ભાગ ૧૦૦: દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને બુદ્ધિમાન જીવોએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું જોઈએ.
આગળના ભાગમાં આપણે જોયું કે,
જૈન ધર્મ પ્રમાણે જીવોની ચાર પ્રકારની ગતિ છે:
(૧) મનુષ્ય,
(૨) તિર્યંચ,
(૩) દેવતા અને
(૪) નારકી.
હવે આગળ,
આજ્ઞા
- આ ચાર પ્રકારની ગતિના જીવો કેટલા પ્રમાણમાં છે તે દર્શાવવા પ્રત્યેક ગતિની બાબતમાં જૈન ધર્મે ગણિતની સંજ્ઞા આપી છે.
- એ પ્રમાણે મનુષ્યની વસ્તી “સંખ્યાતા” છે. દેવતા અને નારકીના જીવો “અસંખ્યાતા” છે અને તિર્યંચગતિના જીવો અનંત છે.
સંખ્યાતા:
- જેની સંખ્યા ગણી શકાય તે. જૈન ધર્મના ગણિતાનુયોગ પ્રમાણે એકથી ઓગણત્રીસ આંકડા સુધીની સંખ્યા તે સંખ્યાતા કહેવાય છે.
અસંખ્યતા:
- ૩૦ કે તેથી વધુ આંકડાની ૨કમ એ અસંખ્યાતા કહેવાય છે.
- થોડે સુધી ગણી શકાય પણ પછી ગણવાનું ફાવે નહિ અને ચોક્કસ આંકડો મળે નહિ એવી સંખ્યાને અસંખ્યાતા કહેવામાં આવે છે.
અનંત:
- જે સંખ્યા ગણવાનું ફાવે નહિ અને ગણતાં ક્યારેય પાર આવે નહિ તેવી સંખ્યાને અનંત કહેવામાં આવે છે.
- મનુષ્યની વસ્તી અત્યારે દસ આંકડા જેટલી છે. દસ ને બદલે ૨૯ આંકડા સુધી મનુષ્યની વસ્તી કદાચ પહોંચે તો પણ તે સંખ્યાતા કહેવાય.
જૈન ધર્મ પ્રમાણે ચાર ગતિના જીવો જ્યાં સુધી પાંચમી ગતિ મોક્ષગતિ પામતા નથી ત્યાં સુધી એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે.
- દેવગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે.
- તિર્યંચગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે.
- તિર્યંચગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં કે નર્કગતિમાં જઈ શકે છે.
- મનુષ્ય ગતિના જીવો આયુષ્ય પુર્ણ કરીને મનુષ્ય, તિર્યંચ, દેવગતિ કે નર્કગતિમાં પણ ઉત્પન્ન થઇ શકે છે.
- મનુષ્ય જન્મ એ એક જ એવી ગતિ છે કે જ્યાંથી મોક્ષગતિ પ્રાપ્ત થઇ શકે.
- માત્ર વધતી જતી મનુષ્યવસ્તી પ્રત્યે લક્ષ આપવાથી આ દુર્લભતા નહિ સમજાય.
- સમગ્ર વિશ્વની તમામ જીવરાશિના સતત ચાલતા પરિભ્રમણનું દ્રશ્ય આંતર ચક્ષુ સમક્ષ જેઓ ખડું કરી શકે તેમને આ દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહે નહીં.
- દુર્લભ મનુષ્ય જન્મ મળ્યા પછી અનેક મનુષ્ય તેને વ્યર્થ ગુમાવી દે છે.
“સિન્દુરપ્રકરણ” માં કહ્યું છે કે,
જે માણસ પ્રમાદને વશ થઈ દુષ્પ્રાપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી દે છે તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે,
અમૃતથી પગ ધોઈ રહ્યો છે,
શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યો છે
અને ચિંતામણિરત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકી રહ્યો છે.
અને એટલે જ, દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને બુદ્ધિમાન જીવોએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું જોઈએ.
ભગવાને આ ભવને દુર્લભ કેમ કહ્યો છે?
- એક મનુષ્યભવમાં જ સ્વભાવ ચેંજ કરવો શક્ય છે.
- પોતાના અનાદિકાલીન સંસ્કારોને ફેરવવા શક્ય છે.
- બીજા કોઇ ભવમાં આખી પ્રકૃતિ બદલવી એ શક્ય નથી સર્વથા દોષો ત્યજી ગુણો પામવા એ શક્ય નથી.
માનવભવમાં કઇ શક્યતા?
- કીડીને સાકર દેખાય એટલે તેની પાછળ દોડે.
- બિલાડીને ઉંદર દેખાય એટલે તેની પાછળ દોડે.
- નરકના જીવોને દુ:ખ ખુબ હોય એટલે તે દુ:ખથી છૂટવાના પ્રયત્નો કરે.
- દેવને જે મળ્યું હોય એમાં તે ડુબી જાય તેથી તેને પોતાના આત્માનો તો કોઇ વિચાર જ ન આવે.
એક મનુષ્ય ભવ જ એવો છે કે જો એ ધારે તો પોતાના આત્મ સંબંધી સાચા સુખને પુરુષાર્થ દ્વારા પામી રાકે.
- તે ક્રોધને ત્યજી શાંત બની શકે,
- માનને ત્યજી નમ્ર બની શકે
- માયાને ત્યજી સરળ બની શકે.
- લોભને ત્યજી સંતોષી બની શકે
- અથવા સંપૂર્ણ દોષો ત્યજી સંપૂર્ણ ગુણી એક મનુષ્ય જ બની શકે માટે મનુષ્યભવને ભગવાને દુર્લભ કહ્યો છે.
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶