ભાગ ૯૭: કેટલા બધા ઊંચા પુણ્યે પંચેન્દ્રિયપણું મળ્યું ! એમાં ય મનુષ્યપણું! એમાંય આર્યપણું ! એમાં ય જૈનપણું !
આગળના ભાગમાં આપણે ગુરુવિનય-બહુમાનથી સમજશક્તિ વધે એ અંગેનું બ્રાહ્મણ વિધાર્થીનું દ્રષ્ટાંત જોયું…
હવે આગળ,
આજ્ઞા
(૭) શ્રોતાનું સારું જાણકારપણું:
- વક્તા જે જે કહે એનું જાણકારપણું આવવું જોઈએ, જો આ ગુણ ન હોય, તો વક્તાએ હમણાં સુધી કહેલી વસ્તુની જાણકારીના અભાવે, હવે એ વક્તા પૂર્વોક્ત વસ્તુના અનુસંધાનમાં જે વસ્તુ કહેશે, તે શ્રોતાના સમજમાં નહીં આવે યા વક્તાનો આશય કાંઈ હશે, અને પોતે બીજો જ આશય લગાવશે.
- માટે શ્રવણ વખતે કરવા જેવું આ છે કે જેટલું જેટલું સાંભળતા જઈએ, એટલા એટલાની મનમાં જાણકારી ફિક્સ થઈ જાય, ચોક્કસ થઈ જાય.
- વ્યાખ્યાનના શ્રોતા બન્યા રહેવામાં મહિનાઓ ને વર્ષો વીત્યા પછી પણ એ સાંભળેલાની જાણકારી કેટલી આવી ? વર્ષોના શ્રવણ પછી પણ સારું જાણકારપણું નહિ, એ કેટલી કંગાલ દશા!
(૮) ઉદ્યોગ:
- અર્થાત શ્રોતા એ સાંભળીને સમજશક્તિ દ્વારા સમજાયેલાની યાદ રહે એ માટે પ્રયત્ન કરવો જોઈએ.
-
એ પ્રયત્ન ધારણ કરવાનો અને પુનઃ પુનઃ સ્મરણ ચિંતન કરવાનો હોય,
- સાંભળવાનું શરૂ કર્યું, તો કયા વિષયથી શરૂ થયું, પહેલાં એને ન પર લઈ લેવાય એમાં દાખલા-દલીલ અને લાભાલાભ બતાવ્યા હોય એ પણ લક્ષમાં લેવાના, પછી વક્તા પ્રાસંગિક વિષય પર ઊતરી જાય અગર ક્રમસર બીજો વિષય ઉપાડે, ત્યાં એની મનમાં પૂર્વના વિષય સાથે કડી જોડી લક્ષમાં લેવાય.
- જેમ જેમ આગળ શ્રવણ વધે, તેમ તેમ પૂર્વના મુખ્ય મુખ્ય વિષયો કડીબદ્ધ મનમાં અવગાહતા રહેવું.
(૯) નિંદ્રાનો ત્યાગ
- શ્રવણ કરતી વખતે ઝોકાં ખાય, તો સાંભળતાં સરખું ન સમજી શકે કે ન એની ધારણા કરી શકે.
- ઝોકાં કેમ આવે છે ?
- શ્રવણનો કે વ્યાખ્યાનના વિષયનો રસ નથી માટે ઝોકાં આવે છે.
- ઝોકાં ન આવે એ માટે રસ ઊભો કરવો જોઈએ. જીવને સમજાવી દેવું કે,
દુનિયાનું પાપનું તો ઘણું ય સાંભળ્યું ને હજી ય સાંભળી રહ્યા છીએ.
અરે ! નકામી કુથલી ય કેટલી સાંભળી?
પણ એમાં આપણું શું ભલું થયું ? કે થશે ?
કેટલા બધા ઊંચા પુણ્યે શ્રોત્રેન્દ્રિય સહિત પંચેન્દ્રિયપણું મળ્યું !
એમાં ય મનુષ્યપણું !
એમાંય આર્યપણું !
એમાં ય જૈનપણું !
કેટકેટલા અનંત અનંત પુણ્યના ઉદય થવા પર આ બધું મળ્યું !
તો - આ જૈન દેહની મહાકિંમતી શ્રોત્રેન્દ્રિયનો અહીં આ ધર્મ-શ્રવણમાં સદુપયોગ નહીં કરીએ તો એ કેવી વેડફાઈ જશે?
(૧૦) સદબુદ્ધિ:
- સદબુદ્ધિમાં અનેક ભાવ છે,
- વક્તા પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન રાખતાં શ્રવણથી વસ્તુને સીધા રૂપે લે, સરળપણે તત્વ ગ્રહણ કરે
- વક્તાના આશયને સમજે,
- પ્રવચનના પદાર્થોમાં પૂર્વાપરનો સંબંધ ખ્યાલમાં રાખે;
- પોતે તત્વ પામવાના અને કર્મક્ષય કરવાના નિર્મળ આશયથી સાંભળે.
- કોઈના તરફ રાગ હોય તો એની અસર નીચે આ વક્તાનું કથન એને રુચશે જ નહિ.
મોટા ગણધર ગૌતમસ્વામી જગદગુરુ મહાવીર ભગવાનના આદેશથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગયા તે અંગે આપણે દ્રષ્ટાંત હવે પછીના ભાગમાં જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶