ભાગ ૩૫: ખાલી હાથ જોડીને ઉભા રહેવું કે માથું નમાવી દેવું એ નમસ્કાર નથી!!!
ગઇ કાલના ભાગમાં આપણે આશય વિશે જોઇ રહ્યા હતા..
આ ભાગમાં આપણે ભકિતના અગત્યના અન્ય અંગો વિશે જોઇએ…
૧૧. ધર્મક્રિયામાં એકાગ્રતા અને અર્થજ્ઞાન જોઇએ:
- જ્યારે પ્રીતિનો ભાવ હશે તો મન એકાગ્ર બનશે અને ધર્મક્રિયા સાથે મનનું જોડાણ અતિમહત્વપૂર્ણ છે.
- જે ધર્મક્રિયાઓ સાથે મન જોડાય જાય છે તે ક્રિયા “અમૃતક્રિયા” બની જાય છે પણ ધર્મક્રિયામાં મન ત્યારે જ ડુબશે જ્યારે તે ધર્મક્રિયાના સૂત્રોના અર્થ-ભાવાર્થનું જ્ઞાન હશે.
- પ્રત્યેક ધર્મક્રિયાનો પ્રાણ છે સૂત્ર. સૂત્રોનું ઉચ્ચારણ અને શુદ્ધિ પણ વિશેષ મહત્વ ધરાવે છે અને અર્થનો ઉપયોગ પણ હોવો જોઇએ પછી મનની એકાગ્રતા સહજ રીતે પ્રાપ્ત થશે.
૧૨. સાધર્મિકો સાથે રહેવાથી:
- સાધર્મિકો સાથે રહેવાથી દરરોજ ઉઠતાની સાથે જ દેરાસરે જવાની ઇચ્છા થશે અને એ લોકો પ્રતિદિન પૂજા કરે તો આપણે પણ પૂજા કરવા જઇશું અથવા તેથી ઉલ્ટું જો આપણે દરરોજ દર્શન-પૂજા કરવા જતા હોઇશું તો તે લોકો પણ જવા માંડશે.
૧૩. એક ધર્મક્રિયા કરતી વખતે બીજી ધર્મક્રિયાનો વિચાર પણ ન કરવો.
-
એક ક્રિયા કરતી વખતે ભ્રમ થાય કે મેં આ કર્યું કે મેં આ નથી કર્યું એટલે કે ક્રિયામાં ઉપયોગ ન હોય.
-
સંસારની ક્રિયામાં ઉપયોગ રહે છે જેમ કે ખાવાનું હોય તો કોળિયો મોં ને બદલે નાકમાં નથી જતો. આમ, દુનિયાની મામૂલી વાતો એ આપણા મનનો કબ્જો જમાવ્યો છે પણ ધર્મક્રિયાઓએ તે નથી મેળવ્યો એટલે કે તેમાં ઉપયોગ રહેતો નથી તેનું કારણ અનાદિની અવળી ક્રિયાઓ કુવાસનાઓ એમ જલ્દી દૂર ન થાય. એ માટે લાંબા ગાળા સુધી સતત પણે શુભ ક્રિયાઓ કરવી જોઇએ.
-
અંતરમાં ભાવ ન હોય છતા ભાવ જગાડવા ક્રિયા કરવી જેમ કે પ્રભુ દર્શન કરવા ગયા હોય તો એમ કહેવું કે સંસારમાં અમે ખુબ જ સળગી ગયા હતા તો હે પ્રભુ! અમે તમારી પાસે ઠરશું.
અહો! કેવી અદભુત તમારી કરણી! કેવા અનુપમ તમારા ગુણ! કેવું આદર્શ તમારૂં જીવન!
-
આ ચિંતન દ્રારા હ્રદયને ભાવભીનું કરવું. જે ક્રિયા વખતે જે ભાવ જોઇએ, તેનું લક્ષ્ય કરવું. જેમ કે દેરાસરે પગ મૂક્યો તો પ્રભુને જોતા જ ઝણઝણાટી થવી જોઇએ, પ્રભુને જોતા હ્રદયમાંથી જાણે ભકિતરસના પાણીનો પ્રવાહ આંખ દ્રારા છૂટવો જોઇએ, સ્તુતિ બોલીએ તો હૈયુ નાચવું જોઇએ અને એવું જ કરવાની ઇચ્છા જોઇએ.
- જેમ કે, દર્શન કરતા હોય, ત્યારે ફક્ત દર્શન, પૂજા કરતા હોય ત્યારે ફક્ત પૂજા. તેની બદલે જો દર્શન વખતે પૂજાના, ચૈત્યવંદન ના વગેરે વિચારો ન કરવા જોઇએ કારણ કે જે ધર્મક્રિયા ચાલી રહી હોય તે જ ધર્મક્રિયાના વિચારો કરવા નહીંતર ક્રિયામાં મનનો ઉપયોગ ન રહે તો શુભ તો નહીં પણ અશુભ ભાવ પેદા થાય છે એનો આપણે બધાને અનુભવ છે.
- બીજી ક્રિયા કે બીજા વિચારોમાં જવાથી મન થોડું સિદ્ધશિલા ઉપર જાય છે કે સીમંધરસ્વામી પાસે જાય છે? ના, તે તો સંસારના, ધંધાના-દુકાનના-ઘરના, પૈસાના વગેરે વિચારો માં જાય છે. એટલે કે, ધર્મધ્યાનને બદલે આર્તધ્યાન થવા લાગે છે. રાગ-દ્રેષ અને મોહનો વિચાર કરે છે અને વારંવાર આવા વિચારો કરવાથી ધર્મક્રિયા નિષ્ફળ જાય છે. ધર્મક્રિયાનું જે ફળ મળવું જોઇએ તે મળતુ નથી.
- ધર્મક્રિયામાં ૨ ફળ પ્રાપ્ત કરવાના છે:
- અશુભ ભાવો ને દૂર કરીને શુભ ભાવ પેદા કરવાના છે.
- શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં ચિત્તને સ્થિર કરવાનું છે.
- ધર્મક્રિયામાં ૨ ફળ પ્રાપ્ત કરવાના છે:
- જેમ જેમ શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં ચિત્તની સ્થિરતા વધતી જશે તેમ તેમ ધર્મ-ધ્યાનમાં પ્રગતિ થતી રહેશે.
૧૪. જડની પ્રીતિ છોડવી:
- પ્રભુની પ્રીતિ એમ ને એમ નથી આવતી. એ તો જડની પ્રીતિ છોડીએ તો ધર્મની પ્રીતિ આવે.
- દેવચંદ્રજીએ ઋષભદેવ પ્રભુના “ઋષભ જિણંદશું, પ્રીતડી, કિમ કીજે હો કરો ચતુર વિચાર” એ સ્તવનમાં પહેલાતો પ્રીતિ કરવામાં મૂશ્કેલીઓ લખી અને છેવટે લખ્યું, “પ્રીતિ અનંતી પર થકી જે ત્રોડે હો, તે જોડે એહ રે”
જીવે જડ પુદગલ પર એવી અનંત પ્રીતિ રાખી છે કે બેલેન્સમાં હવે પ્રીતિ નથી રહી કે જે પ્રભુ પર જોડી શકાય છે તેથી રસ્તો એ છે કે જડપુદગલ અને ચેતન કુટુંબ ઉપરની પ્રીતિ તોડાય, એ પર પદાર્થ ઉપરથી પ્રીતિ ઉઠાવી લેવાય તો એને અહીં પ્રભુ ઉપર જોડી શકાય.
- શ્રેણિક મહારાજાને પરમાત્મા પ્રત્યે અવિહડ શ્રદ્ધા હતી. અત્યંત આદર હતો. પરમાત્મા તારક લાગ્યા હતા. મહારાજ શ્રેણિક પ્રભુની સુખશાતાના સમાચાર લાવનારને મોટું ઇનામ આપી દેતા. પરમાત્મા જે દિશામાં હોય ત્યાં રોજ સોનાના જ્વાલાનો સાથિયો કરતા. આમ, શ્રેણિક મહારાજાના ભાવો અજબ-ગજબના હતા. જ્યારે રત્નકંબલ વહેંચવા વેપારી દૂર-દૂરથી એમનું નામ સાંભળીને આવ્યો હતો ત્યારે એની પ્રિયમાં પ્રિય એવી ચેલણા રાણી સવા લાખની એક રત્નકંબલ ખરીદવાનું કહે છે… શ્રેણિક મહારાજા ના પાડી દે છે અને કહે છે કે, અનુકૂળતા પોષવા માટે રત્નકંબલ ન ખરીદાય. પ્રજાની રક્ષા માટે સંપતિ છે છતાં રોજ પ્રભુ ભક્તિમાં સોનાના જ્વાલાનો સાથિયો કરતા. આનું કારણ એક જ છે કે તેમને એમ લાગ્યું હતું કે, જગતમાં સૌથી શ્રેષ્ઠ પરમાત્મા છે. આમ, આપણને ભગવાન ગમશે તો તેના ગુણો ગમશે અને પરમાત્મા જેવા ગુણો પામવાનું મન થશે ત્યારે પ્રભુને કરેલો નમસ્કાર સાચો કહેવાશે. ખાલી હાથ જોડીને ઉભા રહેવું કે માથું નમાવી દેવું એ નમસ્કાર નથી. આમ, વીતરાગ પરમાત્માને નમસ્કાર એટલે જ કરીએ છીએ કે આપણે પણ વીતરાગી બનીએ.
હવે પછીના ભાગમાં આપણે શાસ્ત્રોમાં મળતા શ્રેષ્ઠ ભકિત કરનારાઓના ઉદાહરણ જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶