધ્યાનથી જોવાથી ચાલતી વખતે રસ્તા પર કીડી દેખી શકાય છે.
 • લાલ કીડી વધારે બારીક હોય છે. તેનો ડંખ પણ તીવ્ર હોય છે. તે ઘણીવાર ચામડી પર ચોંટી જાય છે અને ઘણાં પ્રયત્ન છતાં ઉખડતી નથી. ત્યારે તેને બચાવવા ખૂબ ધીરજ અને સાવધાની રાખવી પડે છે.

કીડીની રક્ષા માટેની કાળજી અને ઉપાયો

 • ખાદ્યપદાર્થ નીચે પડે તો તરત લઈ લો. દૂધ-ઘી વગેરે ઢોળાયા હોય તો તરત સાફ કરી નાંખો

 • ઘરમાં કીડી તરત દેખાય તેવું ફલોરીંગ જોઈએ

 • ચાલતી વખતે બરાબર નીચે જોઈને ચાલો

 • જે પદાર્થથી કીડીઓ આકર્ષાઈ હોય તે પદાર્થ સંભાળીને લઈ લેવાથી કીડીઓ પોતાના સ્થાને ચાલી જશે

 • કોઈ ખૂણામાં મધુર ખાદ્યપદાર્થનો કણીય મૂકી દેવાથી બધી કીડીઓ એક સ્થાને ભેગી થઈ જશે

 • દીવેલ અને લોટની ગોળી બનાવીને મૂકો. કીડીઓ ચાલી જશે

 • આજુબાજુ કંકુ, હળદર કે રાખ ભભરાવો

 • ખાદ્યપદાર્થમાં કીડીઓ થઈ ગઈ હોય તો ખૂબ સાવધાનીથી યોગ્ય ઉપાય કરીને રક્ષા કરવી જોઈએ

  • ઓડોમોસની ગંધવાળું કપડું ઢાંકવાથી પણ ડબ્બા વગેરેમાં થયેલી કીડીઓ ચાલી જાય છે
 • પાણીમાં પડેલી કીડી નિશ્ચેતન​ લાગે પણ તેને હળવે હાથે સૂકા કપડા પર મૂકવાથી પ-૭ મિનિટમાં ચાલવા લાગશે

 • ગેમેક્સીન વગેરે કીડીના પાવડર ખૂબ જલદ હોય છે. વાપરવા નહિ

 • લક્ષ્મણરેખા ચોકથી પણ કીડી મરી જાય છે - વાપરવા નહિ

 • પાણીમાં ફટકડી ઓગાળી તે પાણીમાં કેરોસીનના બે-ત્રણ ટીપાં નાંખી તે પાણીનું પોતું કરવાથી કીડીઓ થતી નથી

 • ખાંડ, મીઠાઈ વગેરેના ડબા પર કીડીઓ ચડી જતી હોય તો ડબાની ફરતે તેલ અથવા દિવેલથી લીટી કરવાથી કીડીઓ આવતી નથી

 • સિંધાલૂણની ભૂકી ભભરાવવાથી લાલ કીડીઓ ભાગી જાય છે

 • હળદર અને ફટકડીનો ભુકો સરખે ભાગે લઈ કીડીઓની હાર હોય ત્યાં છાંટવાથી કીડીઓ જતી રહે છે

 • સાચા સુખડનો ટુકડો મૂકવાથી કીડીઓ પાછી વળી જાય છે

 • તુલસીપાનનો ભુક્કો અને કપૂરના પાવડરને મિશ્રિત કરી તે મિશ્રણ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે

 • છીંકણીને પાણીમાં પલાળી તેની પેસ્ટ બનાવી તે પેસ્ટ ભીંત પર લગાવી દેવાથી લાલ કીડીઓ આવતી નથી

 • કેરોસીનમાં પલાળેલા રૂનાં પૂમડા મૂકવાથી ડબા કે બરણી પર ચડેલી કીડીઓ ઊતરી જાય છે

 • કપૂરની ગોળીઓ મૂકવાથી તેની ગંધથી કીડીઓ ચાલી જાય છે

 • બરાસનો પાવડર ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે

 • લાલ કીડી શરીર પર ચોંટી ગઈ હોય તો તેની આજુબાજુ છીંકણી ભભરાવવાથી કીડી સ્વયં નીકળી જશે

 • ઘરમાં કે આજુ-બાજુમાં આવન-જાવનના રસ્તામાં કીડીની લાઈન ચાલતી હોય તો તે લાઈનની બન્ને બાજુ ચૂનાનો પાવડર નાંખવો તેથી આવતા જતા બધાને ખ્યાલમાં આવે અને જયણાથી ચાલે

 • ઘરમાં વાંદા/ફુદા વગેરે મરેલા હોય તો તેનું કલેવર તરત યોગ્ય સ્થાને વિસર્જિત કરવું, નહીંતર કીડીઓ ખેંચાઈ આવશે

 • કીડીઓ ઊભરાઈ હોય ત્યાં આજુબાજુ બામ ચોપડી દેવાથી કીડીઓ દૂર થઈ જશે

 • ઘોડાવજનો પાવડર અને હળદરનો પાવડર મિશ્ર કરીને છાંટવાથી કીડીઓ જતી રહે છે. કીડીની જયણા માટે આ ખૂબ અસરકારક ઉપાય છે

 • રાખની લાઈન કરીને તેની ઉપર કેરોસીનનાં ટીપાં નાંખવાથી કીડીઓ જતી રહે છે. કીડીની જયણા માટે આ અક્સીર ઉપાય છે

મચ્છરની જયણા

 • મચ્છરથી કોણ પરિચિત નહિ હોય મચ્છરનો ગણગણાટ કાનને ખૂબ પરિચિત છે. મચ્છરના ડંખ​ ચામડીએ ખૂબ ખાધા છે. મચ્છરે મેલેરીયા જેવી બીમારીના બીછાને પણ ઘણીવાર સૂવડાવી દીધા છે. તો આપણને બીમારી આવે નહિ અને તેની જાણતા-અજાણતા હિંસા પણ ન થઈ જાય તે માટે મચ્છરની ઉત્પત્તિનું નિવારણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
 • સૂર્યાસ્ત સમયે બારી-બારણાં બંધ રાખવાથી મચ્છરો ઘરમાં પ્રવેશતા નથી. ઘરમાં ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત ન રાખો. ખુલ્લા કપડા-થેલા-બેગ વગેરેમાં મચ્છરો ભરાઈ જાય છે.
 • મચ્છરની કાયા અત્યંત કોમળ હોય છે. જરાક ભારે સ્પર્શ થતાં જ તે મરી જાય છે. ઊઠતા-બેસતા કે પડખું ફેરવતા પણ બેકાળજીથી મચ્છર મરી જાય છે વસ્તુ લેતા મૂકતા પણ બેદરકારી રાખવાથી મચ્છરની હિંસા થઈ જાય છે. સુદર્શનચક્રની જેમ ફરતા પંખાની હડફેટમાં આવવાથી પણ મચ્છરો મરી જાય છે. આહાર પાણીનાં ખુલ્લા વાસણમાં પડવાથી પણ મચ્છર મરી જાય છે. અગ્નિ, ગરમ રસોઈ કે ગરમપાણીમાં મચ્છર પડે તો મૃત્યુ પામે છે.

મચ્છરની વિરાધનાથી બચવા નીચેની બાબતો ધ્યાનમાં રાખો

 • ઘરમાં અને આજુબાજુ બીલકુલ ગંદકી ન રાખો

 • બારી-બારણાં બંધ રાખીને કુદરતી હવા-ઉજાસને અવરોધો નહિ

 • બારી-બારણાંમાં ઝીણી જાળી ફીટ કરવાથી. મચ્છરોનો ઘરમાં પ્રવેશ અટકાવી શકાય છે

 • મચ્છરો વધી ગયા હોય ત્યાં જુના લોકો લીમડાનો ધૂપ કરતા. તેથી મચ્છરો દૂર ચાલ્યા જાય છે

 • મચ્છરદાની બાંધીને સૂઈ જવાથી મચ્છરોના ડંખ અને વિરાધનાથી બચી શકાય છે

 • કોઈ પણ વસ્તુ લેતા-મૂકતા મચ્છર દબાઈ ન જાય તેનું ધ્યાન રાખો

 • આહાર-પાણીનાં વાસણો ખુલ્લા ન રાખો

 • ઉકાળેલું પાણી ઠારેલી પરાત ઉપર જાળી ઢાંકો

 • મચ્છર મારવાની દવા ન જ છંટાય કે મચ્છર મરી જાય તેવા અન્ય કોઈ ઉપાય પણ ન જ અજમાવાય

 • ઘર પાસે તુલસીનો ક્યારો રોપવાથી મચ્છર થતા નથી. દીવેલના દીવાથી મચ્છર આવતા નથી

 • લીંબોડીનું તેલ શરીર પર લગાવવાથી મરછર કરડતા નથી

 • મચ્છરને દૂર કરવા જંતુ નાશક દવા છંટાવવી નહિ. તે ઘોર હિંસા છે. તેમ મોસ્કવીટો મેટ પણ વાપરવી નહિ. તેમાં પેલિથિન નામની જંતુનાશક દવા આવે છે. તેના ધુમાડાથી મચ્છર તો મરે છે. માનવના આરોગ્ય માટે પણ તે ધુમાડો અત્યંત ઘાતક છે. મચ્છર અગરબત્તીઓ પણ ઝેરી રસાયણોને કારણે એટલી જ નુકસાનકારક છે

 • ગુગળ, લોબાન, કંદ્રુપ, કડવા લીમડાના પાન કે સંતરાની છાલનો ધુમાડો કરવાથી મચ્છરો ચાલ્યા જાય છે

 • સંતરાનું તેલ શરીરે ચોપડવાથી મચ્છર કરડતા નથી

 • આકડાના સૂકા પાનના ધુમાડાથી મચ્છરો દૂર જાય છે

 • ૧૦ ગ્રામ લીમડાના પાન, પાંચ દાણા મરી અને પ્રમાણોપેત ખડી સાકરનું મિશ્રણ ૨૧ દિવસ સુધી નિયમિત ખાવાથી મચ્છર કરડતા નથી તેવું કેટલાક નિષ્ણાતોનું કથન છે

 • લવિંગનું તેલ અને માલકાંગણીના તેલનું મિશ્રણ શરીર પર લગાવવાથી મચ્છર કરડતા નથી

 • સ્નાન કરતી વખતે લીંબુની છાલ ત્વચા પર ઘસવાથી મચ્છરો કરડતા નથી

 • બ્લ્યુ કે ઘેરા રંગનાં કપડાં, દિવાલ, પડદા વગેરેથી મચ્છરો આકર્ષાઈને આવે છે. તેવા રંગો તમે પસંદ ન કરો

 • સિટ્રોનેલા તેલનાં થોડા ટીપાં પાણીમાં નાંખી તે દ્રાવણમાં બોળેલી રિબનો ઘરમાં અલગ અલગ ખૂણામાં લટકાવી દો, મચ્છર ભાગી જશે

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો