ભાગ ૧૦૭: અમને ધર્મ કરવાનો ભાવ કેમ જાગતો નથી?
આગળના ભાગમાં આપણે જોયું કે ખરેખર આપણે જીવવા માટે પાપો કરીએ છીએ કે મોજ-શોખ કરવા પાપો કરીએ છીએ? એ જ વિચાર કરતા નથી…
હવે આગળ,
આર્યકુળનો માનવ જનમ ઊંચો ગણાય પણ એ જનમ જીવન જીવાય તો ઊંચો? કે ન જીવાય, અધમ જીવન જીવાય તો પણ ઊંચો?
- કોઈ શાણો માણસ અધમ જીવન ઉપર જનમને ઊંચો ન કહે.
ઊંચો ન્યાયાધીશનો હોદ્દો હોય પરંતુ લાંચ લેતાં પકડાય, જેલમાં જાય, તો એ હોદો ઊંચો કેવો ગણાય?
- એમ હલકું જીવન જીવીએ તો ઊંચો માનવ જનમ કેવો ગણાય?
હવે સવાલ આ આવે છે કે ઉચ્ચ કોટિનું જીવન શેને ગણાય?
- સહજ વાત છે કે પાપ જીવનને ઉચ્ચ કોટિનું જીવન ન ગણાય,
- પણ ગુણમય જીવન-ધર્મ-જીવનને જ ઉચ્ચ કોટિનું જીવન ગણાય
- દુનિયામાં હિંસક અને જુઠા બોલા માણસનું જીવન ઊંચું નથી ગણાતું.
- પણ દયાળુ અને સાચા બોલા માણસનું જ જીવન ઊચું ગણાય છે.
- બહુ લોભિયા, માયાવી, અનીતિખોર, વિશ્વાસઘાતી અને લંપટનાં જીવનને ઉચ્ચ કોટિનાં નહિ, પણ અધમ કોટિનાં જીવન ગણાય છે.
- ત્યારે સંતોષી-પરોપકારી નિષ્કપટ-નીતિમાન-વિશ્વાસપાલક અને સંયમીનાં જીવન ઉચ્ચ કોટિના ગણાય છે.
આ બતાવે છે કે ધર્મજીવન-ગુણમય જીવન એ ઉત્તમ જીવન છે, અને પાપજીવન એ અધમ જીવન છે.
- જીવદયા-દાન-શીલ, તપ-ભાવના, પરમાત્મભક્તિ, સાધુ સત્સંગ, સામાયિક, જ્ઞાનોપાસના, મહાપુરુષના ચરિત્રનું વાંચન વગેરે આચરાય, એ ઊંચું ધર્મજીવન છે.
- એની સામે નિર્દયતા-કઠોરતા, ‘હાય પૈસા !’, ‘વાહ પરિવાર !’ મજેનાં ખાન પાન-વિષયોનાં જ આનંદમંગળ, ધંધામાં ઓતપ્રોતતા વિકથા-કુથલી મોહાંધ-વિષયાંધોના સંપર્ક વગેરે, એ અધમ પાપજીવનના ખેલ છે.
આટલો ધર્મજીવન અને પાપજીવનનો વિવેક જાગ્યા પછી પણ આજે કેટલાય ભવી જીવોની ફરિયાદ છે કે અમને ધર્મ કરવાનો ભાવ કેમ જાગતો નથી?
- આની પાછળ બીજા કારણ હોય છે, પણ એક અગત્યનું કારણ આ છે કે જીવન લક્ષ્યના વિચાર વિનાનું જીવાય છે,
- લક્ષ્યના વિચાર વિનાનું જીવવું એ કેટલી બધી મૂઢતા ગણાય !
- માણસ બજારમાં જાય તો લક્ષ્યનો વિચાર હોય છે કે મારે માલ ખરીદવા જવું છે.
- ધંધે જાય તો પૈસા કમાવાનું લક્ષ્ય હોય છે.
- દવાખાને જતાં દવા લેવાનું લક્ષ્ય નજર સામે રહે છે.
- બહાર ફરવા જાય તો આરોગ્ય સાચવવાનું લક્ષ્ય ધ્યાનમાં રાખીને. આ બધે લક્ષ્યનું ધ્યાન રહે છે.
પરંતુ આશ્ચર્ય છે કે
આટલું કિંમતી માનવ જીવન જીવાય છે એ શા માટે ?
કયા લક્ષ્યને સિદ્ધ કરવા માટે એનો વિચાર જ નહિ!
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶